આગામી ચોમાસાની પૂર્વ તૈયારી માટે વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના સર્વે વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક મળી હતી. બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટરે ચોમાસા દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ અને પૂર આવે તો રાહત અને બચાવની કામગીરી તેમજ આશ્રય અને ફૂડ પેકેટ- પીવાના પાણી તેમજ કોઇ આકસ્મિક પરિસ્થિતિમાં મુશ્કેલી નહીં પડે તેના આયોજન અને અમલીકરણ અંગે જિલ્લાના તમામ વિભાગો દ્વારા ચોમાસુ 2022 અંતર્ગત કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવા જણાવ્યું હતું.
કલેક્ટરે દરેક વિભાગોના ચોમાસાના કન્ટીજન્સી પ્લાનીંગ અંતર્ગત જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓને તેમનો પૂર વાવાઝોડાનો સુધારેલો એકશન પ્લાન તૈયાર કરવા જણાવાયો હતો. જેમાં વાહન નંબર, ટેલીફોન નંબર, અધિકારી, સ્ટાફના નામ, લેન્ડ લાઇન/મોબાઇલ નંબર, લાયઝન અધિકારીનું નામ, સરનામું, ટેલીફોન નંબર તેમજ કંટ્રોલરૂમમાં ફરજ બજાવનાર અધિકારી/કર્મચારીના હુકમની નકલ, તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન(ટી. ડી. એમ. પી.), ગામોના ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્લાન(વી. ડી. એમ. પી.), તાલુકા મામલતદાર કચેરી ખાતે રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ શરૂ કરી તેના ફરજ બજાવણીના હુકમો કરી તેની નકલ કરવી.
આ ઉપરાંત તાલુકામાં વરસાદ માપક યંત્રની ચકાસણી કરી તે મેન્યુઅલી છે કે ઓટોમેટિક તેની ખાતરી કરી તેનું પ્રમાણપત્ર રજૂ કરવું, તાલુકામાં આવેલ ડેમ/કેનાલોની ચકાસણી કરવી, ભૂતકાળમાં નુકસાન પામેલ તળાવો અને ભારે વરસાદથી કટ ઓફ થયેલ ગામો/રસ્તાઓની વિગતો અને વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગોના આયોજનની વિગતો, તાલુકામાં આવેલ નદીઓનું ઉદ્ગમ સ્થાન અને મહારાષ્ટ્ર રાજયમાંથી નદી વલસાડ જિલ્લામાં પ્રવેશ કરતી હોય તેવા કિસ્સામાં રાજયના સંબધિત નદી- ડેમ નિયંત્રણ અધિકારીઓ સાથે સતત સંકલન રાખી તેના ફોન/મોબાઇલ નંબર/ફેકસ નંબરની વિગતો મેળવવી.
પૂરની પરિસ્થિતિના સમયમાં હોડીઓ/તૈરવૈયા/બચાવ રાહત ટીમની યાદી, ભૂતકાળમાં વરસાદ/પૂર/વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ ગામોની યાદી, તેમજ નગરપાલિકા વિસ્તારોમાં ડી- વોટરીંગ પંપ સતત કાર્યશીલરાખવા, વાવાઝોડા/પૂર સમયે અસરગ્રસ્તોને સહી સલામત સ્થળે ખસેડવાના આશ્રયસ્થાનો તથા કામચલાઉ રાહત કેમ્પોની યાદી તૈયાર કરીને તેની નકલ ડીઝાસ્ટર શાખાને મોકલવા જણાવ્યું હતું.
આજ પ્રમાણે જિલ્લાના સ્ટેટ અને પંચાયતના માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ સ્ટેટ અને પંચાયત, આરોગ્યતંત્ર,પોલીસ વિભાગ, દ. ગુ. વીજ કંપની, RTO, ST, જિલ્લા પુરવઠા વિભાગ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, નગર પાલિકાઓના સર્વે ચીફ ઓફિસરો, બી. એસ. એન. એલ., વેસ્ટર્ન રેલવે,મત્સ્યોદ્યોગ અને બંદર વિભાગ, અને ભૂસ્તર શાસ્ત્રીઓના સર્વે અધિકારીઓને તેમનો તૈયાર કરેલો ડીઝાસ્ટર એકશન પ્લાન કલેકટર કચેરીને આગામી તા. 15 મી મે સુધીમાં મોકલવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરૂવાની, પ્રાયોજના વહીવટદાર બી. કે. વસાવા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે. પી. મયાત્રા, વલસાડ, ધરમપુર અને પારડીના પ્રાંત અધિકારીઓ સર્વ નીલેશ કુકડીયા, કેતુલ ઇટાલીયા, અનાડુ ગોવિંદન, સર્વે તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઇજનેરો, સિંચાઇ વિભાગના સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઇજનેરો, નગર પાલિકાઓના ચીફ ઓફિસરો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા અનિલભાઇ પટેલ, વન વિભાગના અધિકારીઓ તેમજ સર્વે વિભાગના સંબધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.