આંદોલન ચીમકી ઉચ્ચારી:ધરમપુરની શાળામાં રસોઈયાઓ દ્વારા વિદ્યાર્થિનીઓના વીડિયો બનાવવા બાબતે યુથ કોંગ્રેસની ટીમે ન્યાયિક તપાસની માગ કરી

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી એકલવ્ય નિવાસી શાળામાં અભ્યાસ કરતી 600 વિદ્યાર્થિનીઓ પૈકી કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે નિવાસી શાળાના રસોઈયાઓ દ્વારા કનડગત કરવામાં આવી રહી હોવાની ફરિયાદ વાલીઓને મળતા વાલીઓએ હંગામો મચાવ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ યુથ કોંગ્રેસની ટીમને થતા યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખે આગામી દિવસોમાં ન્યાયિક તપાસની માંગ કરી છે અને જો સ્ટાફ પાસે કે રસોઈયાઓ પાસેથી અશ્લિલ વીડિયો કે ફોટા મળી આવે તો તેમની સામે કડકમાં કડક સજાની માગ કરી છે. જો ટુક સમયમાં સમગ્ર ઘટનામાં દોષિત આરોપીઓને ઝડપી પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થિનીઓની અને મહિલાઓની સુરક્ષા માટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વિદ્યાર્થિનીઓ ન્હાતી હોય ત્યારના વીડિયો ઉતાર્યા હોવાનો આક્ષેપ
ચંદીગઢની યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓનો ન્યૂડ વીડિયો વાયરલ કરવામાં આવ્યાં હોવાનો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલી એકલવ્ય નિવાસી આશ્રમ શાળામાં રહેતી વિદ્યાર્થિનીઓ બાથરૂમમાં સ્નાન કરતી હોય ત્યારે રસોઇયાઓ દ્વારા તેમના વીડિયો ઉતારવામાં આવ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા. તેમજ વિદ્યાર્થિનીઓને વારંવાર કનડગત કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. શાળાના શિક્ષકે વાલીઓને સોશિયલ મીડિયા ગ્રુપમાં એક મેસેજ કરીને તમામ વાલીઓને ઘટનાની જાણ કરી હતી. જેના બીજા દિવસે વાલીઓએ શાળા ખાતે હંગામો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ ધરમપુર પોલીસને થતા ધરમપુર પોલીસ, LCB અને DySP સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા.

સ્ટાફના મોબાઈલમાં કોઈ વીડિયો મળ્યાં નથી
સમગ્ર ઘટનામાં રસોઇયા કે તેમના સ્ટાફના મોબાઈલમાં કોઈ અશ્લિલ વીડીયો કે કોઈ વિદ્યાર્થિનીઓના સાદા ફોટો પણ મળ્યા નથી. હજુ સુધી કોઈ વિદ્યાર્થિનીએ ધરમપુર પોલીસને કે અન્ય જગ્યાએ ફરિયાદ કરી નથી. સંસ્થાના આચર્યાને પણ વિદ્યાર્થિનીઓએ કોઈ ફરિયાદ કરી ન હોવાનું સામે આવ્યું હતું.

વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનો પણ આક્ષેપ
શાળામાં સુંદર દેખાતી વિદ્યાર્થિનીઓને વધારે જમવાનું આપવામાં આવે છે અને અન્ય વિદ્યાર્થિનીઓને ઓછું જમવાનું આપવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. તેમજ વિદ્યાર્થિનીઓને રસોઇયાઓ દ્વારા ખરાબ શબ્દો બોલી કનડગત કરતા રહે છે તેમજ વાલીઓને ફરિયાદ કરશો તો વિદ્યાર્થિનીઓનો સ્નાન કરતા વીડીયો અને કપડાં બદલતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી વિદ્યાર્થિનીઓ ચૂપ રહી હોવાનું વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું.

​​​​​​​આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી
સમગ્ર ઘટના યુથ કોંગ્રેસના સામે આવતા યુથ કોંગ્રેસ મહિલા પ્રમુખે સમગ્ર ઘટના અંગે ન્યાયિક તપાસની માગ કરી છે. રાજ્યમાં મહિલાઓને સુરક્ષા આપવામાં સરકાર પાછળ ગઈ છે. ધરમપુરની ઘટનામાં ન્યાયિક તપાસની માગ સાથે યુથ કોંગ્રેસે આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

​​​​​​​વલસાડ પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
વલસાડ પોલીસે ઘટના સ્થળે વિદ્યાર્થીનીઓના, વાલીઓના, શિક્ષકોના, આચાર્યના અને રસોઇયા તેમજ સ્ટાફના નિવેદન નોંધ્યા હતા. હજુ સુધી એક પણ વિદ્યાર્થિનીઓનો ફોટો કે વીડિયો કોઈના મોબાઈલમાં જોવા મળ્યો નથી. વલસાડ પોલીસ ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. તમામ સકમંદોના માબાઇલ ટેકનીકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને તપાસ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...