વલસાડના માજી ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ બરજોર કાવસજી પારડીવાલાના પુત્ર જમશેદ પારડીવાલાની ગુજરાત હાઇકોર્ટના જજમાંથી ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જેને લઈ વલસાડ જિલ્લાના વકીલોમાં ખુશીની લહેર વ્યાપી હતી. જેના ભાગરૂપે સોમવારના રોજ વલસાડ ડીસ્ટ્રીક કોર્ટ મુકામે મોટી સંખ્યામાં વકીલોએ ભેગા થઇ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પી. ડી. પટેલે જણાવ્યું હતું કે, જસ્ટિસ જમશેદ બરજોરજી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણુંક થતાં વલસાડ જિલ્લા તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેઓ શરૂઆતમાં અમારી સાથે વલસાડ મુકામે પ્રેક્ટિસ કરતા હતા એ વાતનો અમને ગૌરવ છે. ભરતભાઈ ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, જસ્ટિસ જમશેદજી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણુંક થતા ગુજરાતનું અને ખાસ કરીને વલસાડનું ગૌરવ વધાર્યું છે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ તથા જનરલ માણેકશા પણ વલસાડના હતા.
પારડીવાલા પરિવારની ચાર પેઢી એ ખુબજ ધુરંધર વકીલો આપ્યા છે જે પૈકીનું ચોથી પેઢીનું સંતાન એટલે જસ્ટિસ જમશેદજી પારડીવાલા. સ્વભાવે ખુબ જ ધીરગંભીર અને નિખાલસ એવા જમશેદજી પારડીવાલા ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બને એવી શુભેચ્છા સાથે વકીલોએ ખુશી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.