PSI વતી લાંચ લેતાં વકીલ ઝડપાયો:વલસાડમાં મહિલા PSIએ વાઇન શોપના માલિક પાસે દારૂ કેસમાં કાર્યવાહી ન કરવા લાંચ માગી, હેરાન નહીં કરે એવી ખાતરી આપી હતી

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલા PSI વાય.જે. પટેલ - Divya Bhaskar
મહિલા PSI વાય.જે. પટેલ
  • શોપના માલિકના દીકરાએ આગોતરા જામીન મેળવ્યા છતાં 41 (1) હેઠળ અટકાયત કરવા ધમકી આપતી હતી
  • મહિલા PSI વલસાડ પ્રાંત અધિકારીની પત્ની છે
  • પોતાના માનીતા વકીલને કેસ આપવા વાત કરી હતી

વલસાડ સિટી પોલીસ મથકે વર્ષ 2020માં નોંધાયેલી એક દારૂના કેસમાં સેલવાસના વાઇન શોપના માલિકનું નામ ખૂલ્યું હતું, જેથી વાઇન શોપના માલિકે ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવ્યા હતા. તેમ છતાં 41(1) મુજબ કેસ કરવા અને અન્ય રીતે મહિલા PSI આરોપીને હેરાન કરતી હતી. આરોપીને હેરાન ન કરવા માટે તેણે રૂ. 1.50 લાખની માગણી કરી હતી. વાઇન શોપના માલિકે ACBને આની જાણ કરી હતી. ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં વલસાડ મામલતદાર કચેરી બહાર વચેટિયો વકીલ લાંચની રકમ લેતાં ઝડપાયો હતો.

આરોપી વકીલ ભરત યાદવ.
આરોપી વકીલ ભરત યાદવ.

PSI શોપના માલિકને દબાણ કરતી હતી
વલસાડ સિટી પોલીસ મથકે વર્ષ 2020માં નોંધાયેલી દારૂની એક FIRમાં સેલવાસના વાઇન શોપ સંચાલકનું નામ ખૂલ્યું હતું. નામ ખૂલતાં વલસાડ PSI વાય.જે. પટેલે આરોપીને સમન્સ મોકલાવ્યો હતો. વાઇન શોપ સંચાલકે ધરપકડથી બચવા હાઈ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. તે આગોતરા જામીન મેળવ્યા બાદ સિટી પોલીસ મથકે જવાબ નોંધાવવા આવ્યો હતો. તેમ છતાં 41(1)ની કલમ લાગુ કરીને PSIએ જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી. PSI શોપના માલિકને આ કેસ પોતાના માનીતા વકીલને જ લડવા આપવા દબાણ કરતી હતી, જેની સાથે તેણે રૂ. 1.50 લાખની લાંચની માગણી કરી હતી.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

PSI વતી વકીલે લાંચ સ્વીકારી
સિટી પોલીસ મથકના PSIએ ધમકી આપતાં ગભરાયેલા વાઇન શોપના માલિકે ACBનો સંપર્ક કર્યો હતો, જેથી ગાંધીનગર ACBએ છટકું ગોઠવ્યું હતું, જેમાં વલસાડ મામલતદાર કચેરી બહાર લાંચની રકમ સ્વીકારવા PSI વાય.જે. પટેલ વતી તેમના વચેટિયા વકીલ ભરત યાદવે રૂા. 1.50 લાખની લાંચ સ્વીકારી હતી. તેને ACBની ટીમે ઝડપી લીધો હતો. ગાંધીનગર ACBના છટકામાં વકીલ ઝડપાઇ ગયો હોવાની વાત વાયુ વેગે પોલીસબેડામાં ફેલાતાં વલસાડ સિટી પોલીસ મથક સહિત અનેક પોલીસ મથકોમાં સન્નાટો છવાઈ ગયો હતો.

માલિકને વારંવાર મહિલા PSIએ નોટિસો આપી
સેલવાસના બાર માલિકના પૂત્રનું દારૂના એક કેસમાં નામ ખુલતાં તેણે હાઇકોર્ટમાંથી આગોતરા મેળવ્યા છતાં વલસાડ સિટી પોલીસ મથકની આ મહિલા PSI વાય.જે.પટેલે વારંવાર સીઆરપીસી 41(1) મુજબની નોટિસો પાઠ‌વી હેરાન પરેશાન કરવાનું ચાલૂ કરી દીધું હતું.વારંવાર નોટિસો ફટકારી ફરિયાદીના પૂત્રને પોલીસ મથકે હાજર કરવા તેમજ જરૂરી દસ્તાવેજી માહિતી રજૂ કરવા જણાવી વલસાડના વચેટિયાની મીલીભગતમાં રૂ.1.50 લાખની લાંચ માગી હતી. જે લાંચ સ્વીકારવા જતા વકીલ ઝડપાઇ ગયો હતો.

કેસમાં રૂ.8 લાખની માગણી થઇ હોવાની ચર્ચા
સેલવાસનો એક યુવક વલસાડ સિટી હદમાં 72 બાટલી સાથે પકડાઇ ગયો હતો.આ કેસમાં વલસાડના મહિલા પીએસઆઇ વાય.જે.પટેલે સેલવાસના બારનું નામ ખુલ્યું હોવાની વાત ઉપજાવી કાઢવામાં આવી હતી તેવું કહેવાય છે અને બારનું ન લખવા માટે રૂ.8 લાખની માગણી કરી હોવાની મોટાપાયે લોકચર્ચા ઉઠી હતી.જેમાં વલસાડના પોલીસના ટાઉટ ગણાતા વકીલ ભરત યાદવ મારફતે લાંચની માગણી કરી હતી.પીએસઆઇ વતી રૂ.1.50 લાખની લાંચના કેસમાં ભરત યાદવને આબાદ ઝડપી લેવાયો હતો.

ફરિયાદી પાસે લાંચ અંગેની વાતચીતનુ રેકોર્ડિંગ
વલસાડમાં વકીલ અ્ને પીએસઆઇના લાંચ કેસમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.જેમાં સેલવાસના બારના માલિક પાસે લાંચની રકમ માગણીને લઇ વકીલ ભરત યાદવ સેલવાસ પણ ગયો હતો.જ્યાં લાંચ અંગેની વાચચીત મહિલા પીએસઆઇ મારફત થવા અંગે ફરિયાદી સાથે થઇ હતી.તેમજ ફરિયાદીએ ભરત યાદવ મારફત મહિલા પીએસઆઇ વાય.જે.પટેલને પૈસા માટે ફોન કરવા જણાવ્યું હોવાની વાતચીતનું રેકોર્ડિંગ કરી લીધું હોવાનું પણ ચર્ચા ઉઠી છે.

મહિલા PSI લાંચમાં સંડોવાતા વકીલે ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વલસાડના એક વકીલ અને આરટીઆઇ કાર્યકરે અગાઉ જાહેરમાં માસ્ક ન પહેરવા મુદ્દે આ મહિલા પીએસઆઇએ વિરોધ કર્યો હતો પણ જ્યારે આ જ મહિલા લાંચના કેસમાં સંડોવાતા આરોપી તરીકે એસીબીના ચોપડે ચઢતાં તેમના વિરોધીઓ જાહેરમાં જોવા મળ્યા હતા જેમાં આ વકીલે તેમના ઘરે રાત્રે ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો હતો,જે પણ સોશ્યિલ મીડિયામાં ફોટો સાથે જોવા મળ્યું હતું. આમ મહિલા પીએસઆઇ અને વકીલ વચ્ચે ચાલતો આંતરીક ખટરાગ સપાટી પર જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...