વલસાડ પાલિકાના 2021-22ના વેરા વસુલાતની કાર્યવાહીમાં આગામી ઓક્ટોબરથી બાકીદાર મિલકત ધારકો પાસેથી પ્રતિમાસ 1.5 ટકા વ્યાજદંડ વસુલવામાં આવશે. હાલમાં મુદ્દલ રકમ વસુલવામાં આવી રહી છે. વલસાડ શહેરમાં નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કાર્યવાહી જૂનથી થઇ રહી છે. પાલિકા દ્વારા વેરા જમા કરવા માટે મૂકેલી સ્કીમ મુજબ મિલકતધારકોએ જૂનમાં 10 ટકા રિબેટનો લાભ લીધો હતો.ત્યારબાદ 1 જૂલાઇથી સપ્ટેમ્બર સુધીના 3 માસ દરમિયાન બાકી રહેલા મિલકતધારકો પાસે વેરાની મુદ્દલ રકમ વસુલવામાં આવી રહી છે.
પરંતુ આ 3 માસના ગાળા દરમિયાન પણ બાકી રહેલા મિલકતધારકો જો ચાલૂ નાણાંકિય વર્ષનો વેરો ભરવામાં નિષ્ફળ રહેશે તો 1 ઓક્ટોબરથી પાલિકાના માગણાં બિલની રકમ ઉપર 1.5 ટકા વ્યાજદંડ વસુલવામાં આવશે તેવું પાલિકાએ જણાવ્યું હતું.
આ વ્યાજ દંડ ભરવામાંથી મુક્તિ મેળવવા માટે નગરપાલિકાનો બાકી રહેલા મિલકતધારકોએ મુદ્દલ રકમ તાકીદે ભરી દેવાના ગાળામાં વેરો જમા કરાવવા પાલિકાના ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટ રમણભાઇ રાઠોડે જણાવ્યું હતું. પાલિકાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં માત્ર માગણાબિલની રકમ જ સ્વીકાર કરશે. જોકે પાલિકા લક્ષ્યાંક પૂરો કરવા માટે આગામી ઓક્ટોબર માસથી કડક વલણ અખત્યાર કરીને દંડ સાથે વેરા વસૂલાત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.