કોરોનાની વચ્ચે ડે સેલિબ્રેશન:વલસાડની દોલત ઉષા કોલેજમાં કોરોના સંક્રમણ વચ્ચે ડે ઉજવણીની શરૂઆત, આરોગ્ય વિભાગની ટીમે સતર્કતા દાખવી

વલસાડ19 દિવસ પહેલા
  • કોલેજમાં એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત, કડકાઈની જગ્યાએ ડે મનાવવાની છૂટ અપાતાં ચિંતાનો વિષય
  • વિદ્યાર્થીઓએ ફોટા અને વીડિયો શેર કરતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું
  • જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમે ચેકીંગ કરી સંચાલકો સાથે ચર્ચા હાથ ધરી

વલસાડની દોલત ઉષા કોલેજમાં એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત આવ્યો હોવા છતા કોલેજ દ્વારા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સંક્રમિત જાહેર થયા બાદ પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના ડેની ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ લગાવવાની જગ્યાએ કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓ પર ડે મનાવવા રોક લગાવી નહોતી. દોલત ઉષા કોલેજના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં ફોટા અને વીડિયો વાયરલ કરતા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું.

વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 59 કોરોના સંક્રમિત કેસો સામે આવ્યા છે. જિલ્લામાં સંક્રમણ ઉપર અંકુશ લાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે જિલ્લામાં RTPCR ટેસ્ટ વધાર્યા છે. જિલ્લામાં 1000થી વધારે RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એક તરફ આરોગ્ય વિભાગની ટીમ કોરોના સંક્રમણ અંકુશમાં લાવવા પ્રયાસો કરી રહી છે. ત્યારે દોલત ઉષા કોલેજમાં એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત જાહેર થયો હતો. તેમ છતાં નૂતન કેળવણી મંડળના સંચાલકો અને કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓ પાસે કોવિડ ગાઈડ લાઈનના પાલન માટે કડકાઈ કરવાની જગ્યાએ કોલેજમાં ડે મનાવવાની છૂટ આપતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે દોલત ઉષા કોલેજના વિદ્યાર્થીઓએ ડે સેલિબ્રેશનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમે ચેકીંગ કરી કોલેજના આચાર્ય અને મંડળના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓના અગ્રણીઓ સાથે ચર્ચા હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...