વલસાડ હાલર રોડ ઉપર આવેલી એચડીએફસી બેંકમાં એફડી ધરાવતા ગ્રાહકોને કન્ફર્મેશન ઓફ ડિપોઝિટન ખોટા સર્ટિફિકેટ (રસીદો) બનાવીને પધરાવી રૂ. 57.49 લાખની નાણાંકિય ઉચાપત અને ઠગાઇ કેસમાં બેંકના પર્સનલ બેંકર ડેપ્યુટી મેનેજરને ચીફ જ્યુડિશ્યિલ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે. આ કેસની સુનાવણીમાં એપીપી મનિષ પટેલની દલીલો ગ્રાહ્યો રાખી ન્યાયાધીશ બી.વી.વ્યાસે સજાનો હુકમ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, 2019ના વર્ષમાં વલસાડની એચડીએફસી બેંકમાં શહેરના 6 ગ્રાહકની એફડી હતી, જેના નામે લોન લેવા માટે ગયા હતા. તેમણે બેકઅપ બ્રાંચ મેનેજર બ્રિજેશ દેસાઇને મળી ફિક્સ ડિપોઝિટ ઉપર લોન લેવાનુ જણાવી બેંકના નામની એફડી માટેના 41 જેટલી કન્ફર્મેશન ઓફ ડિપોઝિટ (સીઓડી)ના અસલ હોવાના 41 જેટલા સર્ટિફિકેટ બતાવ્યા હતા. જેના કુલ રકમ રૂ.39.16 લાખના સીઓડી હાલર બ્રાંચના હતા. બેંક સ્ટાફે આ તમામ ફિક્સ ડિપોઝિટની રસીદો બેંકની સિસ્ટમમાં ચેક કરતા રેકોર્ડ સાથે મેચ થતી ન હતી.
અને આ રસીદો બોગસ માલુમ પડી હતી. ગ્રાહકને બેંક સ્ટાફે પૂછતાં આ રસીદો બેંકના કર્મચારી વિનય અશોકભાઇ મેરાઇ, રહે. કુભારવાડ,જ લારામ રાઇસ મિલપાસે, ધરમપુરનાઓએ બનાવી આપી ગ્રાહકોને આપી દીધા હતા અને ગ્રાહકોના ચેકો બેંકમાં જમા કરાવી દઇશ તેમ કહ્યું હતું. વિનય મેરાઇને પૂછતાં તેણે આ રસીદો બનાવી હતી અને બેંકને કોઇપણ જાતની જાણ કરી ન હતી. ઉપરથી તેણે આ ગ્રાહકોને પૈસા આપવાની જવાબદારી મારી છે તેમ કહ્યું હતું.
વિનય મેરાઇએ બેંકના નામે ગ્રાહકોને સીઓડી રસીદ આપી હતી પરંતું બેંક દ્વારા આ રસીદ સર્ટિફિકેટના નંબરોથી કોઇપણ જાતના સીઓડી રસીદ ઇસ્યુ કરાઇ ન હતી. આ ભાંડો ફુટી જતાં બેંક મેનેજર ગૌરવ પટેલે 24 સપ્ટેમ્બર 2019ના રોજ આરોપી ડેપ્યુટી મેનેજર વિનય ઉર્ફ પિન્ટુ મેરાઇ વિરૂધ્ધ રૂ.57.49 લાખની છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી. આ કેસ ચીફ જ્યુ.કોર્ટમાં ચાલી જતાં એપીપી મનિષ પટેલની દલીલો ગ્રાહ્ય રાખી જજ બી. વી. વ્યાસે આરોપીને 7 વર્ષની કેદની સજાનો હુકમ કરી રૂ.50 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સજા ફટકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.