આવક વધારવાનો નુસ્ખો:વલસાડ પાલિકા કિંમતી 22 મિલકત વેચવાની તૈયારીમાં, મિલકતોની હરાજી કરવા CO, પ્રમુખને 2 સભ્યની દરખાસ્ત

વલસાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
2 મિલકતોને કોન્ટ્રાક્ટ પર આપવા સૂચન - Divya Bhaskar
2 મિલકતોને કોન્ટ્રાક્ટ પર આપવા સૂચન
  • પાલિકાની આવક સામે ખર્ચ બમણો થતાં સંચાલનનો પ્રશ્ન

વલસાડ પાલિકાની સ્વભંડોળની 12 કરોડની આવક સામે બમણાં ખર્ચાના કારણે વહીવટ અને સંચાલન કરવાની ઉભી થયેલી સમસ્યાના ઉકેલ માટે નવો નુસખો સામે આવ્યો છે.હવે પાલિકાની મિલકતો વેચવાનો મુદ્દો ઉઠ્યો છે.પાલિકાની માલિકીના 22 શોપિંગ સેન્ટરોની દૂકાનો વેચી મારવા સળવળાટ થોડા સમયથી થઇ રહ્યો હતો,જેમાં હવે 2 સભ્યએ સીઓ અને પ્રમુખ સમક્ષ દરખાસ્ત કરી શોપિંગ સેન્ટરોની દૂકાનોની હરાજી કરી વેચાણે મૂકવા દરખાસ્ત કરી છે.

પાલિકાના મહેકમનું ભારણ,નવા કામો બાદ તેના નિભાવ,પગાર ખર્ચ,પેન્શન ચૂકવણી,લાઇટ બિલો તથા અ્ન્ય પરચુરણ ખર્ચાઓ વધતા જવા છતાં શોપિંગ સેન્ટરના ભાડાં જૂના ચાલી રહ્યા છે.પાલિકા દ્વારા 6 વર્ષ અગાઉ પાલિકાએ ભાડા વધારવા માટે પ્રયાસો કર્યા હતા,પરંતુ તેમાં વાંધાઓ ઉઠતા પાલિકાના જે તે સમયના નગરસેવકો પાણીમાં બેસી ગયા હતા.આજે પણ આ કિમતી અને પ્રાઇમ લોકેશનો પર આવેલી પાલિકાના 22 શોપિંગ સેન્ટરોની કિમતી મિલકતો અડીખમ છે પરંતું તેના ભાડા પાલિકાની અપેક્ષા મુજબ મળતાં નથી તેવો સૂર વર્ષોથી વહીવટકર્તાઓમાં ઉઠ્યો હતો.

જો કે હાલમાં પાલિકા તમામ વિભાગોની કામગીરી માટે આવતાં નિભાવ ખર્ચાઓની સામે આવકના સ્ત્રોત વધારવાની ચિંતા સાથે પાલિકા સભ્ય નિતેશ દેસાઇ અને ઝાકીર પઠાણે આ શોપિંગ સેન્ટરોની દૂકાનો હરાજી કરીને વેચાણ કરવા માટે દરખાસ્તરૂપ રજૂઆત મૂકી છે.જો કે આ નુસખો સ્થાવર મિલકતોની દષ્ટિએ પાલિકાની મજબૂત ક્ષમતા સામે કેટલો સુસંગત છે તે આગામી દિવસોમાં જોવું રહ્યું. શાકભાજી માર્કેટના વેપારી લત્તામાં આવેલા પાલિકાની માલિકીના આંબેડકર શોપિંગ સેન્ટરની પહેલા અને બીજા માળની FSI હરાજીથી વેચી નાખવા આવે તો લાખોની કમાણી થઇ શકે તેવું સૂચન કર્યું છે.આવક વધારવા આ સૂચન બજેટની સભામાં મૂકવા પણ કહ્યું છે.

