લમ્પી સામે રક્ષણ:લમ્પીનું સંક્રમણ અટકાવવા વલસાડની 415 દૂધ મંડળીઓમાં પ્રાથમિકતાના ધોરણે દૂધાળા પશુઓનું રસીકરણ કરાશે

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે વધુ 3000 રસીના ડોઝ ફાળવતા હવે જિલ્લામાં કુલ રસીનો સ્ટોક 14300 થયો
  • મૃત પશુના નિકાલ માટે જગ્યા નક્કી કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી
  • લમ્પી રોગ મચ્છર અને માખીથી પણ ફેલાતો હોવાથી આરોગ્ય ખાતાને ફોગિંગ સહિતના પગલાં લેવા સૂચન કર્યા​​​​​​​

વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ અંગે સતર્કતા અને કટિબધ્ધતા માટે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને મંગળવારે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી. જેમાં દૂધ મંડળીઓ સાથે સંકલન સાધી પ્રાથમિક ધોરણે પશુપાલકોના દૂધાળા પશુઓ અને રખડતા ઢોરોનું રસીકરણ કરવા માટે સૂચન કર્યું હતું. આ સાથે જ જરૂરીયાત મુજબનો રસીનો સ્ટોક પણ જિલ્લામાં ઉપલબ્ધ કરાવાશે અને તંત્ર આ સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ પગલાં ત્વરિત ધોરણે લઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

દૂધાળા પશુઓનું પ્રાથમિકતાના ધોરણે રસીકરણ કરવાનો નિર્ણય
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસનો એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે જો કે હાલમાં તેની રિકવરી થઈ ગઈ છે. જિલ્લામાં લમ્પી વાઈરસને અટકાવવા માટે પ્રશાસને એકશન મોડમાં આવી જઈ બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેમાં પશુપાલન ખાતાની રોજે રોજની કામગીરીનું રિવ્યુ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે મળેલી બેઠકમાં કલેકટરે ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે, જિલ્લાની દૂધ મંડળીનો સંર્પક કરી દૂધાળા પશુઓનું રસીકરણ પ્રાયોરિટીના ધોરણે થવું જોઈએ. રખડતા પશુઓથી લમ્પી રોગ વધુ પ્રસરી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ ન હોવાથી તેઓનું પણ તાત્કાલિક ધોરણે રસીકરણ થઈ શકે તે માટે વલસાડ અને વાપી નગરપાલિકાને રખડતા પશુઓ પકડવા અને તેઓનું રસીકરણ કરવા માટે પશુપાલન ખાતાને જણાવ્યું હતું.

રસીકરણની કામગીરી પર ભાર મૂકવા આદેશ કરાયો
આ સિવાય ધરમપુર, પારડી અને ઉમરગામ પાલિકાની ટીમને પણ પશુપાલન ખાતા સાથે સંકલન સાધી રસીકરણની કામગીરી પર ભાર મુકવા જણાવ્યું હતું. કલેકટરે વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં અત્યાર સુધી લમ્પી વાયરસના કારણે એક પણ પશુનું મૃત્યુ થયુ નથી પરંતુ જો કદાચ એવી ઘટના બને તો તકેદારીના ભાગ રૂપે મૃતદેહના નિકાલ માટે જગ્યા નક્કી કરી રાખવા માટે જણાવ્યું હતું. લમ્પી વાયરસ મચ્છર, માખી, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાતો હોવાથી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલને મચ્છર અને માખીનો ઉપદ્રવ અટકાવવા માટે ફોંગિગ સહિતના જરૂરી પગલાં લેવા માટે જણાવ્યું હતું.

વધુ ડોઝ આવતા રસીકરણની કામગીરી વેગવંતી બનશે
જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીએ જણાવ્યું કે, જિલ્લામાં અત્યાર સુધી 11300 રસીના ડોઝ ઉપલબ્ધ હતા. હવે મંગળવારે રાજ્ય સરકારમાંથી વધુ 3000 ડોઝ આવતા હાલ જિલ્લામાં 14300 ડોઝ ઉપલબ્ધ છે. જેથી રસીકરણની કામગીરી હવે વધુ વેગવંતી બનશે. વલસાડ જિલ્લા પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક પી.જે.દેસાઈએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં વલસાડ તાલુકાના ભાગડાવડા અને ઉમરગામના ફણસામાં 1 પોઝિટિવ અને 4 શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. જેથી ભાગડાવડાની 5 કિ.મીની અંદર આવતા 12 ગામડામાં અંદાજે 3700 અને ઉમરગામમાં ફણસા ગામની 5 કિમીની અંદર આવતા કલગામ, કાલય અને મરોલી ગામમાં અંદાજે 1000 પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે જિલ્લામાં કુલ 1914 પશુઓનું રસીકરણ કરાયું હતું. વલસાડ જિલ્લામાં કુલ 415 દૂધ મંડળીઓ છે જે પૈકી 5 કિમીની અંદર આવતી મંડળીઓના પશુઓનું સૌ પ્રથમ રસીકરણ કરાઈ રહ્યું છે.

બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલ, વલસાડ પોલીક્લિનિકના મદદનીશ પશુપાલન નિયામક ડો. વિરેન ભૂવા, તાલુકાના પશુ ચિકિત્સક અને લાયઝન અધિકારીઓ, જીવીકેના અધિકારી અને જિલ્લાની તમામ પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...