વલસાડના અબ્રામામાં લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ખોલી 7 વેપારીઓ સાથે રૂ.13.57 લાખની છેતરપિંડીના પ્રકરણમાં સિટી પોલીસે વડોદરાના આરોપીને ઝડપી પાડ્યો છે.આ કેસમાં વેપારીઓ દ્વારા સિટી પોલીસ મથકે કરવામાં આવી હતી.પોલીસે આ સાથે ઠગાઇ કરી છુ થઇ ગયેલા 3 પૈકી વડોદરાના એક આરોપી સહિત અત્યાર સુધી બે જણાને જેલભેગા કર્યા છે.
તિથલ રોડ ઉપર લેપટોપ અને કોમ્પ્યુટરના વેપારી કેરીઝોનના ચેતનભાઇ પટેલ ઉપર 21 એપ્રિલ 2022ના રોજ અબ્રામા સાફી હોસ્પિટલ પાસે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી લેપટોપ સહિત સામગ્રી પૂરી પાડવા અંગે મોબાઇલ પર ફોન આવ્યો હતો.જેના પગલે વેપારી ચેતનભાઇએ તેમને લેપટોપ સહિત સામગ્રી પૂરી પાડતાં ઓફિસ સંચાલકોએ રૂ.1.28 લાખનો ચેક આપ્યો હતો.
ઓફિસના ઇસમ જગદીશે આઇસીઆઇસીઆઇ બેંકનો ચેક આપી બે દિવસ બાદ બેંકમાં નાખવા જણાવ્યું હતું.જેને લઇ તેમણે વાપીની મહેન્દ્ર કોટક બેંકમા જમા કરાવ્યો હતો જે બાઉન્સ થતાં અબ્રામા ઓફિસમાં તપાસ કરાવતા ઓફિસ બંધ અને મોબાઇલ પણ બંધ આવતા છેતરપિંડી થઇ હોવાનું જણાયું હતું.
ચેતનભાઇએ પોલીસ મથકે પહોંચી હકીકત જણાવતા અન્ય 6 વેપારીઓ સાથે પણ આવી જ ઠગાઇ થઇ હોવાનું તપાસમાં માલુમ પડતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસના ઇસમો પ્રકાશ પટેલ બાલકૃષ્ણ ઠક્કર,વડોદરા અને જગદીશ ,રહે.આણંદ નામના 3 ઇસમ વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ હાથ ધરી જગદીશને પકડ્યા બાદ બુધવારે વડોદરાના બાલકૃષ્ણ ઠક્કરને પણ ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા 20 મે સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. આ પ્રકરણમાં પોલીસે અબ્રામા સ્થિતિ લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની બંધ ઓફિસેથી 6.75 લાખનો મુદ્દામાલ કબજે કરી હતી. પ્રકાશ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.