લોલીપોપ કે ખરેખર સહાય મળશે:105 કરોડ પેકેજની અમલવારી ન થાય તો જિલ્લાના 15 હજારથી વધુ માછીમાર માટે બેરોજગારીનો ભરડો

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના બે વર્ષથી ધંધો ઠપ, બોટના માલિકો, ખલાસીઓ બેહાલ બન્યા
  • તાત્કાલિક અસરથી સાગરખેડૂને ચૂકવણું કરવા માછીમાર મહામંડળ દ્વારા રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી સુધી સહાયની ઘા

છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીમાં બેહાલ બનેલા માછીમારો માટે રાજ્ય સરકારે રૂ.105 કરોડના પેકજની જાહેરાત કરી સહાય આપવાનું નક્કી કરતા વલસાડ જિલ્લાના માછીમારોમાં કહીં ખુશી કહીં ગમ જેવી લાગણી જોવા મળી છે.પેકેજ ભલે આપ્યું પરંતું તેનો તાત્કાલિક અમલ ન થાય તો અર્થહિન ગણાશે કારણ કે ભૂતકાળમાં પણ જાહેરાતો થઇ હતી પરંતું અમલ થયો ન હતો તેવી નિરાશાજનક પ્રતિસાદ જોવા મળી રહી છે. કોરોનાના કારણે માછીમારોનો કરોડોના વાર્ષિક ધંધા ઉપર છેલ્લા બે વર્ષથી ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે.2020 અને 2021ના વર્ષમાં માછીમારો દરિયો ખેડી શક્યા નથી.

ઉપરાંત 18 મેના રોજ અરબી સમુદ્રમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે પણ જિલ્લાની બોટ જે મોડે મોડે ધંધો કરતી હતી તે તમામ બોટ કિનારે લાંગરી દેવામાં આવી હતી.આ મામલે અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી સુધી સહાયની ઘા નાંખી હતી.જેને ધ્યાને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે માછીમારો માટે રૂ.105 કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરતાં માછીમાર આલમમાં આશાનું સંચાર થયું છે,પરંતુ બે વર્ષથી ધંધો ચોપટ થઇ જતાં જિલ્લાની 1200 બોટના માલિકોને આર્થિક ગર્તામાં ધકેલાઇ ગયા છે.

આ સાથે આ તમામ બોટમાં કામ કરતા 15 હજારથી વધુ ગરીબ કુટુંબોમાંથી આવતા ખલાસીઓના પરિવારજનોનાં ભરણપોષણ ઉપર પણ આફતના વાદળો ઘેરાયા છે.આવા સંજગોમાં રાજ્ય સરકારે જે રૂ.105 કરોડના પેકેજ હેઠળ માછીમારો માટે સહાય જાહેર કરી છે તે મુદ્દે વલસાડ જિલ્લાના બોટધારકોમાં કહીં ખુશી કહીં ગમની લાગણી સાથે આ સહાય તાત્કાલિક નહિ ચૂકવાય તો તેનો અર્થ રહેશે નહિ તેવી લાગણી વ્યક્ત કરી છે.

2020માં બોટો 7 મહિના અને 2021માં 2 માસ પહેલા પરત થતાં ભારે આર્થિક નુકસાન થયું
માછીમારોના મચ્છીમારીના ધંધા માટે 1 ઓગષ્ટથી સાગરખેડૂઓ દરિયામાં બોટ લઇને નિકળી જાય છે.પરંતું 2020માં કોરોનાકાળના કારણે સિઝનના 7 મહિના પહેલાં જ બોટ દરિયામાં જઇ શકી ન હતી.2021માં પણ નવ માસ માટે ધંધો કરવા જતી બોટ 2 મહિનામાં જ પરત આવી ગઇ હતી.જેથી ખલાસી,ઇંધણ,ખોરાકી,મેઇન્ટેનન્સ સહિતનો ખર્ચો માથે પડતાં લાખોનું બોટધારકોને નુકસાન થયું હોવાની હૈયાવરાળ ઠલવાઇ રહી છે.

બંદર ન હોવાથી 700 બોટને મુંબઇ, જખૌ, ઓખા સુધી
વલસાડ જિલ્લાની દરિયાઇ પટ્ટી ઉપર મચ્છીમારીનો ધંધો કરતાં માછીમારોની 1200 બોટ પૈકીની 700 બોટ પારકા બંદરોએ ધંધો કરે છે.જેમાં 350 બોટ મુંબઇ ભાઉચા ધક્કા ઉપર ધંધો કરવા લંબાવું પડતા ખર્ચો મોંઘો પડે છે.વલસાડમાં ફિશિંગ બંદર ન હોવાથી ભારે શોષણ થાય છે.ધોલાઇ બંદરે 350,250 બોટ જખો અને 250 બોટ ઓખા બંદરે ધંધો કરવા વલસાડથી નિકળી જાય છે.જેથી બહારના બંદરો પર ધંધો કરવામાં વલસાડના માછીમારોને વધુ ખર્ચો ભોગવવો પડે છે અને પોષણક્ષમ ભાવો મળતા નથી.

ડીઝલના આસમાને પહોંચેલા ભાવોથી વધુ માર પડ્યો
એક તરફ કોરોના મહામારી,બેકારી,નાણાંની ભીંસ ચાલી રહી હતી ત્યાં હાલમાં ડીઝલના 1 લીટરનો ભાવ રૂ.93 સુધી પહોંચી ગયો છે.ડીઝલમાં સતત ભાવોમાં આગ ઝરતો વધારો થઇ રહ્યો છે.જેના કારણે જિલ્લાની 1200 બોટનો ધંધો કરવો મુશ્કેલ થઇ ગયો હોવાનું માછીમારો માની રહ્યા છે.

પેકેજ જાહેર કર્યું તે યોગ્ય પણ અમલ તાત્કાલિક કરે તો જ લાભ
મહામંડળ દ્વારા થયેલી રજૂઆતોના પગલે સરકારે માછીમારો માટે રૂ.105 કરોડની સહાય જાહેર કરી પરંતું તેનો યોગ્ય અમલ તાત્કાલિક ધોરણે ન થાય તો તેનો અર્થ નથી તેવી માછીમારોની લાગણી છે.વલસાડમાં બંદરનો અભાવ,કોરોનાના કારણે બે વર્ષથી ધંધો ઠપ થવાથી ભારે નુકસાન,બેહાલી અને બેરોજગારીનો પ્રશ્ન છે.>દિનેશ ટંડેલ,પ્રમુખ, દ.ગુ.માછીમાર બોટ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...