તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ:જિલ્લામાં ગણેશ મૂર્તિકારોને વ્યવસાયમાં 75 ટકાનો અસહ્ય ફટકો

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તહેવારની મંજૂરી મળી ત્યાં સુધી મોડું થઇ ગયું, 4 ફુટ સુધીની મૂર્તિ જ માન્ય રહેતા મોટી મૂર્તિ પડી રહી
  • મટિરિયલના ભાવો વધતા આ વર્ષે મૂર્તિના ભાવમાં 30 ટકા વધારો, માટીની 1 થી 4 ફુટની મૂર્તિના ભાવ 500 થી 40 હજાર સુધી ગયા

ચાલૂ વર્ષે પણ ધાર્મિક ઉજવણીઓ થશે કે કેમ તેની ભારે દ્વિધા રહી હતી.સરકારના આદેશ સાથે કલેકટરે પણ વલસાડ જિલ્લામાં મોડે મોડે ગણેશોત્સવની કોવિડ-19ના ચૂસ્ત નિયમો હેઠળ જાહેરનામા દ્વારા મંજૂરી આપી ત્યાં સુધીના દિવસો દરમિયાન મૂર્તિઓ તૈયાર કરી શકાય ન હતી.

4 ફુટ સુધીની મૂર્તિઓ બજારની માગને ધ્યાને લઇને કંડારી નહિ શકતાં ચાલૂ વર્ષે મૂર્તિકારોને વ્યવસાયમાં 75 ટકા જેટલો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. માત્ર 25 ટકાના ધંધા ઉપર મૂર્તિકારો નિર્ભર બન્યા છે. જે થોડો સ્ટોક છે તેમાં હાલે ગણશ મહોત્સવ માટે ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે ગણેશ મૂર્તિના ભાવો પણ વધ્યા છે. ચાલૂ વર્ષે ભક્તોને ગણેશજીની મૂર્તિઓના ભાવોમાં 25 થી 30 ટકાનો વધારો સહન કરવો પડે તેવી સ્થિતિ છે.

કોરોના મહામારી દરમિયાન રો મટિરિયલ્સની શોર્ટેજ અને ભાવમાં થયેલા વધારાની અસર ચાલૂ વર્ષે ગણેશ મૂર્તિના ભાવ પર પડી છે. વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મૂર્તિને કંડારી તેના વેચાણના રૂ.1 કરોડથી વધુના વ્યવસાયમાં અનેક મૂર્તિકારો, કલાકારો, કારીગરોના પરિવારોનું ગુજરાન ચાલે છે. પરંતું છેલ્લા પોણા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ધાર્મિક ઉજવણીઓ પર કોવિડ-19ની ગાઇડલાઇનને લઇ રોક લાગી હતી. આ મામલે અનેક લોકોની રોજગારી ઉપર પ્રશ્નાર્થ સર્જાતા મૂર્તિકાર એસોસિએશન દ્વારા કલેકટર અને ઉચ્ચસ્તરે રજૂઆતો કરે હતી.

આ સાથે ડીજે સંગીત કલાકારોએ પણ કોરાના મહામારીમાં આર્થિક સંકટથી પરિવારજનોના ભરણપોષણ અનેે લોનના વ્યાજ સહિતના મુદ્દા ઉઠાવી ધાર્મિક કાર્યક્રમો, ઉજવણી, ગણેશોત્સવ, લગ્ન સમારંભો માટે કોવિડ-19ના નિયમોને આધિન છૂટ આપવા માગણી કરી હતી. દરમિયાન ખુબ મોડે મોડે સરકારે ગણેશોત્સવની મર્યાદિત પરવાનગી આપી હતી. નિર્ણય લેવામાં મોડુ થઇ જતા મૂર્તિકારો મૂર્તિ બનાવવી કે નહિ, છેલ્લી ઘડીએ હકારાત્મક નિર્ણય થાય તો રોકાણ કરીને બનાવેલી મૂર્તિઓનું વેચાણ થશે કે નહિ જેવા અનેક પ્રશ્નો સપાટી પર આવ્યા હતા.

