ઠંડીની સિઝન શરૂ થતા પારડી પંથકમાં તસ્કરોનો તરખાટ શરૂ થઇ ગયો છે. મંગળવારે ખડકી પેટ્રોલ પંપ પર નજર ચુકવી રોકડ 25 હજારની ચોરીની ઘટના બાદ રાત્રે પારડી વિશ્રામ હોટલ બાજુમાં આવેલી અલમદીના બિલ્ડીંગમાં એક સાથે 4 બંધ ફ્લેટના તાળા તોડી રોકડ અને દાગીના મળી કુલ 54 હજારની મતા પર હાથ સાફ કરી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.
ખડકી હાઇવે સ્થિત સિદ્ધિ વિનાયક પેટ્રોલ પંપ પર મંગળવારે સાંજે મોપેડ સવાર બે અજાણ્યા ઈસમો પૈકી એકે પેટ્રોલ પંપના બીજા નંબરના પોઇન્ટ પર જઈ ત્યાં હાજર ફિલર હિતેશ પાસે 500 રૂપિયાના છૂટા માગતા હિતેશે પોતાના ટેબલના ડ્રોઅરમાંથી 100 રૂની 5 નોટ ગણી છૂટા આપી ડ્રોઅર બંધ કરી ચાવી બીજા ખાનામાં મૂકી અન્ય ગ્રાહકોના વાહનમાં પેટ્રોલ નાંખવા ગયા ત્યારે અન્ય બાઇક સવારે પણ 500ની નોટ આપતા હિતેશભાઈએ પોતાના ડ્રોઅર પાસે આવી જોતા તે ખુલ્લું હતું અને અંદરથી 500ના દરની 49 નોટ તથા 100ના દરની 4 નોટ મળી કુલ 24500નું બંડલ ગાયબ હતું.
બાજુમાં છૂટા લેવા આવેલ અજાણ્યો ઇસમ પણ ગાયબ હતો. જેથી તેમણે સી.સી. કેમેરા ચેક કરતા છૂટા લેવા આવેલ અજાણ્યો ઈસમ ડ્રોઅરમાંથી રૂપિયાનું બંડલ લઈ હાઇવે પર ઉભેલા અન્ય એક સાથી સાથે મોપેડ પર બેસી રેમન્ડ કંપની તરફ ભાગતા જોવા મળ્યા હતા. આ અંગે પારડી પોલીસને જાણ કરતા પીઆઈ મયુર પટેલ તેમની ટીમ સાથે સ્થળ પહોંચી તપાસ શરૂ કરી હતી.
બીજા બનાવમાં મંગળવારે મધ્ય રાત્રીએ 3થી 4ના ગાળામાં આસપાસ પારડી વિશ્રામ હોટલની બાજુમાં આવેલા અલમદીના કોમ્પલેક્ષને ચોરોએ નિશાન બનાવી બંધ 5 ફ્લેટના તાળા તોડવા પહેલા પાડોશીના ફ્લેટને બહારથી બંધ કરી દીધા હતા. જે બાદ ઉપરોક્ત ફ્લેટ નં. 102માં સલમાન ખાન, 104માં મહમદ ઉમર તનવર ઝાકીર હુંસૈન, 105માં ફૈજલ હુસૈન શેખ, 205માં મહેબૂમ મુલ્લામાં ઘુસી રોકડ અને દાગીના ચોરી પલાયન થિ ગયા હતા. ઘટના અંગે બુધવારે મહમદ ઉમર તનવર ઝાકીર હુસૈને તેમના ઘરેથી સોનાની રિંગ, કાનના પત્તા, ચાંદિના પાયલ ત્રણ નંગ, અને રોકડા 10 હજાર મળી કુલ રૂ 54,000ની મતા ચોરીની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાવી છે. જોકે સદ્દામના ઘરેથી બે સેટ કાનની બુટ્ટી, અને ફરહાદ ઘરેથી એક સોનાની બુટ્ટી ચોરાઇ હોવાની માહિતી મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.