વિદ્યાર્થીઓમાં રોષ:વલસાડના આદિજાતિ છાત્રાલયમાં પ્રવેશ બંધ કરાતા વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ABVPના નેજાં હેઠળ મોરચો માંડી એડિ.કલેકટરને આવેદન

વલસાડ તિથલ રોડ ઉપર આવેલા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા નિર્મિત છાત્રાલયમાં છેલ્લા 2 વર્ષથી પ્રવેશ બંધ કરી દેવામાં આવતા ગામડાના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. તંત્રની આ નીતિના કારણે દૂરના ગામોમાંથી આવતા આદિવાસી વિદ્યાર્થીઓને ખર્ચ મોંઘો પડતાં અભ્યાસ અધુરો છોડી દેવાની નોબત આવતાં વલસાડ ABVPએ આ મામલો ઉઠાવી રાજ્યના આદિજાતિ મંત્રી અને એડિશનલ કલેકટરને આવેદન આપી છાત્રાલયમાં તાત્કિલક પ્રવેશ શરૂ કરાવવા માગ કરી છે.

વલસાડ જિલ્લા સહિત વાંસદા સહિતના ગામડાઓમાંથી વલસાડની કોલેજોમાં અભ્યાસ કરતા આદિજાતિ વિદ્યાર્થીઓને રહેવા જમવાની વ્યવસ્થા સાથે સરકાર દ્વારા તિથલ રોડ વલસાડ ખાતે આદિજાતિ વિભાગ સંચાલિત જયપ્રકાશ નારાયણ છાત્રાલયનું નિર્માણ કરાયું હતું. પરંતું છેલ્લા બે વર્ષથી છાત્રાલયમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો ન હોવાના પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જિલ્લાના અંતરિયાળ તાલુકાઓમાંથી શહેરની કોલેજોમાં ભણવા આવતા ગરીબ વર્ગના આદિવાસી વિદ્યાર્થીઓને ભાડા ખર્ચીને વલસાડ સુધી રોજ અપડાઉન કરવું મોંઘું પડી રહ્યું છે.

જેના કારણે છેલ્લા બે વર્ષમાં અનેક આદિજાતિ વિદ્યાર્થીઓને અભ્યાસ અધુરો છોડી દેવો પડ્યો છે. આ ગંભીર મામલે વલસાડની આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજના આદિજાતિ વિદ્યાર્થીઓએ કોલેજોના વિદ્યાર્થીઓના વિશાળ હિત માટે હમેશા તત્પર રહેતી સંસ્થા ABVP વલસાડના નેજા હેઠળ વિરોધ નોંધાવ્યો છે.

આ મામલે ABVPના કેવિન પટેલ અને નગરમંત્રી કિશન ભાનુશાલી આગેવાની હેઠળ આવેદન તૈયાર કરી વલસાડ કલેકટર કચેરીએ પહોંચી એડિ.કલેકટર અને. એ.રાજપૂત ને આવેદન આપવામાં આવ્યું છે. ઉપરાંત આદિજાતિ મંત્રી નરેશભાઇ પટેલને આવેદન મોકલી આ ગંભીર પ્રશ્નના નિરાકરણની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...