વલસાડ પાલિકા સંચાલિત 35 વર્ષ જૂની શાકભાજી માર્કેટ અત્યંત જર્જરિત થઇ જતાં તંત્રએ ભયજનક જાહેર કર્યાનો પણ 1 વર્ષ થઇ જવા છતાં હજી માળખું યથાવત રાખતાં આગામી ચોમાસામાં આ માર્કેટ જોખમી સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.ઉપલા બે માળે પાલિકાના 120 આવાસ પૈકી 80 ટકા રૂમો ખાલી કરી દેવાયા છે પરંતુ હજી 20 ટકા રૂમ ખાલી થયા નથી.
5 વર્ષથી તેના સ્લેબના પોપડા ઉખડવા અને તેની પાળીઓ તૂટી પડવાના અનેક વાર બનાવો બન્યા છે. સળિયા દેખાવા માંડ્યા છે.2021માં પાલિકાએ આ ઇમારત ભયજનક જાહેર કરી આવાસો ખાલી કરવા અલ્ટિમેટમ આપ્યું હતું અને નોટિસો પણ જારી કરાઇ હતી.
70 શોપ્સ-શાકભાજીની પણ દૂકાનો
પાલિકાની આ ભયજનક બિલ્ડિંગના નીચેના ભાગે ચોતરફ શોપિંગ સેન્ટરમાં ફુટવેર,સાડી,રેસ્ટોરન્ટ,ફ્રુટ,કરિયાણા,બિસ્કિટચોકલેટ સહિત વિવિધ વસ્તુઓની 70 થી વધુ શોપ્સ કાર્યરત છે.જ્યારે અંદરના ભાગના વિશાળ પરિસરમાં શાકભાજીના વેપારીઓ,પથારાવાળા, લારીવાળાઓ ધંધો કરી રહ્યા છે.જેને લઇ શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રાહકોની અવરજવર રહે છે.
કામચલાઉ મરામત કરાય છે
શહેરની આ શાકભાજી માર્કેટની બિલ્ડિંગ છેલ્લા 5 વર્ષથી તો એકદમ જર્જરિત થઇ ગઇ હતી.જેના પ્રથમ અને બીજા માળની જર્જરિત પાળીઓ વચ્ચેના ભાગેથી દિવસ દરમિયાન જ અનેક વાર તૂટી પડવાના બનાવો બન્યા હતા.જેના કારણે નીચેના દૂકાનદારો અને ગ્રાહકો પર જોખમ વર્તાયું હતું.સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.તાજેતરમાં ગત મહિને જ રાત્રિ દરમિયાન પાળી તૂટી પડી હતી પરંતુ રાત્રે આ બનાવ બનતા જાનહાનિ ટળી હતી.
ગંભીરતાથી પગલા લેવાની જરૂર
વલસાડ પાલિકાની શાકભાજી માર્કેટની ઇમારતનું સ્ટ્રક્ચર સડી ગયું છે.તેના બાંધકામની સ્થિતિ અત્યંત જર્જરિત અને સળિયા બહાર નિકળી આવ્યા નજરે પડે છે.તેવા સંજોગોમાં આગામી ચોમાસામાં લોકો માટે આ ઇમારત જોખમી બની શકે તેવી ભીતિ વર્તાઇ રહી છે. જો અકસ્માતે કોઇ મોટો ભાગ ધરાશાઇ થાય ને કોઇનો જીવ જાય તો તેના માટે કોઇ જવાબદાર ? પાલિકાએ આ મામલે ગંભીરતાથી પગલાં ભરવાની આવશ્યકતા વર્તાઇ રહી છે.
આવાસો ખાલી કરવા નોટિસો આપી હતી
વલસાડ પાલિકાએ આ ઇમારતની ગંભીર સ્થિતિ જોતાં ગત વર્ષે ભયજનક જાહેર કરી હતી.જાનહાનિના સંજોગો ન ઉભા થાય તે માટે પાલિકાએ ઉપરના બે માળે આવેલા 120 આવાસધારકને ખાલી કરાવવા નોટિસો જારી કરી હતી.પરંતું કબજાધારક આવાસ નિવાસીઓએ દસ્તાવેજ કરી આપવાની માગણી કરી હતી.જેના પગલે વિવાદ સર્જાયો હતો.જો કે હજી આ મુદ્દે પાલિકાએ દાદ આપી નથી.
ઘણીવાર સ્લેબ ગેલેરીના ભાગેથી તૂટી ગઇ છે
માર્કેટમાં નીચે બેસી શાકભાજી માર્કેટમાં વેચાણ કરવા ઘણાં લોકો વેચાણ કરી રહ્યા છે.ભૂતકાળમાં ઘણીવાર માર્કેટ સંકુલના સ્લેબ અને પોપડા ખરી પડ્યા હતા.જો કે આ માર્કેટમાં પાલિકા દ્વારા નવું બનવવા માટે જે પ્રક્રિયા કરવાની હોય તે જન હિતમાં પૂરી કરી આયોજન કરાય તે જરૂરી છે. > રમેશ પટેલ, પાથરણાંવાળા
વેપારીઓ સાથે બેઠક કરી વાતચીત કરીશું
વલસાડ પાલિકાની શાકભાજી માર્કેટ સંકુલ અનેક સુવિધાઓ સાથે નવું બનાવવા માટેનું આયોજન છે જ. અગાઉ પણ બોર્ડમાં પણ આ કામ લેવામાં આવ્યું હતું.હવે વેપારીઓ સાથે બેઠકો કરી વાતચીત કરવાની છે.માર્કટમાં વેપારીઓ માટે સુવિધા સાથેનું સંકુલ બનાવવા માટે તેમને પણ વિશ્વાસમાં લેવામાં આવનાર છે. > કિન્નરી અમિષ પટેલ,પ્રમુખ,પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.