વલસાડ જિલ્લા પ્રભારી અને રાજયના વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ તેમજ જળસપતિ અને પાણી પુરવઠા રાજય મંત્રી મુકેશભાઇ પટેલે આજ રોજ કલેકટર કચેરી વલસાડના સભાખંડમાં સૌ પ્રથમવાર વલસાડ જિલ્લાના વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, વલસાડ, ધરમપુર, કપરાડા અને ઉમરગામના ધારાસભ્યો સર્વ ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી અને રમણલાલ પાટકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીએ સૌ પ્રથમ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ અધિક્ષક ર્ડા. રાજદીપસિંહ ઝાલા અને તમામ વિભાગોના વડાઓ સાથે પરિચય કરી બેઠકનો પ્રારંભ કર્યો હતો. મંત્રીએ જિલ્લામાં સારી કામગીરી ચાલી રહી છે. તેનો સંતોષ વ્યક્ત કરી પ્રજાલક્ષી કામગીરીમાં વિભાગોએ પરસ્પર સંકલનથી પ્રશ્નો ઉકેલવા તાકીદ કરી હતી. મંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં તમામ વિભાગોની ખાલી જગ્યા તબક્કાવાર ભરવા માટે કેબિનેટ બેઠકમાં નક્કી કર્યા મુજબ વલસાડ જિલ્લાના વહીવટી તંત્રમાં પણ વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓની માહિતી જિલ્લા કલેકટરને આપવા જણાવ્યું હતું. જેથી જિલ્લાના સંબંધિત વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓ તબક્કાવાર ભરી શકાશે તેમ જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ર્ડા. રાજદીપસિંહ ઝાલાએ મંત્રીને વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે એમ જણાવી વધુમાં કહ્યું કે, અહીંની પ્રજા શાંતિપ્રિય છે જેથી અહીં ક્રાઇમરેટ એકંદરે ઓછો છે. પોલીસતંત્ર દ્વારા જિલ્લામાં સારી કામગીરી થઇ રહી છે. સાથે સાથે વલસાડ જિલ્લામાં ગુનાના ડીટેકશનમાં 86% સુધી કામગીરી કરવામાં આવી છે જેને 90% સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે તેમ જણાવ્યુ હતું. મંત્રીએ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની કામગીરી, સુરક્ષા સેતુ હેઠળ થયેલી કામગીરી, નાર્કોટિક્સની કામગીરી તેમજ બોર્ડર પર ચેકપોસ્ટોની વિગતો મેળવી હતી.
મંત્રીએ તમામ જિલ્લાના તમામ વિભાગોની કામગીરીનું પ્રેઝટેન્શન દ્વારા માહિતી મેળવી હતી. બેઠકમાં મંત્રીએ તમામ વિભાગોની કામગીરીનું પ્રેઝટેન્શન નિહાળ્યા બાદ માહિતી મેળવી હતી. જેમાં સંકલિત આદિજાતિ વિસ્તાર યોજના હેઠળ ન્યુ ગુજરાત પેર્ટન 90%, અને 10%, બોર્ડર વીલેજ, આદિમજૂથની પાયાની સુવિધાઓ, હળપતિની પાયાની સુવિધાઓ, દૂધ સંજીવની યોજના, વનવાસી ખેડૂત, સશકિતકરણ યોજના, ન્યુકિલયસ બજેટ, ઘેર ઘેર પાણી યોજના, કલા કૌશલ્ય યોજના તેમજ ગુજરાત ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો, વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ થયેલા કામો, વન વિભાગ હેઠળ છેલ્લા 5 વર્ષમાં થયેલા વાવેતર, વાડી યોજના, તેમજ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારના આદિવાસીઓ સર્પદંશના કારણે મૃત્યુ પામે છે જેના માટે ધરમપુરમાં સ્નેક રીસર્ચ ઈન્સ્ટિટયુટની થઇ રહેલી કામગીરી બાબતેની જાણકારી મેળવી હતી. સાથે સહભાગી વનવ્યવસ્થા હેઠળ થયેલી કામગીરીની પણ માહિતી મેળવી હતી.
જિલ્લા ગ્રામવિકાસ એજન્સી હેઠળની પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ, મનરેગા, સ્વચ્છ ભારત મિશન, એન. આર. એલ. એમ.- મિશન મંગલમ યોજના, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા તથા શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન હેઠળની યોજનાઓની જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લાની પાંચ નગરપાલિકાઓ વલસાડ, વાપી, પારડી, ધરમપુર અને ઉમરગામની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 14 માં અને 15માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળના થયેલા કામોની જાણકારી મેળવી હતી. જિલ્લાના માર્ગ અને મકાનના સ્ટેટ અને પંચાયત વિભાગ હેઠળના રસ્તાઓ, પુલો, ROB તેમજ પુલોની માહિતી મેળવી હતી. મંત્રીએ જિલ્લાની જે આંગણવાડીઓ જર્જરિત છે તેને રીપેર કરવા તેમજ તમામ આંગણવાડીઓની એક સરખી ડિઝાઇન તૈયાર કરવા જણાવ્યું હતું. વાપી શહેરનો ROB તોડવાની અને નવ નિર્માણ કામગીરી દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થાનું પાલન કરવા જિલ્લા પ્રભારી મંત્રીએ જિલ્લા પોલોસ વડાને જણાવ્યું હતું. વધુ મેન પાવર ઉપયોગ કરીને ટ્રાફિક સમસ્યામાંથી રાહત આપવા જણાવ્યું હતું. સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને તેમજ નગર પાલિકાના COને શહેરમાં જર્જરિત રસ્તાઓ ઉપર રીપેરીંગ અને નવીની કરણની કામગીરી જલ્દી કરવા સૂચનાઓ આપી હતી. આગામી 100 દિવસમાં વલસાડ જિલ્લાના લોકોને વધુ વિકાસના કામો કરી જિલ્લાનો વધુ વિકાસ કરવા બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં જિલ્લામાં થયેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર એ.કે.કલસરીયા, દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક ઋષિરાજ પુંવાર, ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષક નિશા રાજ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સરંક્ષક યદુ ભારદ્વાજ, વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વ નિલેશ કુકડીયા, સની પટેલ અને કેતુલ ઈટાલિયા, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન.એન.પટેલ, જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર ધર્મેશ પટેલ, ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી બી.ડી.બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલ તેમજ જિલ્લાની પાંચેય નગરપાલિકાના ચીફ ઓફિસરો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.