તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ પાલિકા દેવાદાર:પાણીનું બિલ વ્યાજ-દંડ સાથે રૂ.91 કરોડ બાકી,માસિક બિલ જ રૂ.1.06 કરોડ આવે છે

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરણું 6 માસમાં ન થાય તો પુરવઠો સ્થગિત કરવાની સિંચાઇ વિભાગની ચીમકી

વલસાડ નગરપાલિકા દેવાળું ફુંકવા તરફ આગળ વધી રહી છે.વર્ષોથી દર માસે આગલી બાકી રકમ સાથે પાણીનું બિલ વ્યાજ અને પેનલ્ટી સાથે વધીને કરોડો પર પહોંચી જતાં શાસકોને પરસેવો છુટી રહ્યો છે.જૂનના બિલ સાથે નહેર વિભાગના અંબિકા ડિવિઝનના કાર્યપાલક ઇજનેરની કચેરીએ માસિક રૂ.1.06 કરોડ સહિત પાલિકાના માથે કરોડોનું દેવું ચઢી ગયું છે.નહેર વિભાગે પાછલી બાકી રૂ. 89.88 કરોડનુું ભરણું કરવા બિલ મોકલતા દોડધામ મચી છે.

વલસાડ નગરપાલિકાની 1.17 લાખની વસતી માટે પીવાના પાણીનું વિતરણ કરવા માટે અબ્રામા હેડ વોટર વર્કસના ડેમમાં નહેર વિભાગનું પાણી ઠાલવવામાં આવે છે.નહેર વિભાગના માસિક બિલનું પ્રોસેસ દર માસે કરી દેવામાં આવે છે.છેલ્લા 45 વર્ષથી આ ડેમમાં નહેર વિભાગના પાણી દ્વારા શહેરીજનોને પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવે છે.વલસાડ શહેરમાં અને હદ બહારના વિસ્તારોમાં પાલિકા દ્વારા 2 કરોડ લિટર પાણીનું વિતરણ કરવામાં આવે છે.

જેના માટે પાલિકાને નહેર વિભાગ દ્વારા પાણીનો પુરવઠો પુરો પડાઇ રહ્યો છે.પરંતુ પાલિકાએ વર્ષોથી માસિક બિલ નિયમિત ભરવામાં આંખ આડા કાન કરતાં ભૂતકાળના શાસકોથી લઇ અત્યારસુધીના શાસકો સામે નગરપાલિકા હવે ધોળા હાથી સમાન બની ગઇ છે.વર્ષોથી શાસકો,ચૂંટાયેલા સભ્યો આ મુશ્કેલીના નિરાકરણ માટે નિષ્ફળ રહ્યા છે. નગરપાલિકાની આવકના સ્ત્રોત વધારવા માટે ગત ટર્મના શાસકો દ્વારા પ્રયાસો કરાયા હતા,પરંતુ તે હજી પૂરતા નથી.પાલિકાના શાસકો તમામ સભ્યોએ આ દેવામાંથી બહાર કાઢવા આવકના નવા સ્ત્રોત ઉભા કરવા આયોજન કરવાની તાતી જરૂરિયાત વર્તાઇ રહી છે.હાલતો સિંચાઇ વિભાગે વલસાડ પાલિકાને નોટિસ આપી 6 માસમાં બાકી રકમ ન ભરે તો પુરવઠો બંધ કરવાની ચીમકી આપી છે.

નગરપાલિકાની આ બેદરકારી
બિલ સાથે અંબિકા વિભાગે પાલિકાની બેદરકારી સામે પણ અંગુલી નિર્દેશ કર્યો છે.જેમાં પાણી સરકારની મંજૂરી વિના ઉપાડવામાં આવે છે અને પાલિકાએ કરાર રિન્યુ કરાવ્યું નથી.ડેમ ઉપર ન્યુમેરિકલ સાયન્ટિફિક વોટર મીટર કામ કરતું નથી.

45 ટકા રકમ તો વ્યાજ અને પેનલ્ટી પણ સામેલ
વલસાડ પાલિકાનું માસિક બિલ હાલમાં અંબિકા નહેર વિભાગે 5 જૂન 2021ના રોજ રૂ.1.06 કરોડનું માસિક જનરેટ કર્યું છે.જેમાં પાણીના જથ્થાની એક્ચ્યુઅલ બિલની રકમ રૂ.57 લાખથી વધુ દર્શાવવામાં આવી છે.જ્યારે પેનલ્ટી અને વ્યાજની રકમનો આંકડો જ રૂ.48 લાખથી વધુનો છે.

60 દિ’ માં ચાલુ માસનું બિલ ન ભરાય તો 12 ટકા વ્યાજ
પુરેપુરી બાકી આઉટસ્ટેન્ડિંગની રકમ 6 માસમાં ભરવામાં ન આવે તો અંબિકા વિભાગે પાણીનો પુરવઠો સ્થગિત કરવાની ચીમકી આપી છે.60 દિવસમાં ચાલૂ માસનું બિલ ન ભરાશે તો 12 ટકા બિલની રકમ ઉપર ચાર્જ કરાશે

અન્ય સમાચારો પણ છે...