ST મુસાફરો માટે શુભ સમાચાર:વલસાડ ST વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં વધારાની બસો દોડાવાશે, રોજની 50થી વધુ વધારાની ટ્રીપ દોડાવવાનું પ્લાનિંગ

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાત્રીઓની ભીડના આધારે વધારાની ટ્રીપ દોડાવવાનું પ્લાનિંગ
  • વધારાની ટ્રીપ ઉપર 1.25 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો
  • એકાવન મુસાફરોના સમુહ માટે ખાસ બસ સેવા આપવામાં આવશે

વલસાડ ST વિભાગે જિલ્લામાં રહેતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને સરળતાથી બસ સેવા મળી રહે તેમ વિચારીને વધારાની ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ ST વિભાગે રેગ્યુલર એક્સપ્રેસ ટ્રીપની સાથે વધારાની એક્સપ્રેસ ટ્રીપ દોડાવી સમયસર યાત્રીઓને તેમના વતન પહોંચાડવા માટેના પ્રયત્નો આદર્યા છે. વલસાડ વિભાગીય નિયામક DV ચૌધરીએ તમામ ડેપો મેનેજરને યાત્રીઓની ભીડ જોઈ વધારાની ટ્રીપ દોડાવવા પ્લાનિંગ કર્યુ હોવાનું જણાવ્યું હતું. દિવાળીના તહેવારોમાં લોકો સમયસર પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરે તે હેતુથી આ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ, વલસાડ વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં વતન જવા માટે ઉત્તર ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં વધારાના મુસાફરોને સગવડતા રહે તે માટે મુસાફરોના પ્રમાણને ધ્‍યાનમાં લઈ જરૂરીયાત અનુસાર વલસાડ વિભાગના તમામ ડેપો દ્વારા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઈ તા. 02થી 09 નવેમ્‍બર, 2021 સુધી આહવા, બીલીમોરા, ધરમપુર, નવસારી, વલસાડ તેમજ વાપી ડેપોથી અમદાવાદ, વડોદરા, નડીયાદ, દાહોદ, ઝાલોદ તરફ વધારાની બસ સર્વિસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

એકસ્‍ટ્રા બસોનું બુકિંગ વિભાગના તમામ ડેપો, કંટ્રોલ પોઈન્‍ટ ઉપરાંત એસ.ટી.ના બુકિંગ એજન્‍ટો, જી.એસ.આર.ટી.સી.ની ઓફિશિયલ ટીકિટ બુકિંગ એપ, મોબાઈલ એપ તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી કરી શકાશે. આ વધારાની ટ્રીપ ઉપર 1.25 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જો એકાવન મુસાફરોનો સમુહ હોય તો તમે માંગો ત્‍યાંથી ગંતવ્‍ય સ્‍થાન સુધીની ખાસ બસ સેવા આપવામાં આવશે. તમામ બસો જીપીએસ આધારિત હોઈ નિયમન થતા સલામત મુસાફરીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેવાનો સર્વે મુસાફર જનતાને લાભ લેવા વિભાગીય નિયામક, એસ.ટી.વલસાડ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...