સુવિધામાં વધારો:વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ 4.18 કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું લોકાર્પણ કર્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપી GIDCના કામદારો માટે 6 રૂટ ઉપર 34 નવી ટ્રીપ શરૂ

ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે આજે 4 18 કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીએ એશિયાની સૌથી મોટી વાપી જીઆઈડીસીમાં નોકરી કરતા કર્મચારીઓને આવવા જવામાં સરળતા રહે તે માટે કર્મયોગી રથના ખાસ નામથી વિવિધ બસ ડેપોમાંથી વધારાના 6 રૂટ ઉપર 34 ટ્રીપની બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કર્મયોગી રથના રૂટમાં હાલમાં પ્રાથમિક ધોરણે વલસાડ, ધરમપુર, વાપી, દમણ, ઉમરગામ, નારગોલ, ખેરગામ, બીલીમોરા અને ચીખલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

25 લાખ લોકો એસટી સેવાનો લાભ લે છે
ઉદઘાટન પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ નવીન બસ ડેપોને જાહેરજનતાના લાભાર્થે ખુલ્લું મૂકી અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, બસનું માધ્યમ ગુજરાતમાં પરિવહન માટે ખૂબ મોટું અને મહત્વનું અંગ છે. એટલે જ સમગ્ર ભારતમાં એરપોર્ટ જેવી વિવિધ સુવિધાયુક્ત બસ ડેપોના ગુજરાતભરમાં નિર્માણ થયા છે. તેવી જ રીતે આ નવીન બસ ડેપો પણ અનેક સુવિધાથી લોકોની સેવા કરવા માટે સજ્જ છે. સરકારનું ધ્યેય દરેક તાલુકા કક્ષાએ તમામ સુવિધા ધરાવતા નવીન બસ ડેપોનું નિર્માણ અને ડેપોનું નવીનીકરણ કરવાનું છે જે કાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે. કર્મયોગી રથ શરૂ કરતાં કર્મચારીઓને નોકરી માટે આવન-જાવનમાં સરળતા થશે. આ એક સિદ્ધિ જ છે કે સમગ્ર દેશમાં ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે કે જે ચારેય કનેક્ટિવટી જેવી કે હવાઈ, રેલવે, દરિયાઈ અને માર્ગની સુવિધા ધરાવે છે. ગરીબો માટે એસટી બસ સુવિધાનું એક સાધન છે જે સરકાર સેવાના કાર્ય તરીકે કરી રહી છે. તેથી જ ગુજરાતમાં એક દિવસમાં 25 લાખ લોકો એસટી બસ સેવાનો લાભ લઈ મુસાફરી કરી રહ્યા છે. લોકોની સુવિધા વધારવા માટે જ વડોદરા મુંબઈ એકસપ્રેસ-વેનું કામ સમયસર થઈ રહ્યું છે. તેમજ બુલેટ ટ્રેનનું કામ પણ પૂરઝડપે ચાલી રહ્યું છે. આ તબક્કે મંત્રીએ ઉમરગામથી નારાયણ સરોવર સુધી દરિયાઇ પટ્ટીમાં 10 મીટર પહોળા કોસ્ટલ હાઇવે નિર્માણનું આયોજન કરાઇ રહ્યું હોવાનું વધુમાં જણાવ્યું હતું.

બંધ કરાયેલી બસ સેવા શરૂ કરાશે
નવીન બસ ડેપોના ઉદઘાટન કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્ય ભરતભાઈએ પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લાના લોકોને અભિનદન આપતા કહ્યું હતું કે, આ ડેપોથી સમગ્ર વલસાડ જિલ્લાના લોકોને લાભ થશે. આ નવા ડેપોની ફાળવણી માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. તેમજ તેમણે એસટી વિભાગને જે ગામોમાં બસ બંધ થઈ ગઈ છે તે તમામ ગામોમાં ફરીથી બસ સેવા શરૂ કરવા જણાવ્યું હતું.

આ લોકો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે વલસાડ સાંસદ ડૉ. કે.સી.પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ કમલેશસિંહ ઠાકોર, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સંગઠન મહામંત્રીઓ શિલ્પેશ દેસાઇ અને કમલેશભાઈ પટેલ, એસટી નિયામક બી.એસ. શર્મા, એસટીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

નેશનલ હાઇવે પર ટ્રાફિકનું ભારણ ઘણું ઘટશે
વલસાડ જિલ્લામાં પસાર થતી બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે અને કોસ્ટરલ હાઇવે સહિતના વિકાસના કામો થઈ રહ્યા છે. વલસાડ જિલ્લા ના લોકોને પણ તેનો લાભ મળશે. એક્સપ્રેસ હાઇવે અને કોસ્ટલ હાઇવે બનવાથી નેશનલ હાઇવે 48 ઉપર ટ્રાફિકનું ભારણ ઘણું ઘટશે. જિલ્લાના પર્યટક સ્થળોને વિકસાવવા પ્રયત્ન શીલ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. એસટી બસને મળતા મોંઘા ડીઝલ અંગે વાતને ટાળી દીધી હતી અને પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જણાવ્યું હતું. રાજ્યના એસટી ડેપોની તમામ બસ ખાનગી પેટ્રોલ પમ્પ ઉપર પેટ્રોલ ડીઝલ ભરવવા જતી હોવાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેથી વહેલી તકે સમસ્યા દૂર કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી.

.

અન્ય સમાચારો પણ છે...