ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા આદિવાસી સમાજની રાજનીતિ ગરમાઈ છે. છેલ્લા કેટલાય સમયથી આદિવાસીઓને સાથે રાખી વિવિધ મુદ્દે આંદોલન છેડનાર વાંસદાના કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને આદિજાતિ મંત્રી નરેશ પટેલ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો હતો. નરેશ પટેલે કહ્યું હતું કે, અનંતમાં તાકાત હોય તો કૉંગ્રેસનો ખેસ પહેરી આંદોલન કરે. આ મામલે અનંત પટેલે વળતો પ્રહાર કરતા કહ્યું કે- મંત્રીમાં તાકાત હોય તો ભાજપના ખેસ વગર કાર્યક્રમ કરી બતાવે.
વલસાડના પારડીના અંબાચ ખાતે આવેલી ક્વોરી બંધ કરાવવા આવેદનપત્ર પાઠવવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આવ્યા હતા. રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલે કહ્યું હતું કે, અનંત પટેલ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે. જો તેમનામાં તાકાત હોય તો કૉંગ્રેસનો ખેસ પહેરી આંદોલન કરવાનો પડકાર ફેંક્યો હતો.
આ મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વળતો જવાબ આપતા કહ્યું હતું કે, મારે મંત્રીની સલાહની જરુર નથી. મારે ક્યાં વિરોધ કરવો તે નક્કી કરવાનો મને અધિકાર છે. મને સલાહ આપનાર મંત્રીએ ભાજપનો ખેસ પહેર્યા વગર કાર્યક્રમ કરી બતાવે.
વલસાડ જિલ્લામાં પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટને લઈ આંદોલનના મંડાણ થયા હતા. આદિવાસીઓના ભારે વિરોધના પગલે સરકારે પીછેહઠ કરવાની ફરજ પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.