વલસાડમાં કચેરી રોડ પર વળાંક પાસે જિલ્લા પંચાયત કચેરીની દિવાલ ટ્રાફિકના ઉકેલ માટે દૂર કરાયા બાદ ખુલ્લી કરાયેલી જગ્યા પર ખાનગી વાહનોના પાર્કિંગથી સમસ્યા સર્જાતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
વલસાડમાં સરકારી કચેરીઓની અવરજવરથી માર્ગ વચ્ચે તાલુકા પંચાયતની કચેરી પાસેના વળાંક ઉપર રોડ માર્જિનને નડતર રહેલી જિ. પં.ની કાટખૂણિયા દિવાલથી ઉદભવતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા પાલિકા અને જિ.પં.ના પ્રયાસોથી દિવાલ દૂર કરી જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી હતી. પરંતું દિવાલ તોડી પાડીને વર્ષ થઇ ગયું છતાં આ રોડ ઉપર ડામરવર્ક કરવા પાલિકા દ્વારા કોઇ નક્કર કાર્યવાહી નહિ થતાં આ સ્થળે ખાનગી વાહનોના પાર્કિંગથી ટ્રાફિકનો ગંભીર પ્રશ્ન ઉઠી રહ્યો છે.
વલસાડમાં ફોર વ્હીલર વાહનો પાર્ક કરવા ખુલ્લી જગ્યાની મોટી સમસ્યા છે. આ સાથે કચેરી રોડ ઉપર દમણગંગા કચેરી પાસે પણ પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરાયેલા વાહનો મૂકવામાં આવે છે. જે ઘણીવાર મોટી સંખ્યામાં જમા થઇ જતાં ટ્રાફિકને અવરોધક નિવડી રહ્યા છે. પાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત પ્રયાસથી વલસાડ તાલુકા પંચાયત પાસેના વળાંક પર જિલ્લા પંચાયતની દિવાલ દૂર કર્યેથી ખુલ્લી જગ્યામાં રોડ પહોળો કરવા માગ ઉઠી છે.
સિટીબસ માટે હજી નગર પાલિકા દ્વારા કોઇ નક્કર યોજના નથી
વલસાડમાં ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન હલ કરવા માટે સિટી બસ સેવા પણ લાભકારક નિવડી શકે તેમ હોવાનું પ્રબુધ્ધ નાગરિકો માની રહ્યા છે.સિટી બસ આસપાસના વિસ્તારોમાંથી આવતા લોકોને મળે તો વાહનોનો વપરાશ ઓછો થઇ શકે તેમ છે અને તેને કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ કરવામાં મદદરૂપ થઇ શકે તેમ હોવાની લાગણી વર્તાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.