નવસારીમાં ગતરોજની જેટકોના કર્મચારીઓના વિવિધ પશ્ને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજાવાની હતી. પરંતુ પોલીસ પરમિશન ન મળતા રેલી મોફૂક રખાઈ હતી, જોકે, આ રેલીને લઈ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ત્યારે ધારાસભ્ય અનંત પટેલને અટકાયત સમયે પોલીસે ગળું દબાવી ધક્કો મારી ગાડીમાં બેસાડ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જેને લઈ સમગ્ર આદિવાસી સમાજમાં ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજરોજ નવસારી પોલીસના વિરોધમાં જનઆક્રોશ રેલી વલસાડ જિલ્લાના ધરમપુરમાં કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા. આદિવાસી સમાજના લોકોએ આ અંગે મામલતદારને આવેદન પત્ર પણ પાઠવ્યું છે.
ગતરોજ જેટકોના કર્મચારીઓ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજના આગેવાનો નવસારી ખાતે રેલી યોજવાના હતા. જોકે, રેલી પેહલા જ નવસારી પોલીસે તમામની અટકાયત કરી હતી. આ સમયે આદિવાસી સમાજના આગેવાનો તેમજ જેટકોના કર્મચારીઓ અને વાંસદાના ધારાસભ્ય સહિતનાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં ધારાસભ્ય અનંત પટેલને ગળું દબાવી ધક્કો મારી પોલીસે ગાડીમાં બેસાડી ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પોલીસે અન્ય આગેવાનો સાથે પણ ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારે આજરોજ નવસારી પોલીસ ના એલસીબી પી આઈના વિરોધમાં ધરમપુર ખાતે કાળા વાવતા સાથે સુત્રોચ્ચાર કરી પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાની માગ કરી આદિવાસી સમાજે રેલી કાઢી હતી. તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.