રેલવે અને પાલિકા તંત્ર આમને સામને:વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અંડરપાસ જરૂરી: કલેકટર ,વાહન વ્યવહાર માટે નહીં વરસાદી પાણી નિકાલનું નાળું: રેલવે

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોગરાવાડીનું ગરનાળું બંધ કરવા મુદ્દે રેલવે-તંત્રની બેઠકમાં હાલ બંધનો નિર્ણય મુલતવી રખાતા 35 હજાર લોકોને રાહત

વલસાડ મોગરાવાડી ઝોનમાં રેલવે અન્ડરપાસને કાયમી ધોરણે બંધ કરવા ગત સપ્તાહે રેલવે સેક્શન અધિકારીએ વિભાગોને પાઠ‌વેલી નોટિસનો મુદ્દો હાલે 35 હજારની વસતી માટે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રશ્નના નિકાલ માટે રેલવે અને પાલિકાના અધિકારીઓ સાથે કલેકટરની બેઠક મળી હતી. જેમાં વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ અન્ડરપાસ ચાલૂ રાખવા રેલવેને તાકીદ કરાઇ છે.

મોગરાવાડી અને અબ્રામા ઝોન, પારડીસાંઢપોરના લોકો રેલવે અન્ડરપાસ ઉપયોગ વર્ષોથી કરતા આવ્યા છે. 11મેના રોજ સિનીયર સેકશન અધિકારીએ પાલિકા, કલેકટર, મામલતદાર, પોલીસ તંત્રને મોગરાવાડી નાળાને કાયમી ધોરણે બંધ કરવા નોટિસ દ્વારા જાણ કરી હતી. જો કે પાલિકા વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ, જિ.પં. વિપક્ષ નેતા ભોલાભાઇ પટેલ, સભ્યો સંજય ચૌહાણ, ઝાકિર પઠાણ, વિજય પટેલ વિગેરે તેમજ મોગરાવાડી, અબ્રામા અને પારડીસાંઢપોર વિસ્તારના લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. જેનો ઉગ્ર વિરોધ થતાં કલેકટર આર.આર.રાવલે ગુરૂવારે પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા, રેલવે અધિકારીઓ, પાલિકા સીઓ જે.યુ.વસાવા, ઇજનેર હિતશ પટેલ સાથે બેઠક બોલાવી હતી. જેમાં આ અન્ડરપાસ 35 હજાર લોકો માટે અવવા જવા માટે જીવાદોરી સમાન હોવાનું પાલિકાએ મુદ્દો ઉઠાવ્યો હતો.

રેલવે અધિકારીઓએ સેફટી ઓડિટ વિભાગનો પત્ર ટાંકીને તેનું પુન: નિર્માણ કરવા અને તેને કાયમી બંધ કરવા અંગે રેલવેના નિર્ણયની રજૂઆત કરી હતી. કલેકટરે અન્ડરપાસ જાહેર સુખાકારીનો પ્રશ્ન છે તેમ જણાવી વૈકલ્પિક સ્ત્રોત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તે ચાલૂ રાખવા તાકીદ કરી હતી.

રેલવે અને પાલિકા તંત્ર આમને સામને
​​​​​​​પાણીના નિકાલ માટે ગરનાળુ હોવાની દલીલ

રેલવે અધિકારીઓના કહેવા મુજબ વલસાડ મોગરાવાડીનું અન્ડરબ્રિજ નં.329 માત્ર પાણીના નિકાલ માટે નાળુ હોવાની દલીલ રજૂ કરાઇ હતી.જો કે કલેકટરે પાલિકા અને કોંગ્રેસ સહિત દ્વારા થયેલી અગાઉની રજૂઆતો ધ્યાને લઇ આ અન્ડરબ્રિજ 35 હજાર લોકો માટે જાહેર સુખાકારીનો જ પ્રશ્ન હોય તેને અગ્રીમતા આપવાનો પ્રશ્ન હોવાની વાતને પ્રાથમિકતા મળે તેવી કેફિયત દર્શાવાઇ હતી.

હજારો લોકોની અવરજવરનો પ્રશ્ન: પાલિકા
વલસાડ નગરપાલિકાના સીઓ જે.યુ.વસાવા અને સિટી ઇજનેર હિતેશ પટેલે બેઠકમાં કહ્યુું કે, આ અન્ડરબ્રિજના માધ્યમથી મોગરાવાડી, અબ્રામા અને પારડી સાંઢપોર વિસ્તારના હજારો લોકોની વર્ષોથી થતી અવરજવર બંધ થાય તો તેમને ભારે મુશ્કેલી પડશે. જેથી તેને કાયમી ધોરણે બંધ કરવા સામે સ્થાનિકોનો વાંધો છે.

બંધ થાય તો 6થી 7 કિમીનો ચકરાવો
વલસાડના મોગરાવાડી અન્ડરપાસને બંધ કરવામાં આવે તો પારડીસાંઢપોર,અબ્રામા અને મોગરાવાડીનો લોકોને રેલવે યાર્ડ થઇ ધરમપુર રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ થઇ શહેરમાં અવરજવર કરવી પડે તેમ છે.છીપવાડ ગરનાળા થઇને પણ વધુ ચકરાવો લેવો પડશે.જેને લઇ આ અન્ડરપાસ જરૂરી હોવાનું મોગરાવાડીના પાલિકા સભ્યો જણાવી રહ્યા છે.

ઓવરબ્રિજ બનાવવાનો મુદ્દો ઉઠ્યો
મોગરાવાડી અન્ડરબ્રિજ નં.329ને જો રેલવે આગળ જતાં કાયમી ધોરણે બંધ કરે તો વૈકલ્પિક ઉકેલ માટે ઓવરબ્રિજ અંગે પણ બેઠકમા મુદ્દો ઉઠ્યો હતો.કલેકટરે આ મુદ્દે પાલિકાને આરએન્ડબી,પોલીસ વિભાગ,જિ.પંચાયત,મામલતદાર સહિતના વિભાગો પાસેથી અભિપ્રાયો મંગાવવાનો સૂઝાવ આપ્યો છે.જેના કારણે આ દિશામાં યોગ્ય રાહે ઉકેલ લાવી શકાય તેવી અપેક્ષા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...