રસ્તા પર દબાણ:વલસાડ શહીદચોક-આંધિયાવાડ રોડ 20માંથી 10 ફૂટ થઇ ગયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ સાંકડો થતાં વાહનોને પસાર થવામાં ભારે હાલાકી બાંધકામના દબાણ મુદ્દે નગરપાલિકા તંત્ર અંધારામાં
  • અરજદાર વાહન માલિકોનો પાલિકા કચેરી પર મોરચો મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી માર્ગ પહોળો કરવાની માગ

વલસાડ શહેરના શહીદચોક-આંધિયાવાડ રોડ પર આડેધડ દબાણો થઇ જતાં આ પંથકના વાહનમાલિકોમાં રોષ ફેલાયો છે.ઇંટ,માટી રેતી સહિતના ઇંટ ઉત્પાદકોના વાહનો માટે વર્ષોથી વપરાતા આ રોડ પર આજૂબાજૂ બેરોકટોક દબાણો થઇ જતાં રસ્તો સાંકડો પડવાનો વિવાદ ઘેરાયો છે. આ પ્રશ્ને નગરપાલિકા તંત્ર બેખબર રહેતાં અરજદારોએ આ મુદ્દે પાલિકા પ્રમુખ સમક્ષ ઉઠાવ્યો છે.2014થી તંત્રએ કોઇ દરકાર ન લેતાં મામલો મુખ્યમંત્રી સમક્ષ પણ પહોંચ્યો છે.

વલસાડની ઉત્તર પશ્ચિમ પટ્ટી ઉપર શહીદ ચોકથી આવાસો થઇને આંધિયાવાડ જતા રસ્તા ઉપર મોટાવાહનોને પસાર થવા માટે મોટી મુશ્કેલી ઉભી થઇ રહી છે.આ રોડ વર્ષોથી મોટા ટ્રક,ટ્રેકટર જેવા વાહનો પસાર થવા માટે ઉપયોગમાં આવતો હતો.પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ રસ્તા પર આડેધડ ગેરકાયદે બાંધકામો થઇ ગયાં છે.વલસાડના જુના કોસંબા,આધિયાવાડ પાછળ,ભાગડાવડા ગામે ઇંટની ભઠ્ઠીઓ તરફ જવા આવવા માટે આ રસ્તો વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે.

આ રસ્તા સિવાય બીજો કોઇ વિકલ્પ આ વિસ્તારમાં નથી.વર્ષોથી થઇ રહેલા અનધિકૃત દબાણો દૂર કરવાની માગણી વાહનમાલિકો દ્વારા કરવામાં આવી રહી છે.આ મુદ્દે કલેકટરને અગાઉ રજૂઆતો અને ફરિયાદો પણ કરાઇ હતી.લેખિતમાં તંત્રના ધ્યાને આ મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો,પરંતું તંત્ર અને નગરપાલિકા દ્વારા કોઇ ઉકેલ કે કાર્યવાહી કરાઇ નથી.

આ રસ્તા ઉપર ગેરકાયદે દબાણ,વાહનોના પાર્કિંગ,કચરાના ઢગલાં જેવા પરિબળોથી ઇંટનું ઉત્પાદન કરતાં 80 જેટલા સંચાલકોના ઇંટ,રેતી,કોલસી જેવા મટિરિયલ ભરેલા મોટા વાહનોનું પસાર થવું દૂષ્કર બન્યું છે.આ મામલે પાલિકા પ્રમુખ કિન્નરી પટેલને લેખિત રૂબરૂ રજૂઆતો કરાઇ છે.ઉપરાંત મુખ્યમંત્રી,કલેકટરને પણ જાણ કરી રસ્તાનો વિવાદ ઉકેલવા માગણી થઇ છે.

રસ્તા પર મુકાતો સામાન પણ અડચણ
વલસાડ શહીદચોકથી આગળના વિસ્તારથી આંધિયાવાડ ટેકરા ઉતરતા સુધીનો રોડ અગાઉ 20 ફુટની પહોળાઇનો હતો.જેમાં અનધિકૃત દબાણ,પરચુરણ સામાન મૂકી દઇને રસ્તા ઉપર પસાર થતાં મોટાવાહનો માટે નડતરરૂપ પરિસ્થિતિનું સર્જન થઇ ગયું છે.

2014માં મામલો ફરિયાદ નિવારણમાં પહોંચ્યો છતાં ઉકેલ નહિ
જૂના કોસંબા રોડ,ભાગડાવડા અને આંધિયાવાડના ઇંટ ઉત્પાદકોએ સામૂહિક રીતે 26 અ્ને 27 નવેમ્બર 2014ના રોજ બે વાર તત્કાલિન કલેકટરને આ રસ્તા પર ગેરકાયદે બાંધકામો તાત્કાલિક દૂર કરાવવા લેખિત માગ કરી હતી.આ સાથે આ મુદ્દો ફરિયાદ નિવારણમાં પણ લઇ જવાયો હતો.પરિણામે તંત્ર દ્વારા તેનો નિવેડો લાવવા જાણ કરાઇ છતાં આજ દિન સુધી કોઇ નક્કર કાર્યવાહી તંત્ર કરી શક્યું નથી તેવી રાવ કરાઇ છે.

ખડકીભાગડા દેસાઇ ફળિયાનો રસ્તો પણ માત્ર 5 ફુટ પહોળો થઇ ગયો
પાલિકા પ્રમુખ,કલેકટર અને મુખ્યમંત્રી સુધી કરાયેલી ફરિયાદમાં બીજા રસ્તાનો પણ આ પ્રકારનો મુદ્દો ઉઠાવાયો છે.જેમાં શહીદચોકથી આવાસો થઇને આંધિયાવાડનો રસ્તો આગળ પુરો થઇ જાય છે ત્યાંથી દક્ષિણે વર્ષોથી ખડકીભાગડા દેસાઇવાડ તરફ જતો 60 ફુટની પહોળાઇનો રસ્તો નગરપાલિકાનો છે,જે રસ્તો પણ હાલે 20 ફુટનો થઇ ગયો હતો.પરંતું આ રસ્તાની બાજૂમાં ગેરકાયદે બાંધકામોનું દબાણ થઇ જતાં હવે માત્ર રસ્તો 5 ફુટની પહોળાઇનો જ થઇ જતાં આ પંથકના ઇંટ ઉત્પાદકોના વાહનો લાવવા લઇ જવામાં ભારે અડચણ પડી રહી છે.આ દબાણો દૂર કરવા 2014માં તત્કાલિન કલેકટરને બે વાર ફરિયાદો કરાઇ હતી પણ ઉકેલ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...