મેઘાના મંડાણ:વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, કપરાડા 32 MM ખાબક્યો

વલસાડ12 દિવસ પહેલા
  • જિલ્લાના 6 તાલુકાઓ પૈકી 4 તાલુકામાં વરસાદ ખાબક્યો

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એવા કપરાડા, ધરમપુર, ઉમરગામ, વાપી, પારડી અને વલસાડમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

જિલ્લામાં મોન્સૂનની ધમાકેદાર એન્ટ્રી
વલસાડ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં ઉમરગામમાં 18 MM, કપરાડામાં 32 MM, ધરમપુરમાં 25 MM અને વલસાડ તાલુકામાં 18MM વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મોન્સૂનની ધમાકેદાર એન્ટ્રીના પ્રથમ દિવસે જિલ્લાના 6 તાલુકાઓ પૈકી 4 તાલુકામાં કુલ 92MM વરસાદ ખાબક્યો હતો. તેમ વલસાડ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના અધિકારીએ જણાવ્યું છે.

લોકોને ગરમીથી રાહત મળી
વલસાડ એક અઠવાડિયા પહેલા વિધિવત એન્ટ્રી કરતા વલસાડ જિલ્લામાં લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. જ્યારે કેરી અને શાકભાજીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો હતો. શનિવારે વહેલી સવારે 4થી 6 વાગ્યા દરમિયાન 18MM વરસાદ નોંધાયો હતો.

સૌથી વધું કપરાડા 32 MM
ધરમપુર તાલુકામાં શનિવારે સાંજે 4થી 6 દરમિયાન 25 MM વરસાદ ખાબક્યો હતો, કપરાડા તાલુકામાં સાંજે 6થી સવારના 8 વાગ્યા સુધીમાં 32 MM વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરગામ તાલુકામાં 18 MM વરસાદ નોંધાયો હતો તેમ વલસાડ ડિઝાસ્ટર વિભાગના ચોપડે વરસાદ નોંધાયો છે. જ્યારે કેરીના અને ઉનાળુ પાક ઉપર નભતા ખેડૂતોમાં એક અઠવાડિયા પહેલા આવેલા વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. વલસાડ, ધરમપુર, કપરાડા અને ઉમરગામ ખાતે રહેતા સ્થાનિક લોકોએ કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મેળવી હતી

રેલવે અન્ડરપાસમાં ફરી પાણી ભરાયા
છેલ્લા બે દિવસથી વરસાદના કારણે વલસાડ અને મોગરાવાડીને જોડતા રેલવે અન્ડરપાસમાં પાણીનો ભરાવો થયો હતો.મોગરાવાડી અન્ડરપાસ નીચાણવાળી જગ્યામાં હોવાથી દર વર્ષે થોડા વરસાદમાં પણ તેમાં ભરાવો થાય છે.બે દિવસથી થોડા વરસાદ છતાં અહિ આ સમસ્યા જોવા મળી હતી.અવરજવર કરતા વાહનચાલકો,રાહદારીઓને પાણીમાંથી પસાર થવાની ઝંઝટનો સામનો કરવાની નોબત આવી હતી.જો કે 2 કલાક બાદ પાણી વહી જતાં સ્થિતિ સામાન્ય બની હતી.

કેરીની સિઝન મોડી, વરસાદ વહેલો પડ્યો
વલસાડ જિલ્લામાં આ વર્ષે ફલાવરિંગ સમયે માવઠું,ગાઢ ધુમ્મસ છાશવારે પડતાં કેરીના પાકને નુકસાન થયું હતું.તેના કારણે કેરીનો પાક માંડ 20 ટકા રહી ગયો હતો.તે પણ છેલ્લા ફાલનો જ પાક બચતા કેરીની સિઝન મોડી પડી ગઇ હતી.જેને લઇ જૂન સુધી સિઝન લંબાવાની શક્યતા હતી,પરંતું વરસાદ પડતાં કાદવ સાથે જમીન નરમ થતાં આંબાવાડીઓમાં ચાલી રહેલી બેડાણની પ્રક્રિયામાં અવરોધ આવ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...