ફરિયાદ સમિતિની બેઠક:વલસાડ જિલ્લા સંકલન-વ- ફરિયાદ સમિતિની બેઠક મળી, પદાધિકારીઓના પ્રશ્નોની સમીક્ષા કરાઈ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓના પેન્સનની અરજીઓના નિકાલ બાબતે પણ જરૂરી સમીક્ષા કરવામાં આવી

વલસાડ જિલ્‍લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને વલસાડ જિલ્‍લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. આ બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના ભાગ- 1 અંતર્ગત જિલ્‍લાના પદાધિકારીઓના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતોની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં ઉમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકરના ઉમરગામ નગરપાલિકા હદ વિસ્‍તારમાં ગૌચર જમીન ખુલ્લી કરવા બાબતે GEBની કચેરીની સામેની જમીનના સર્વે નંબર 3106માં ની ગૌચર જમીનની જિલ્‍લા નિરીક્ષક જમીન દફતર દ્વારા આ જમીનની માપણી કરવામાં આવી હતી. પરંતુ 7/12 મુજબ જમીનનું કુલ ક્ષેત્રફળ 1214 ચો. મી. છે જે સ્‍થળ ઉપર માપણી કરતાં 550 ચો. મી. જગ્‍યા મળે છે. જેથી બાકીની જમીન માટે જિલ્‍લા નિરીક્ષકને ચીફ ઓફિસર ઉંમરગામ દ્વારા તા. 04 થી મે 2022 ના રોજ ઓનલાઇન જાણ કરવામાં આવી છે.

આ જમીનમાં હાલ કોઇ દબાણ નથી અને આ જગ્‍યા પર નગરપાલિકા દ્વારા બાગ બનાવવા માટે ઉમરગામ નગરપાલિકાની સામાન્‍ય સભામાં ઠરાવ કરવામાં આવ્‍યો છે. ભીલાડ ઓવરબ્રીજ બનાવવા બાબતના પ્રશ્ન સંદર્ભે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ વલસાડ દ્વારા આ કામનો ઓર્ડર તા. 25/10/21ના રોજ જે એજન્‍સીને આપવામાં આવ્યો હતો તે એજન્‍સી દ્વારા કામગીરી ચાલુ કરવામાં ન આવતાં તેમને તા. 11/02/22 અને તા. 9/05/22ના રોજ નોટિસ આપવામાં આવી છે. આમ, છતાં જો એજન્‍સી દ્વારા આ કામ શરૂ ન કરવામાં આવે તો ટેન્‍ડર કલોઝ મુજબ કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવાયું છે.

સંજાણ બાયપાસ રોડ માટે ખેતલવાડાની હદ વચ્‍ચે 250 મીટર જમીન સંપાદન કરવા માટે રજૂઆતો કરવા છતાં આ રસ્‍તો અત્‍યાર સુધી સંપાદન થઇ શક્યો નથી જેથી ખેડૂતોને વળતર ચૂકવણી થઇ શકી નથી. આ બાબતે રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે કે, આ બાબતે જમીન સંપાદનની કાર્યવાહી પૂર્ણતાને આરે છે અને ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. વન અધિકાર અધિનિયમ - 2006 યોજના અંતર્ગત અપીલ હેઠળની અરજીઓનો નિકાલ કરવા બાબતેના તેમના પ્રશ્નમાં પ્રાયોજના વહીવટદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જિલ્‍લામાં કુલ 3725 અરજીઓ આવી છે.

આ અપીલ અરજીઓની સુનાવણી પૂર્ણ કરી જિલ્‍લા કક્ષાની સમિતિની બેઠકમાં નિર્ણય લઇ પુનઃ ચકાસણી કરી પરત મોકલવા માટે પેટા વિભાગીય સમિતિને રીમાઇન્‍ડ કરવામાં આવતાં આ અરજીઓ પૈકી 1066 અરજીઓ પેટા વિભાગીય સમિતિની બેઠકમાં લઇ જિલ્લા કક્ષાની સમિતિમાં નિર્ણયાર્થે મોકલવામાં આવેલ છે અને ટૂંક સમયમાં જિલ્‍લા કક્ષાની સમિતિની બેઠકમાં તેનો નિર્ણય જાહેર કરવામાં આવશે.

આ ઉપરાંત પડતર/નામંજૂર દાવા સંદર્ભે સેટેલાઇટ ઇમેજરી ડેટાઓનો ઉપયોગ કરવા બાબતે વન અને પર્યાવરણ વિભાગ ગાંધીનગર ખાતેની સંસ્‍થા ગીર ફાઉન્‍ડેશનની સેવાઓ લેવા માટે સરકાર દ્વારા મંજૂરી મળી છે.

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદ પટેલના ધરમપુર તાલુકાના પ્રવાસન ધામ તરીકે વિકાસ થયેલા વિલ્‍સન હિલના લોકાર્પણ સમયે ઝાડો તેમજ ફૂલ-છોડ જે રોપવામાં આવ્‍યા હતા તે પાણીના અભાવે મૃતપાય અવસ્‍થામાં હોઇ, જરૂરી પાણીની સુવિધા કરવા બાબતે ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાણીની સુવિધા માટે જે એજન્‍સીને કામગીરી આપવામાં આવી હતી તે એજન્‍સી દ્વારા સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા આ એજન્‍સીને બ્‍લેક લિસ્‍ટમાં મૂકીને તેમની ડિપોઝીટ જપ્‍ત કરી અન્‍ય એજન્‍સી નક્કી કરી તેમના દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવશે.

જિલ્‍લા પંચાયત વલસાડની સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ ધવલ પટેલના સરીગામની જૂના સર્વે નંબર 207 વાળી 20 એકર પૈકી ઉંમરગામ અને કૃષિપંચના વર્ષ 1994ના હુકમ મુજબ રેકર્ડ દફતરે દાખલ કરવા તથા કબજો લેવા બાબતે મામલતદાર ઉંમરગામ દ્વારા આ બાબતે સરકારના વર્ષ 2012ના પરિપત્રની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવવામાં આવ્‍યું છે.

ભાગ-2 માં જિલ્‍લા કલેક્ટરે નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી 24 માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં વલસાડ જિલ્‍લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, નાયબ પોલીસ અધિક્ષક મનોજ શર્મા, નિવાસી અધિક કલેક્ટર એન. એ. રાજપૂત, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વ નીલેશ કુકડીયા, આનંદુ સુરેશ ગોવિંદ, કેતુલ ઇટાલીયા, સામાજિક વનીકરણના નાયબ વનસંરક્ષક ભારદ્વાજ તેમજ સંબધિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...