ક્રાઇમ:સુરતના યુવકને ઉદવાડાથી અપહરણ કરી લૂંટી લેવાયો

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં ટક્કર લાગતા ખર્ચો માંગવાના બહાને ઇકોમાં બેસાડી નવસારી લઇ જઇ માર માર્યો

સુરતના ઉગત ખાતે ભક્તિ ધર્મ ટાઉનશીપ ખાતે રહેતા હસમુખ ડાહ્યાભાઈ ચૌહાણ 13 એપ્રિલે પોતાના સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનની મીટિંગમાં હાજરી આપવા દમણ ખાતે આવ્યા હતા. તેઓ રાત્રે 8 વાગે પોતાની હોન્ડા સિટી કારમાં સુરત જવા નીકળ્યા હતા. ઉદવાડા રેલવે ફાટક પાસે સર્વિસ રોડ ઉપર આગળ ચાલતી કારના ચાલકે બ્રેક મારી ધીમી પાડતા હસમુખભાઈની કાર ઇકો સાથે અથડાઈ હતી. જેને લઇ કારમાં સવાર 5 જેટલા ઈસમોએ હસમુખભાઈ પાસે 5000 નુકસાનીના માંગ્યા હતા.

હસમુખભાઈએ રૂપિયા આપવાની આનાકાની કરતા આ ઈસમોએ પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને પોતાની કારમાં બેસાડી નવસારી તરફ ભગાડી મુકી હતી. હસમુખભાઈનું ઓરવાડથી અપહરણ કરી મારમારી ગળામાં પહેરેલ 65000 રૂપિયાની સોનાની ચેઇન લૂંટી નવસારીના દાતેજ ગામે ઉતારી ભાગી છૂટયા હતા. પોલીસ આવી જતા હસમુખભાઈને નવસારી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હસમુખભાઈની પત્નીને તેમને વધુ સારવાર માટે સુરત સિવિલ લઇ ગયા હતા. 15 એપ્રિલે હસમુખભાઇએ પારડી પોલીસ સ્ટેશન આવી અજાણ્યા પાંચ શખ્સો વિરુદ્ધ અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...