વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાબરખડકમાં ચાલતી સિલ્વર ફૂડ કંપનીમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો મળી આવતાં તેને સીલ કરવામાં આવી હતી. જ્યારે જોગવેલમાં ચાલતી ફ્લોર એન્ડ રાઈસ મિલમાંથી ગેરકાયદેસર અનાજ અને લોટનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જેમાં બિલ વગરનું ગેરકાયદેસર અનાજ લાવી તેને દળીને 5 કિલો અને 10 કિલોના લોટના પેકેટ બનાવી બજારમાં વેચાણ કરાતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે સ્થળ તપાસ હાથ ધરતાં સમગ્ર કિસ્સો સામે આવ્યો છે. પોલીસે બંને સ્થળેથી કુલ રૂ. 60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બાબરખડકમાં આવેલી સિલ્વર એગ્રો ફૂડ પ્રોડક્ટ કંપનીમાં પોલીસે રેડ કરતાં 2676 નંગ 50 કિલો ઘઉંની બોરી જેની કિંમત 32 લાખ 11 હજાર 200 રૂપિયા, 10 કિલો આટા પેકેટ નંગ 510 જેની કિંમત 1 લાખ 93 હજાર 800 રૂપિયા, 25 કિલો આટાના 1128 પેકેટ જેની કિંમત 2 લાખ 25 હજાર 600 રૂપિયા, 25 કિલોના અન્ય 104 નંગ મળી રૂ. 88 હજાર 400 રૂપિયા અને પેકિંગ મશીન મળી કુલ 52 લાખ 48 હજાર 700 રૂપિયાનો ગેરકાયદેસર મુદ્દામાલ કબ્જે કરી કંપની સીલ કરાઈ છે. પોલીસે સીઆરપીસી 102ની કલમ અનુસાર ગુનો નોંધી બે લોકોની અટકાયત કરી છે, જેના બાદમાં તેમનો જમીન પર છૂટકારો થયો છે.
જ્યારે જોગવેલ ખજૂર ફળીયામાં આવેલી જોગવેલ ફ્લોર એન્ડ રાઈસ મિલ ગેરકાયદેસર અનાજનો જથ્થો ભેગો કરી મશીન ઉપર લોટ દળવાની કામગીરી ચાલતી હોવાથી પોલીસે સ્થળ તપાસ કરતાં ઘઉંનો જથ્થો, 5 અને 10 કિલો ઘઉંના લોટના પેકેટ સહિત રૂ. 4 લાખ 56 હજાર 625નો મુદ્દામાલ કબ્જે લીધો છે. તેમજ સીઆરપીસી કલમ 102 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે અગાઉ પણ મામલતદારે જોગવેલમાં રેડ કરતા મોટો સરકારી અનાજનો જથ્થો ભૂતકાળમાં ઝડપાઇ ચુક્યો છે. ઉપરાંત કેસ પણ કરાયો હોવા છતાં ફરીથી આ મિલ કોના ઈશારે ફરી ધમધમી રહી છે જેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જે ફરી પોલીસનો છાપો પડતાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિ ફરી છતી થઈ છે.
કપરાડા- ધરમપુરમાં રાશનના ઘઉ વેચી દે છે
જિલ્લાના બહુધા આદિવાસી વિસ્તાર ધરાવતા કપરાડા અને ધરમપુર તાલુકાના રહીશો ખોરાકમાં ઘઉંનો ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે. રાશન કાર્ડ દીઠ તેમને માત્ર અઢી રૂપિયે કિલો પ્રમાણે દર મહિને 25 કિલો ઘઉં મળે છે. આ ધઉંનો જથ્થો ગામ અથવા નજીકની દુકાનમાં જઇને તેઓ સસ્તા ભાવે વેચી દેતા હોય છે. ધઉંનો જથ્થો ભેગા કર્યા બાદ દુકાનદાર તેના ઉપર પ્રતિ કિલોએ 2થી 3 રૂપિયા વધારીને રાઇસ મિલમાં વેચી દેતા હોય છે.
સરકારી અનાજનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો
વાંસદના ધારાસભ્યએ ગત વિધાનસભામાં વલસાડ જિલ્લામાં પુરવઠા વિભાગની કામગીરીના મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. પુરવઠા વિભાગે કેટલી રેઇડ કરીને કાર્યવાહી કરી છે. જેમાં અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી નરેશ પટેલે કહ્યું હતું કે, એક પણ રેઇડ કરી ન હતી જ્યારે હકીકતમાં ત્રણ છાપા મારવામાં આવ્યા હતા. આમ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં સરકારી ઘઉંના મુદ્દે હમેંશા વિવાદ અને ચર્ચા ઉઠતી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.