ઔરંગા નદી બે કાંઠે:વલસાડના કશ્મીરનગરમાં કમર સુધી પાણી ઘૂસ્યા, કૈલાશ રોડ ઉપરનો પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ

વલસાડ3 મહિનો પહેલા
  • ઉપરવાસમાંથી પાણી આવતા જિલ્લાનું ભાગડાગામ સંપર્ક વિહોણું
  • દરિયામાં ભરતીના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઇને જિલ્લાની નાની-મોટી તમામ નદીઓ બે કાંઠે થઇ છે. આ સાથે દરિયામાં ભરતીના સમયે ઉપરવાસમાંથી ઔરંગા નદીમાં રેલના પાણી આવતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના કશ્મીરનગરમાં કમરસમા પાણી ભરાતા તંત્ર દ્વારા વિસ્તારને ખાલી કરવામાં આવી રહ્યો છે. તો આ બાજુ બંદર રોડ અને લીલાપોર સહિત 5થી 7 ગામોને જોડતો કૈલાશ રોડ ઉપરનો પુલ પાણીમાં ડૂબ્યો છે, જેને લઇને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે ભાગડાગામ સંપર્ક વિહોણું થયું છે.

કશ્મીરનગરમાં પાણી ઘૂસ્યા
ઉપરવાસમાં સતત વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઔરંગા નદી પર આવેલો વલસાડ અને ખેરગામ તાલુકાને જોડતો કૈલાશ રોડ ઉપરનો નદીનો પુલ પાણીમાં ડૂબ્યો છે. જેને પગલે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તો સાથે બંદર રોડ પર પણ પાણી ફરી વડવાના કારણે રસ્તો બંધ કરાયો હતો. ઔરંગા નદીના પાણી શહેરના કશ્મીરનગર વિસ્તારમાં ઘૂસ્યા હતા. સતત નદીની સપાટી વધવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવમાં આવ્યું છે. તો નદીના નજીક આવેલા વિસ્તારો વહીવટી તંત્ર દ્રારા ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

ભાગડાગામ સંપર્ક વિહોણું
ઔરંગા નદીના પાણી કશ્મીરનગર વિસ્તારમાં વહેલી સવારે ઘૂસ્યા હતા, કાશ્મીરનગરમાં કમર સુધી પાણી ભરાતા વહીવટીતંત્ર દ્રારા વિસ્તાર ખાલી કરાવાની સૂચના આપવામાં આવી છે. તો બંદર રોડ અને લીલાપોર સહિત 5થી 7 ગામોને જોડતો પુલ પાણીમાં ડૂબ્યો છે, સાથે બંદર રોડ ઉપર પાણી ફરીવરવાના કારણે હનુમાન ભાગડાગામ સંપર્ક વિહોણું થયું છે. વલસાડ શહેરના બંદર રોડ, તરીયાવાડ અને કશ્મીર નગર વિસ્તારમાં પાણી ભરવાના કારણે વહીવટી તંત્ર દ્રારા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. સતત વરસાદના કારણે નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારમાં NDRF અને ફાયર ની ટિમ તૈનાત કરવામાં આવી છે.

ઔરંગામાંથી રેતી કાઢતા મજૂરો-કાશ્મીર નગરમાં 3નું રેસ્ક્યું
લીલાપોર ખાતે નદીમાં રેતી કાઢતા મજૂરો ફસાતા NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બે લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. એક વ્યક્તિનું આરોગ્ય કથળતા તેમને પણ સલામત બહાર લાવી વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ધારાસભ્ય ભરત પટેલ પણ ધસી આવ્યા હતા. કાશ્મીર નગરમાં ફસાયેલા ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.

ક્યાં ક્યાં સ્થળાંતર કરાયું
વલસાડ નગરપાલિકા દ્વારા 6 અલગ અલગ ટીમ દ્વારા કાશમીર નગર વિસ્તારના 225 લોકોનું વલસાડ પારડી ગુજરાતી સ્કુલ ખાતે અને તરિયાવાડ વિસ્તારના 60 લોકોનું સ્થળાંતર બેજન બાગ ખાતે અને મોગરાવાડી છતરિયા વિસ્તારના 50 લોકોનું વલસાડ મોગરાવાડી ગુજરાતી સ્કુલમાં સ્થાળાંતર કરવામાં આવ્યું હતું.ઔરંગાના પુરના પગલે પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ,એસડીએમ નિલેષ કુકડિયા,ડીવાયએસપી મનોજસિંહ ચાવડા, મામલતદાર (સીટી) સહિત અધિકારી કર્મચારીઓ કામે જોતરાયા હતાં.

સ્થળાંતર કરી ફુડ પેકેટો વિતરણ કરાયા
વલસાડ પારડી પ્રાથમિક શાળા ખાતે સ્થાળાંતરિત કરેલા લોકોને આરોગ્ય સેવા તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને ડીડીઓ મનીષ ગુરવાનીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાળાંતરિત કરાયેલ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સુચનો કર્યા હતા. જિલ્લામાં સૌથી વધુ વલસાડ શહેર પૂરને લઇ પ્રભાવીત થયું હતું. જોકે, દર વર્ષે ચોમાસામાં પૂર આવે જ છે.

પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી રખાશે
ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પૂર સાથે દરિયામાં ભરતીને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના પગલે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સવારે 6 વાગ્યાથી તંત્રએ સ્થળ પર રહી પાલિકાની 6 ટીમ અને NDRFની 1 ટીમ સતત સ્થળાંતર અને રેસ્ક્યુ શરૂ કર્યું હતું. જ્યાં સુધી પરિસ્થિતી પાણી ન ઉતરે ત્યાં સુધી એમને સલામત સ્થળે રખાશે. અને ઘરવખરીને થયેલા નુકશાનનો સર્વે કરવા માટે ટીમ પણ મોકલાશે. - ક્ષિપ્રા અગ્રે, કલેકટર

યુવાનને કુતરૂ કરડતાં ખભે બેસાડી સારવાર માટે લઇ આવ્યા
વલસાડમાં ઔરંગાનદીના પૂુરના કારણે ભારે ખાનાખરાબીના દશ્યો સર્જાયા હતા.નદી કાંઠાના હનુમાનભાગડાના એક યુવાનને કુતરૂ કરડતાં સ્થાનિક યુવાનોએ 2 કિમી સુધી ખભે બેસાડી પાણીથી તરબોળ માર્ગ પરથી લાવતા એનડીઆરએફની ટીમે આ યુવાનને ઉંચકીને વલસાડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...