નિર્ણય:વલસાડમાં વોટર વર્કસની મોટર ખોટકાતા પાણી સપ્લાય પર કાપ

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ટાઇમ પાણી આપવાનો પાલિકાએ નિર્ણય કર્યો

વલસાડમાં નગરપાલિકા સંચાલિત અબ્રામા સ્થિત વોટર વર્કસની ઇલેક્ટ્રિક મોટર ખોટકાઇ જતાં પાલિકામાં દોડધામ મચી હતી.આ મોટર બળી જતાં પાણીના સપ્લાય પર અસર પડી છે.હાલમાં બે પૈકી એક મોટર ખોટકાતા મરામત થાય ત્યાંસુધી શહેરમાં 1 ટાઇમ પાણી સપ્લાય આપવાનો નિર્ણય કરાયો છે.જોકે હેવી મોટરની મરામત માટે એક બે દિવસ નિકળી જવાની સંભાવનાથી શહેરીજનોને પાણીની કરકસર કરવાની નોબત આવી છે. વલસાડમાં દરરોજ 2 કરોડ લિટર પાણીનો સપ્લાય આપવા માટે વલસાડ નગરપાલિકાના અબ્રામા ખાતે આવેલા વોટર વર્કસ ઉપર 2 ઇલેક્ટ્રિક મોટર કાર્યરત રહે છે.

જે 24 કલાક ચાલૂ રાખી વલસાડમાં પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે.વલસાડ પાલિકા દ્વારા દરરોજ સવાર સાંજ 2 ટાઈમ પાણી સપ્લાય આપવામાં આવે છે.દરમિયાન અબ્રામા વોટર વર્કસની 2 પૈકી એક મોટર બળી જતાં શહેરોનો પાણી પુરવઠો ખોરવાયો ગયો હતો. મોટર રીપેર ન થાય ત્યાં સુધી શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.મોટર ખોટકાતાં એક લાઇનમાં પાણી શહેર સુધી આવતાં સમય વધુ વલસાડ કલ્યાણબાગની ઓવરહેડ ટાંકીમાં હાલમાં એક જ રાઇઝિંગ લાઇન કાર્યરત હોવાથી પાણીનો પુરવઠો આવતાં 1 કલાક જેટલો સમય લાગે છે.

પાઇપલાઇનમાં પુરતો પાણીનો જથ્થો ફલો કરાયા બાદ ટાંકી અને સમ્પ સુધી પાણી આવ્યા બાદ ઓવરહેડ ટાંકીમાં પાણી ચઢાવી શહેરના વિવિધ વોર્ડ અને વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વલસાડ પાલિકાના વોટરવર્કસની મોટર છાશવારે બંધ અથવા બગડી જતા હોવા છતાં પાલિકાના સત્તાધિશો દ્વારા તેના તાત્કાલિક ઉકેલ માટે કોઇ આયોજન ન કરાતા લોકોએ હાલાકી ભોગવવી પડે છે.

વધુ મોટર સ્ટેન્ડબાયમાં ન રહેતાં પાલિકાની બેદરકારી
વલસાડ શહેરને પાણીનો પુરવઠો વોટર વર્કસના ડેમમાંથી લિફ્ટ કરી પહોંચાડવા માટે પાલિકા પાસે હાલમાં 2 મોટર કાર્યરત છે જેમાંની એક બગડી જતાં બાકીની 1 મોટરથી હાલે ગાડુ ગબડી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ સ્થિતિમાં શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આ પરિસ્થિતિથી બચવા માટે પાલિકા પાસે વધુ એક બે મોટર સ્ટેન્ડબાયમાં રાખવી જરૂરી છતાં પાલિકાના વારિગૃહ વિભાગ દ્વારા કોઇ નક્કર પ્રયાસો કરવામાં ન આવતા પાલિકાની બેદરકારી સામે આવી હોવાની ફરિયાદ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...