કેરીના પાક પર માવઠાનો માર:વલસાડ જિલ્લામાં હાફૂસ કેરીના પાકને વ્યાપક નુકસાન, ત્રણ ધારાસભ્યોની સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવા માગ

વલસાડ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં માવઠાના કારણે 35 હજાર હેકટરમાં લેવાતા કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે. વલસાડી હાફુસમાં પણ ભારે નુકસાનના કારણે આ વખતે બજારમાં ન જોવા મળે તેવી શક્યતા છે. ત્યારે જિલ્લાના ત્રણ ધારાસભ્યોએ ખેડૂતોને સહાય મળે એ માટે કૃષિમંત્રી સહિત ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 35 હજાર હેક્ટર જમીનમાં આંબાવાડીઓ આવેલી છે. જેમાં હાલ ફ્લાવરિંગ અને કેટલીક આંબાવાડીઓમાં કેરીનો પ્રથમ પાક તૈયાર થઈ રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં માવઠાની અસર થતા ભારે પવન સાથે કમોસમી વરસાદને લઈને આંબાવાડીઓમાં ભારે નુકશાન થવા પામ્યું છે. આંબા વાડીઓમાં પવનના કારણે આંબાઓ ઉપરથી કેરીઓ ખરી પડી છે. તો કમોસમી વરસાદ ના કારણે ફ્લાવરિંગને પણ ભારે નુકશાન થવા પામ્યું છે.

જિલ્લામાં 35 હજાર હેકટરમાં આવેલી આંબાવાડીમાં ખેડૂતોને 80 થી 90 ટકા નુકસાન થયાનું અનુમાન છે.વાતાવરણમાં પલટાના કારણે કેરીના પાકમાં ફૂગ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાન માટે ખેડૂતો તથા પૂર્વ રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, અને ધરમપુર ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ દ્રારા કૃષિ મંત્રીને લેખિત આવેદનપત્ર પત્ર આપી રજુઆત કરવામાં આવી છે. તો સાથે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના ખેડૂતો હવે સરકાર ક્યારે સર્વે કરાવી સહાય ચૂકવે એની રાહ જોઈ રહયા છે.

અન્ય સમાચારો પણ છે...