તંત્રની કામગીરી સામે રોષ:વલસાડના કપરાડામાં આદિવાસી પરિવારના મકાનનું ડિમોલીશન થતા આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યવાહી કરનાર સર્કલ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગિરનારા ગામે થોડા દિવસ અગાઉ તંત્ર દ્વારા ગરીબ આદિવાસી પરિવારનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું ..સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાન બનાવવામાં આવ્યું હોવાનું બહાનું ધરી અને કપરાડા સર્કલ અધિકારીએ મકાન તોડી પાડતાં સમગ્ર આદિવાસી સમાજમાં રોષ વ્યાપ્યો હતો.. આજે આ મુદ્દે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એ કપરાડામાં હલ્લાબોલ કર્યું હતું.

કપરાડામાં એક જાહેરસભા સંબોધ્યા બાદ રેલી યોજાઇ હતી .આ હલ્લાબોલમાં વલસાડ જિલ્લાના આદિવાસી અને કોંગ્રેસ અગ્રણીઓ અને પીડિત પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સભા સંબોધ્યા બાદ રેલી સ્વરૂપે આદિવાસી સમાજ કપરાડા મામલતદાર કચેરી પહોંચ્યો હતો. જ્યાં આ મામલે કપરાડા મામલતદારને આવેદનપત્ર આપી આદિવાસી પરિવારનું મકાન તોડી પાડનાર સર્કલ અધિકારી અમિત સોલંકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો સર્કલ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી નહી કરવામાં આવે તો થોડા દિવસ બાદ ફરી એક વખત આદિવાસી સમાજ આ મુદ્દે કપરાડામાં ઉગ્ર આંદોલન કરશે એવી પણ ચીમકી અનંત પટેલ અને આદિવાસી સમાજે ઉચ્ચારી હતી. આથી હવે ચૂંટણીના વર્ષમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગિરનારા ગામમાં આદિવાસી પરિવારના તોડી પાડવામાં આવેલા મકાનનો મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અને આ મુદ્દે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. તો આવનાર સમયમાં આ મુદ્દો વધુ ગરમાય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...