તાજેતરમાં દિલ્હી અને ગુજરાતની શાળાઓની સ્થિતિ અંગે છેલ્લા થોડા દિવસોથી રાજકારણ ચાલી રહ્યું છે, ત્યારે રાજય કક્ષાના પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરીના વલસાડ જિલ્લામાં કુલ 963 પ્રાથમિક શાળાઓ પૈકી ધરમપુર અને કપરાડા સહિતની 91 પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણીના ફાંફા છે. પ્રા. શિક્ષણ વિભાગના અધિકારીઓના મતે ફેબ્રુઆરી પછી તરત જ ડુંગરાળ અને પહાડી વિસ્તારની શાળાઓમાં પાણી વિકટ બને છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં ઉનાળામાં પીવાના પાણીનો ચારે તરફ કકળાટ ચાલી રહ્યો છે.
લોકોએ પીવાના પાણી માટે રીતસર લાઇનમાં ઊભા રહેવું પડે છે. ત્યારે વલસાડ જિલ્લાની શાળાઓમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ મામલે પુછતાં પ્રા. શિક્ષણ વિભાગના અધિકારીઓના મતે 963 પૈકી 91 પ્રા.શાળામાં પાણીનો પાણી પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેમાં સૌથી વધુ ધરમપુર અને કપરાડાની પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. પહાડી વિસ્તારની શાળામાં પીવાના પાણી પ્રશ્ન રહે છે. ઉનાળામાં પીવાના પાણી માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકને ભારે હાલાકી ભોગવવી પડે છે. વલસાડ જિલ્લામાંથી કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી ખુદ પાણી પુરવઠા મંત્રી છે.
આમ છતાં જિલ્લામાં અનેક સ્થળોએ પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. જિલ્લાની 91 શાળાઓમાં પાણીનો પ્રશ્ન ઉદભવી રહી છે. મંત્રી આ પ્રશ્ન ઉકેલે તે જરૂરી છે. કપરાડાના ગોટવલ, સુલિયા, વિરક્ષેત્ર, પેંધરદેવી, માલુંગી, ચેપા સહિત અંતરીયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણી માટે ભારે કકળાટ ચાલી રહ્યો છે. ઉનાળાની શરૂઆત થતાં જ કપરાડા તાલુકામાં પાણીનો પ્રશ્ન વિકટ બને છે. વિદ્યાર્થીઓને પણ પીવાના પાણી માટે મુશ્કેલી વેઠવી પડે છે.
સીધી વાતઃ ચંદુભાઇ પટેલ, ડીપીઇ, વલસાડ
સવાલ: કઇ શાળામાં પીવાના પાણીનો પ્રશ્ન છે ?
જવાબ: કપરાડા-ધરમપુરની 91 પ્રા.શાળામાં પાણીનો પ્રશ્ન ઉદભવે છે. જે પહાડી વિસ્તાર પર આવેલી છે.
સવાલ: ક્યારથી પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ?
જવાબ: ફેબ્રુઆરીથી લઇને મેના અંત સુધી આ પ્રશ્ન રહેતો હોય છે.
સવાલ: હવે ઉકેલ કેવી રીતે આવશે ?
જવાબ: વાસમા હેઠળ કામગીરી ચાલી રહી છે. સિઝનલ છે. ઉનાળામાં વધારે અસર થાય છે.
કેસ-1 : બોર ફેઇલ હવે ટેન્કરથી પાણી મંગાવે છે
વાપીથી 12 કિ.મી.ના અંતરે અંભેટીમાં દિલ્લીથી સંચાલિત સરકારી ધો.1થી 10ની સ્કૂલમાં 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલ પટાંગણમાં 7 બોર કરવા છતાં પાણી આવતું નથી. સ્કૂલને અડીને નદી આવેલી છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમે પીવાના પાણી અને ન્હાવા માટે તકલીફ પડી રહી છે. સરપંચ યોગેશ પટેલે જણાવ્યું હતું કે પાણી મુદે પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે. થોડા દિવસોમાં પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી છે.
કેસ-2 : ચીવલમાં ટાંકી જર્જરિત,નાની ટાંકીમાં ગરમ પાણી
ચીવલ મુખ્ય શાળાની બાજુમાં પાણીની ટાંકી જર્જરિત બની છે. પરંતુ હજુ સુધી તોડી પાડવામાં આવી નથી. બાજુમાં બીજી નાની ટાંકી બનાવામાં આવી છે. પરંતુ ગરમ પાણી આવતાં વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે તકલીફ પડે છે.
કેસ-3 : સાદડપાડામાં બીજા ગામેથી પાણી શાળામાં આવે છે
નડગધરીની મહિલા સરપંચના પુત્ર અને અગ્રણી દિનેશભાઈ ભોયાએ જણાવ્યું હતું કે અમારા ગામની સાદડપાડા વર્ગશાળામાં 293વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હોળી પછી પાણીની સમસ્યા સર્જાઇ છે. ત્યારે અમે પણ ગામના લોકો ચાસમાંડવાથી પાણી લાવી શાળાની ટાંકીમાં નાખીએ છીએ. ઉનાળામાં સૌથી વધુ હાલત ખરાબ થઇ જાય છે.
કેસ- 4 : છીરી અને અણગામ પ્રા.શાળામાં પાણી માટે ફાંફા
છીરીમાં ધો.8ના 60 વિદ્યાર્થીઓ માટે અલગ કંપાઉન્ડમાં સ્કૂલ ચાલે છે. અહી પાણીની વ્યવસ્થા નથી. જયારે અણગામની શાળામાં પાણીની ટાંકી જર્જરિત બની છે.બંને સ્થળોએ પાણી માટે ફાંફા છે. આ ઉપરાંત ધરમપુરના વાઘવળની પ્રા.શાળામાં પીવાના પાણીની સુવિધા માટે કોમ્યુનિસ્ટ પાર્ટીના આનંદભાઇએ કલેકટર સહિત અનેક અધિકારીઓને રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.