ઉમરગામ શહેરના ભરચક વિસ્તારમાં રાહુલ જ્વેલર્સ નામની દુકાનમાં બે અજાણ્યા યુવકો ગ્રાહકના સ્વાંગમાં આવી દુકાનમાંથી 3 સોનાની વિંટીની લૂંટ ચલાવી સેલ્સમેન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ ગુનામાં આરોપીની ધરપકડ બાદ ઉમરગામ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે બાદ આ ગુનામાં સંડોવાયેલો આરોપી અતુલ ઉર્ફે આર્યન કુંદનસિંહ સામંતે 18મી મેના રોજ જેલમાંથી મુક્ત થવા પ્રથમ વખતના રેગ્યુલર જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી વાપીની સેશન્સ કોર્ટના જજ કે જે મોદીએ આરોપી અતુલના જામીન ના મંજૂર કરતો હુકમ કર્યો હતો. આ ગુનામાં સામેલ અન્ય આરોપી રાહુલની પણ જામીન અરજી અગાઉ કોર્ટે ફગાવી હતી.
14 ફેબ્રુઆરી 2022 ના રોજ ઉમરગામ શહેરના ભરચક વિસ્તારમાં આવેલી રાહુલ જ્વેલર્સમાં 2 અજાણ્યા યુવકોએ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. ગ્રાહકોએ સેલ્સમેન પાસેથી સોનાની વિંટી જોવા માંગી હતી. સેલ્સમેન દ્વારા યુવકોને સોનાની વિંટી બતાવી રહ્યા હતા. જે દરમિયાન એક યુવકે પોતાના હાથની એક આંગળીમાં 3 સોનાની વિંટી પહેરી લીધી હતી. યુવકની નિયતમાં ખોટ પારખી ગયેલા સેલ્સમેને યુવક પાસેથી સોનાની વિંટી પરત માંગી હતી. જે દરમિયાન વિંટી લઈને ભાગી રહેલા યુવકોને સેલ્સમેને પકડી લેતા યુવકે સેલ્સમેન ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને દુકાનમાંથી 3 વિંટીની લૂંટ ચલાવી બંને આરોપીઓ મોપેડ લઇ ભાગી છૂટયા હતા.
આ કેસમાં સંડોવાયેલા આરોપી અતુલ ઉર્ફે આર્યન કુંદનસિંહ સામંત અને તેનો મિત્ર રાહુલને વલસાડ LCBની ટીમે ઝડપી પાડયા હતા. ઉમરગામ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કર્યા બાદ 18મી મેના રોજ આરોપી અતુલ સામંતે જેલમાંથી મુક્ત થવા વાપીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી વાપીની સેશન્સ કોર્ટના જજ કે જે મોદી એ આરોપીના જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.