ગત સપ્તાહે જ સરકારે કોવિડ-19નીની શરતોને આધિન ગણેશોત્સવ માટે મર્યાદિત છુટ આપતા ગણેશ ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. પરંતું ચાલૂ વર્ષે ગણેશ મૂર્તિઓના ભાવોમાં 25 થી 30 ટકાનો વધારો થયો છે. જેના કારણે મૂર્તિ વેચાણ પર પણ અસર થવાની થોડી સંભાવના જોવામાં આવી રહી છે. જો કે હાલમાં જેટલો સ્ટોક છે તે જોતાં હાલ મૂર્તિની માગની સ્થિતિ સારી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

હૈયાવરાળ, ગણેશોત્સવ માટે જાહેરનામુ મોડું બહાર પડાતા ભારે અસમંજસતા સર્જાઇ અને મૂર્તિ બનાવવામાં અવરોધ આવ્યો

કોરોનાથી ધંધો બંધ થતાં સ્ટાફ છુટો કરાયો,જૂની મૂર્તિ ન વેચાઈ
કોરાનાના કારણે સરકારે ગણેશોત્સવની ઉજવણી માટે લોકોની લાગણી ધ્યાને લઇ મોડી મંજૂરી આપી તે પહેલા મૂર્તિકારોએ સ્ટાફ કારીગરોને છુટા કરવા પડ્યા હતા. મૂર્તિઓ બનાવવા માટે ભાડેની જગ્યા લેવી કે નહિ તે પણ પ્રશ્ન હતો. ગત વર્ષે પણ ઉજવણી ન થતાં જે મોટી મૂર્તિઓનો જથ્થો હતો તે પડી રહ્યો છે. કોવિડના નિયમોના કારણે મોડી મૂર્તિઓ વેચી શકાય તેમ નથી.આ બધા પરિબળોથી મૂર્તિકારોનો ધંધો આ વર્ષે પણ ઠપ રહ્યો છે.

સતત બીજા વર્ષે ગણેશ ઉત્સવમાં મૂર્તિકારને નુકસાન
રાજ્ય સરકારે ગણેશોત્સવ માટે હાલમાં જ જાહેરનામુ બહાર પાડ્યું જેના કારણે ભારે અસમંજસતા સર્જાઇ હતી. સરકાર ગણેશોત્સવ માટે છુટ આપશે કે નહિ અને આપે તો કયા પ્રકારની હશે તેવા અનેક પ્રશ્ને મૂર્તિકારોમાં મુંઝવણો હોવાથી મૂર્તિ બનાવવાની કામગીરીમાં અવરોધ આવ્યો હતો. ભાવ વધારા સાથે મટિરીયલ ખરીદીને મૂર્તિ બનાવવામાં આવે અને સરકાર કોઇ નિર્ણય ન લે તો મૂર્તિકારોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે તેવા પ્રશ્ન સર્જાયા હતા.

મટિરિયલના ભાવ વધતા મૂર્તિ બનાવવાનું જોખમ ન લીધું
કોરોનાને લઇ ગણેશ ઉજવણીની મંજૂરી નક્કી ન હતી.એક ધારણા મુજબ કદાચ મંજૂરી મળે તો ભક્તોની માગણી મુજબની સંખ્યામાં આ વર્ષે કદાચ મૂર્તિ બનાવવી કે કેમ તેવો પણ પ્રશ્ન ઉઠતા નવી મૂર્તિઓ છુટથી બનાવવાનું જોખમ લેવાનું મૂર્તિકારોએ ટાળી દીધું હતું. છેલ્લા દોઢ વર્ષથી ધાર્મિક ઉજવણીની અનિશ્ચિતતા, રો મટિરીયલનો અભાવ અને તેના વધુ ભાવો,માલની શોર્ટેજના કારણે આખું વર્ષ મૂર્તિ કંડારવાના વ્યવસાય પર અસર પડી છે.

ગણેશ મૂર્તિઓની ડિમાન્ડ વધી પણ ધંધામાં ભારે ફટકો લાગ્યો છે
હાલે મૂર્તિઓની ડિમાન્ડ વધી રહી છે.કોરોનાના વર્ષ દરમિયાન ટ્રાન્સપોર્ટેશનમાં અવરોધ, જરૂરી મટિરિયલ્સની શોર્ટેજ, ડીઝલ પેટ્રોલના ભાવો વધારો,સરકારની ગાઇડલાઇનની અનિશ્ચિતતા જેવા પરિબળોને લઇ મૂર્તિકારોને મૂર્તિ બનાવવા માટેના મટિરીયલ્સની ખરીદવામાં મુશ્કેલી નડતાં આ વખતે મૂર્તિઓ ઓછી બનાવાઇ છે. જેને લઇ 75 ટકા આર્થિક ફટકો પડ્યો છે. હાલે મર્તિઓની ઇન્કવાયરી આવી રહી છે પણ માગ મુજબની સંખ્યામાં મૂર્તિઓ બનાવવી મુશ્કેલ છે. - સુરેશભાઇ વાઘવનકર,પ્રમુખ,મૂર્તિકાર એસોસિએશન,વલસાડ

અન્ય સમાચારો પણ છે...