વલસાડ LCBની ટીમે વાઘલધરા હાઇવે ઉપરથી બંધ બોડીના પીકઅપ ટેમ્પોમાંથી 45 પોટલીઓ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસની નજર ચૂકવવા દમણથી દારૂનો જથ્થો અલગ-અલગ પ્લાસ્ટિકની ટ્રાન્સફરન્ટ થેલીઓમાં ભરી અલગ-અલગ પોટલીઓ બનાવી સુરત લઈ જઈ રહ્યા હતા. વલસાડ LCBની ટીમે પીકઅપ ટેમ્પો, દારૂનો જથ્થો અને મોબાઈલ મળી કુલ 3.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 2 મહિલા સહિત 4ને ઝડપી પાડ્યાં છે.
એલસીબીને બાતમી મળી હતી
વલસાડ એલસીબીની ટીમ નાતાલ પર્વને લઈને જિલ્લાના અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક બંધ બોડીના પીકઅપ ટેમ્પો નંબર (GJ-05-CU-4411)માં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહ્યો છે.
45 પોટલીઓમાં દારૂનો જથ્થો મળી આવ્યો
બાતમીના આધારે એલસીબીએ વાઘલધારા હાઇવે ઉપર ટેમ્પોની વોચ ગોઠવી હતી. બાતમીવાળો ટેમ્પો આવતા, ટેમ્પોને અટકાવી ચેક કરતા બંધ બોડીમાં 45 પોટલીઓમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીની ટીમે દારૂના જથ્થા સાથે ફાલ્ગુની મુકેશ રાણા, પિન્કી આકાશ સિંગ, ગંગાસિંહ શક્તિસિંહ રાજપુત અને મહાદેવ કાનારામ ગુજરને 45 પોટલી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસે કુલ 3.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
તમામની પ્રાથમિક પૂછપરછ કરતા દમણ ખાતે આવેલા અલગ-અલગ વાઇન શોપમાંથી પોતાની જરૂરિયાત મુજબનો દારૂનો જથ્થો લઈ, પોલીસ નજરથી બચવા માટે અલગ-અલગ પ્લાસ્ટિકની થેલીઓમાં દારૂનો જથ્થો ખાલી કરી, બ્રાન્ડ મુજબ થેલીમાં નિશાનીઓ કરી, પોતપોતાના ઘરે દારૂનો જથ્થો છૂટક વેચાણ માટે લઈ જવાના હોવાનું જણાવ્યું હતું. ડુંગરી પોલીસે 45 પોટલીમાં વિદેશી દારૂનો જથ્થો, ટેમ્પો અને મોબાઈલ તેમજ 6 હજાર 220 રોકડા મળી કુલ 3.99 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.