નપાને 50 કરોડની આવક થવાનો સભ્યનો દાવો
પાલિકાના 2 સભ્યના મત મુજબ સરકારના એક પરિપત્ર મુજબ 15 વર્ષથી જૂની દૂકાનોની માલિકી ધોરણે હરાજી કરવા બાબતે જણાવાયું હતું.જેની હરાજી કરી વેચાણ આપવામાં આવે તો 50 કરોડની આવક થવાનો દાવો કર્યો છે. સભ્યોના આ દાવા સામે જાણકારોના મત મુજબ આટલી આવક પાલિકાને પાણી,લાઇટના આનાથીય મોટા દેવામાંથી તારી શકાશે કે કેમ તે મોટો સવાલ ઉભો કરે છે.જો તેમ ન થાય તો શું તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે.

2 મિલકતોને કોન્ટ્રાક્ટ પર આપવા સૂચન
શહેરીજનોના સ્વપ્નોને સાકાર કરનાર પાલિકાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને ગુજરાતનું પ્રથમ ગણાતા મોરારજી દેસાઇ ડિજિટલ ઓડિટોરિયમનું સંચાલન કોન્ટ્રાક્ટ બેઝ પર આપવા આ બંન્ને સભ્યોએ સીઓ અને પ્રમુખને સૂચન કર્યું છે.જેના દ્વારા લાઇટ બિલ,પગાર,સફાઇ જેવા મોટા બિલોમાંથી છુટકારો મળશે તેવો દાવો કરાયો છે.આના માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા વાર્ષિક કોન્ટ્રાક્ટ પર ભાડે આપવાની વાત મૂકવામાં આવી છે.જો કે પાલિકા શાસકો આ મુદ્દે શું નિર્ણય કરી શકશે તે જોવું રહ્યું.

ડીએન, ઇન્દિરાગાંધી શોપિંગની દૂકાન, બાગની કેબિનો ભાડે આપો
પાલિકાની આવકના સ્ત્રોત વધારવા માટે નિતેશવશી અને ઝાકીર પઠાણે એક બીજો મુદ્દો સત્તાધીશો સામે મૂક્યો છે.જેમાં ડીએન શોપિંગ સેન્ટર,ઇન્દિરાગાંધી શોપિંગ,કોમ્પલેક્ષોમાં 14 દૂકાન બંધ છે અને કલ્યાણબાગની નવી કેબિનોનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ,ધારાસભ્ય ભરતભાઇ પટેલ,હાલના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા લોકાર્પણ કરાયું હતુ તે 8 કેબિનનું લોકાર્પણ કરાયું હતું તે કેબિનો ભાડે આપવાની દરખાસ્ત કરાઇ છે.

149 નગરપાલિકામાં વલસાડ નપા માલિકીની મિલકતોમાં નં.1
સમગ્ર રાજ્યભરમાં નાની મોટી નગરપાલિકાઓ, બરોમાં માલિકીની મિલકતોની દષ્ટિએ વલસાડ નગરપાલિકા સૌથી વધુ 22 શોપિંગ સેન્ટરો ધરાવે છે. પાલિકાની પોતાની માલિકીના આ શોપિંગ સેન્ટરોમાં 900 દૂકાનો આવેલી છે. આ મિલકતો મુખ્ય લત્તાઓમાં આવેલી છે. પરંતું કમનસીબી એ છે કે પાલિકાએ આ મલિકતોના નિભાવણી કરવાનો ખર્ચ કરવાના બદલે ચલતીકા નામ ગાડી જેવી નિતી અપનાવતા દૂકાનદારો ભાડું વધારવાની તમામ કાર્યવાહી સામે આ વાંધાઓ રજૂ કરતા રહ્યા હતા. જેમાં પાલિકાને કેમ પીછેહટ કરવી પડી હતી તે મુદ્દો પણ ચર્ચાની એરણે છે.

અન્ય સમાચારો પણ છે...