ઓનલાઈન સટ્ટો:પાકિસ્તાન અને આફ્રિકા મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા- રમાડતા 3ની વાપીથી ધરપકડ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આઇડી આપનાર 2ને પણ ઝડપ્યા, કુલ રૂ.17,430નો મુદ્દામાલ કબજે

વાપી જીઆઇડીસી પોલીસ ગુરૂવારે વાહન પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન આપોકો હારીશ કમરૂલ ખાનને બાતમી મળી હતી કે, એક ઇસમ પાકિસ્તાન અને સાઉથ આફ્રીકા વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ થકી ઓનલાઇન સટ્ટો રમી રહ્યો છે.

જેથી તાત્કાલિક જીઆઇડીસી ઓવરબ્રીજ સામે આવેલ બોસ્ટન ટી નામની દુકાન પાસે પહોંચતા બાતમીવાળો ઇસમ મોબાઇલમાં કંઇક રમતો નજરે પડ્યો હતો. પોલીસે શંકાસ્પદ ઇસમને પકડી પાડી મોબાઇલમાં ચકાસણી કરતા તે પાકિસ્તાન અને સાઉથ આફ્રીકાની ટી-20 વર્લ્ડ કપ-2022 ક્રિકેટ ઉપર ઓનલાઇન સટ્ટા બેટીંગનો રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયો હતો.

પકડાયેલા આરોપી કેયુમકરન હુસેન ચૌધરી ઉ.વ.29 રહે.બલીઠા જીઇબી બોર્ડની પાછળ વાપી પાસેથી પોલીસે રોકડા રૂ.12,430 અને એક ફોન કિં.રૂ.5,000 મળી કુલ રૂ.17,430નો મુદ્દામાલ કબજે લઇ પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, આ આઇડી તેણે ચલા ઇમ્પિરિયલ ટાવર ખાતે રહેતા નિરવ નવીનચન્દ્ર શાહ પાસેથી ખરીદી હતી અને તેની સાથે મેચનું જીવંત પ્રસારણ ચાલુ હોય આ સટ્ટો રમી રહ્યો હતો.

આ આઇડી નવીન શાહ પાસેથી તેણે રૂ.15,000 રોકડા આપી દર સોમવારે નિરવ સાથે તેનો હિસાબ કરતો હોય છે. આ કેસમાં પોલીસે તપાસ કરતા આઇડી આપનાર નિરવ શાહની સાથે અન્ય આઇડી આપનાર એક આરોપીની પણ મોડી રાત્રે ધરપકડ કરી ત્રણેય ઇસમો સામે જુગારધારા એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ચૂંટણી જાહેર થતા સટોડિયા સંઘપ્રદેશ તરફ વળ્યા
ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં જ સટોડિયાઓ હવે મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દમણ અને દાનહ તરફ વળ્યા છે. જોકે ગુજરાતમાં પણ આ એક્ટિવિટી ચાલુ હોય આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. આમ પણ દમણ ઓન લાઇન અને ઓફ લાઇન સટ્ટા માટે બદનામ છે. અહીં ની કેટલીક હોટેલોમાં ખુલ્લે આમ સટ્ટા રમાતા હોવાનું અનેક વખત પુરવાર થયું છે.

અન્ય સમાચારો પણ છે...