વલસાડ જિલ્લામાં 1 લાખ હેકટરના ખરીફ પાક લેતા 70 ટકા ખેડૂતો આકાશી ખેતી ઉપર નિર્ભર કરે છે. છેલ્લા 20 વર્ષમાં વરસાદનો ટ્રેન્ડ જોતાં સૌથી વધુ 2019માં સરેરાશ 124.84 ઇંચ જેટલો મૂશળધાર વરસાદ જિલ્લામાં થયો હતો.ચાલૂ વર્ષમાં હાલ સુધી જિલ્લામાં 40.32 ઇંચ વરસાદ થયો છે,પરંતુ હજી ખેતરોમાં પાણી નથી અને ધરૂ સૂકાવાના આરે હોય વરસાદ ન થાય તો મુશ્કેલી સર્જાશે.
આ વર્ષો દરમિયાન સમયાંતરે વરસાદ ડાંગર સહિત ખરીફ પાકને પાણીની જરૂરિયાત મુજબ તો ક્યારે વધુ પડતો વરસાદ પડતાં ખેતી ઉપર વધતી ઓછી અસર જોવા મળી હતી.વલસાડ જિલ્લામા 17 જૂનથી ચોમાસુ બેઠા બાદ અત્યાર સુધીના દોઢ માસના ગાળા દરમિયાન 40 ઇંચ વરસાદ થયો જે સારી માત્રામાં હોવા છતાં આ વરસાદની સાતત્યતાના અભાવે ઘણીવાર એક સાથે પડી ગયા બાદ વરસાદ ખેંચાઇ જવાના કારણે ખેતીને પૂરતો લાભ મળી શક્યો નથી.
વલસાડ જિલ્લામાં છેલ્લા 20 વરસાદનો ટ્રેન્ડ જોતાં 2019ની સાલમાં સરેરાશ 125 ઇંચ વરસાદ થતાં પાણીની સમસ્યા તો ઉકેલાઇ ગઇ હતી,પરંતુ પૂરની પરિસ્થિતિમાં ગામો નગરોમાં ભારે ખાનાખરાબી પણ થઇ હતી.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય હતા અને ખેતીને પણ મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું.ચાલૂ વર્ષની સિઝનના 2 માસમાં અત્યાર સુધી સરેરાશ 40 ઇંચ વરસાદ થયો છે પરંતું હજી 2 મહિના ચોમાસાને બાકી છે ત્યારે વરસાદનો ટ્રેન્ડ કેવો રહેશે તે જોવું રહ્યું.
ડાંગર સૂકાતા ધરુવાડિયાને વરસાદની જરૂર
જિલ્લામાં ચોમાસામાં મુખ્યપાક તરીકે ડાંગરના ખેડૂતોએ જૂનમાં વરસાદ થતા વાવણી કરી દીધાં બાદ 25 જૂનથી વરસાદ ખેંચાઇ ગયો હતો.જૂલાઇમા બીજા સપ્તાહમાં વરસાદ સારો થતાં વાવણી પુરી કરાઇ હતી,પરંતુ જૂલાઇના અંતથી ફરી ચોમાસુ નબળું પડતાં જે ધરૂ નાંખ્યા હતા તે સૂકાઇ જતાં ધરૂના વિકાસ માટે વરસાદની જરૂર છે.હજુ માફકસર વરસાદ પડે તો બાકીની રોપણી થઇ જાય તેવી અપેક્ષા ખેડૂતો સેવી રહ્યા છે.> ઉત્તમભાઇ પટેલ,ખેડૂત, પારનેરાપારડી
ગ્લોબલ વોર્મિંગના પરિબળોથી પેટર્ન બદલાયા કરે છે
પર્યાવરણની અનુકુળ સ્થિતિ હવામાન સંકળાયેલી હોય છે.ગ્લોબલ વોર્મિંગ છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વ માટે ચિંતાનો વિષય છે.આ સાથે અન્ય પરિબળોથી વરસાદની પેટર્ન બદલાયા કરતી હોવાનું પ્રાથમિક રીતે અનુમાન થઇ શકે છે.પર્યાવરણની જાળવણી ખુબ જરૂરી છે.જે વરસાદ માટે મહત્વનું પરિબળ છે.> ડો.જયેશ નાયક,હવામાનના જાણકાર
છેલ્લા 10 વર્ષમાં ત્રણ વખત વરસાદે સદી નોંધાવી હતી
વર્ષ | મિમિ | ઇંચ | સરેરાશ |
2011 | 11415 | 76.1 | 2283 |
2012 | 9136 | 60.9 | 1827 |
2013 | 14393 | 95.95 | 2878 |
2014 | 11763 | 78.42 | 1960 |
2015 | 8829 | 58.86 | 1471 |
2016 | 15002 | 100.01 | 2500 |
2017 | 15116 | 100.77 | 2519 |
2018 | 13647 | 90.98 | 2274 |
2019 | 18726 | 124.84 | 3121 |
2020 | 12224 | 81.49 | 2037 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.