સમસ્યા:વલસાડ પાલિકાની આવક 12.50 કરોડ, પગાર ખર્ચ 9 કરોડ અને 70 કરોડનું માથે લટકતું દેવું

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 900 જેટલી નાનીમોટી દૂકાનો ઓફિસોના જૂના ભાડા હજીય યથાવત
  • કામોને અસર, આર્થિક સ્ત્રોત વધારવા માગ, પગારનો મુદ્દો ઉઠાવ્યો

વલસાડ પાલિકાના વર્ષોથી વિજળી અને પાણીના બિલોના દેવા વધી જતાં આર્થિક ભીંસમાં મૂકાવાના વિપરિત સંજોગો વચ્ચે પ્રાથમિક સુવિધાના કામોમાં રૂકાવટ સાથે કર્મચારીઓના પગાર ચૂકવવું પણ મુશ્કેલ બની ગયું છે.પાલિકા આશરે 70 કરોડથી વધુના દેવામાં હોવા છતા સત્તાધિસોએ આવક વધારવા માટે પાલિકા સંચાલિત 12 જેટલા શોપિંગ સેેન્ટરોના ભાડા વધારવાનો ઠરાવ 2015થી અભરાઇએ મૂકી દેવાતાં સભ્યોએ મુદ્દો ઉઠાવી હીવટકર્તાઓને ભીંસમાં લીધા છે.

12 શોપિંગ સેન્ટરોના ભાડા વધારવાનો ઠરાવ 2015થી અભરાઇએ
વલસાડ પાલિકા પાસે વર્ષો જૂના શોપિંગ સેન્ટરોની દૂકાનોના ભાડા ખૂબ ઓછાં છે.શોપિંગ સેન્ટરોના કબજેદારો અન્ય દૂકાનદારોને ભાડે આપી તગડું ભાડું કમાઇ રહ્યા છે અને પાલિકાને વર્ષો જૂના ભાડા મળતાં કોઇ નોંધપાત્ર આવક મળતી નથી.વર્ષ 2015માં નગરપાલિકાએ 30 એપ્રિલ 2015ના રોજ સામાન્ય સભામાં શોપિંગ સેન્ટરોના ભાડા વધારવા ઠરાવ કર્યો હતો.પરંતુ પાલિકાએ આજદિન સુધી તેનો અમલ ન કરતા પાલિકાના આર્થિક નુકસાની ભોગવવી પડી રહી છે.નિયમ મુજબ ભાડા વધારવા માટે પાલિકાએ 20 વર્ષથી કોઇ નક્કર કાર્યવાહી કરી ન હતી.જેના પગલે નવા આવકના સ્ત્રોત ઉભા કરવામાં પાલિકાની ઉદાસીનતાના કારણે કર્મચારીઓના પગાર સમયસર થતાં નથી અને વિકાસના કામોમાં અવરોધ ઉભા થાય છે.ડ્રેનેજ,પાણી અને સ્ટ્રીટલાઇટ સહિતની છાશવારે સર્જાતી સમસ્યાનું નિરાકરણ કરવામાં મુશ્કેલી ઉભી થાય છે.પાલિકાની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે સભ્યો ઝાકિર પઠાણ,નિતેશ વશીએ પાલિકાના નવા પ્રમુખ કિન્નરીબેન પટેલ સીઓ જે.યુ.વસાવાને પાલિકા સંચાલિત 12 શોપિંગ સેન્ટરની 900 દૂકાનોના ભાડા વધારવાના ઠરાવનો અમલ કરવા દાદ માગી છે.

પાલિકાના શોપિંગ સેન્ટરો
સ્ટેડિયમ રોડ એનએસબી શોપિંગ સેન્ટર,સરદાર વલ્લભાઇ પટેલ શોપિંગ સેન્ટર, ડીએન શોપિંગ સેન્ટર,જૂની શાકભાજી માર્કેટ શોપિંગ, સુપર માર્કેટ, શ્રી મહાત્મા ગાંધી માર્કેટ, ડો.બાબાસાહેબ આંબેડકર શોપિંગ, ઇન્દિરાગાંધી શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ શોપિંગ સેન્ટર, ન્યૂ શાકભાજી માર્કેટ શોપિંગ સેન્ટર ટાઉન હોલ શોપિંગ સેન્ટર, નગરપાલિકા કચેરી બિલ્ડિંગ શોપિંગ સેન્ટર, રંગઉપવન શોપિંગ સેન્ટર

લાઇટનું 55 કરોડનું -નહેર ખાતાનું 21 કરોડનું બિલ બાકી
પાલિકાની આવક કરતા ખર્ચા વધુ છે. છેલ્લા 20 થી 25 વર્ષથી બાકી રહેલા બિલો અને ચઢત વ્યાજની રકમ વર્ષોથી વધી રહી છે. ડ્રેનેજ પ્લાન્ટ, વોટરવર્સ, સ્ટ્રીટલાઇટ વિજળીના બિલોના 55 કરોડના બિલ બાકી, નહેર ખાતાનું 21 કરોડથી વધુના બિલ બાકી છે. વાર્ષિક રૂ.9 કરોડથી વધુ પાલિકા કર્મચારીઓના પગાર ચૂકવવાના હોય છે. જેની સામે સ્વભંડોળની આવક માત્ર રૂ.12.50 કરોડના મિલકતવેરા રૂપે પાલિકાને મળે છે.તેમાં પણ 100 ટકા લક્ષ્યાંક જેટલી રકમ ન આવતાં ખેંચ પડી રહી છે.

શોપિંગની 14 દૂકાનો ખાલી,1 થી 2 કરોડની ખોટ
વલસાડ પાલિકાના સુપર માર્કેટની 3 દૂકાન, શ્રીમહાત્માગાંધી માર્કેટની 2 દૂકાન,ડીએન શોપિંગ સેન્ટરની 2 દૂકાન અને ઇન્દિરાગાંધી શોપિંગ સેન્ટરની 7 દૂકાનો લાંબા સમયથી ખાલી છે.જેની હરાજી કરવામાં આવે તો 1 થી 2 કરોડની રકમ પાલિકાને મળે તેમ છે.જે હાલમાં ન મળતા ખોટ જઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...