હાશ...આખરે માર્કેટમાં દર્શન:વલસાડ APMCમાં અખાત્રીજના દિને અટકી ગયેલા કેરી સીઝનના મુહૂર્ત વેપારીઓએ કર્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 મે અખાત્રીજે કેરી માર્કેટમાં ન આવતાં વેપારીઓમાં વિમાસણમાં હતા, 200 મણ સુધીની આવક સાથે મુહૂર્તવિધિ કરાઇ

જિલ્લામાં ચાલૂુ વર્ષે ફ્લાવરિંગ કાળ દરમિયાન પ્રતિકૂળ હવામાન અને છેલ્લા તબક્કામાં ગરમીથી નુકસાન થતાં 20 ટકાથી પણ કેરીનો પાક ઓછો થયો છે.જેને લઇ વેપારીઓ અને ખેડૂતોમાં જોઇએ તેવો ઉત્સાહ જોવા મળ્યો નથી.હાલમાં ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે હજી આંબાવાડીઓમાં મોડેથી તૈયાર થઇ રહેલા કેરીના પાકને બેડવાની કામગીરી ધીમી ગતિ પકડી રહી છે.શુક્રવારે એપીએમસી માર્કેટમાં નવી સિઝનની બાકી રહેલી મુહૂર્તવિધિ પૂરી કરવામાં આવી હતી.

આ વર્ષે પાક મોડો પડતાં અખાત્રીજના દિને 3 મેના રોજ થતી ખાતમુહૂર્તવિધિ અટકી ગઇ હતી. વેપારીઓ અને ખેડૂતોના અંદાજ મુજબ 20 મે સુધીમાં પહેલા ફાલનો પાક તૈયાર થવાની નજીક પહોંચી જશે તેવી ધારણાં હતી.જેને લઇ વેપારીઓએ થોડા જથ્થામાં તૈયાર થયેલો પાક આંબાવાડીમાંથી ઉપાડવામાં આવ્યો હતો.જેને લઇ શુક્રવારે 20 મેના રોજ વલસાડ એપીએમસી માર્કટમાં વેપારીઓએ મુલતવી રખાયેલી મુહૂર્તવિધિ સંપન્ન કરી હતી.વલસાડ એપીએમસી માર્કેટમાં હાલમાં ખુબ થોડા પ્રમાણમાં કેરીની આવક થઇ રહી છે.

જેને લઇ બજારે હજી વેગ પકડ્યો નથી.અખાત્રીજે કેટલાક વેપારીઓએ 50 કે 100 કિલો માલથી મુહૂર્ત કર્યા હતા.પરંતું મોટો વેપારીઓ ફુલ સિઝનની રાહ જોઇને બેઠા હતા.હવે 8થી 10 દિવસમાં માર્કેટ વધુ વેગ પકડશે તેવું મનાઇ રહ્યું છે.જો કે કેરીનો પાક ચાલૂ સિઝનમાં 25 ટકાથી પણ ઓછો હોવાથી હાલમાં સારી ગુણવત્તા ધરાવતી કેરીના ભાવો ક્વોલિટી મુજબ રહેશે,જેમાં સારી કેરીના ભાવો ઉંચા રહેશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.હાલમાં કેરીનો પાક આંબાવાડીઓમાંથી 200થી 300 મણ છુટો છવાયો આવી રહ્યો છે.જેને લઇ માલની રાહ જોઇ રહેલા એપીએમસી માર્કેટના વેપારીઓમાં થોડી હિલચાલ વધી રહી છે.

ગુણવત્તા મુજબ કેસર મણદીઠ રૂ.1400
વલસાડ એપીએમસી માર્કેટમાં જૂની ગણાતી આર.આર.મિશ્રા પેઢીમાં 200 મણ કેસરનો જથ્થો ઠલવાયો હતો.કેસરથી મુહૂર્ત કરાયું હતું. અખાત્રીજે મુહૂર્ત માટે પૂરતો જથ્થો મળતા 20 મે શુક્રવારે સવારે વિધિસર મુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં કેસરની સારી ક્વોલિટીના માલનો પ્રતિમણ(20 કિગ્રા)નો ભાવ 1400 સુધી બોલાયો હતો.

સિઝન લંબાતા મુહૂર્તવિધિ પણ મુલતવી રહી હતી
સામાન્ય રીતે દર વર્ષે 3 મેના રોજ અખાત્રીજના દિવસે કેરીના વેપારનો શુભમુહૂર્ત હોય છે.જેમાં આ દિને જ વેપારીઓ મોટા પ્રમાણમાં કેરીનો પાક ઠાલવે છે. ખેડૂતોની આંબાવાડીમાંથી માલ ઉતારી માર્કેટમાં મુહૂર્ત કરવામાં આવે છે.પરંતું આ વર્ષે અખાત્રીજે પણ શુભ મુહૂર્ત માટે પૂરતા પ્રમાણમાં પાક તૈયાર થઇ શક્યો ન હતો જેને લઇ મોટા વેપારીઓના અખાત્રીજના મુહૂર્ત અટકી
ગયા હતા.

કેસર, હાફુસના ભાવો ગત વર્ષ કરતાં ઉંચા
​​​​​​​ગત વર્ષે 15 મેના રોજ કેસર,હાફુસ,રાજાપૂરીના ભાવ રૂ.1100થી 1200 બોલાયા હતા. આ વર્ષે હવામાનની અસરથી પાક 20 ટકા સુધી જ રહ્યો છે.અમુક ખેડૂતોની આંબાવાડીઓમાં 10 ટકા જ માલ ઉભો છે.જેથી 20 મેના રોજ મુહૂર્તના દિને કેસરનો ઉચ્ચ ક્વોલિટીનો મણ દીઠ રૂ.1400 રહ્યો. સરેરાશ ક્વોલિટી મુજબ ગુણવત્તા પ્રમાણે ભાવ રહ્યા હતા.હાફુસના ભાવો પણ પાકની ગુણવત્તાના આધારે રૂ.700થી રૂ.1500 વચ્ચે રહ્યા હતા.રાજાપૂરી મણદીઠ 600 થી 800 વચ્ચે રહી હતી.

આંબાવાડીઓમાં બેડવાની શરૂઆત
કેરીનો પાક ખુબ ઓછો હોવાના કારણે જે પાક હાલમાં તૈયાર થયો છે તે બેડવાની કામગીરી આંબાવાડીઓમાં શરૂ થઇ રહી છે.માર્કેટમાં શુક્રવારે આંબાવાડીમાંથી ઉતારવામાં આવેલા કેરીના પાકને ઠાલવવામાં આવ્યો છે.પાકનું પ્રમાણ ઓછું હોવાથી ઓછી માત્રામાં જથ્થો માર્કટમાં લાવીને મુહૂતવિઘિ કરાઇ છે. > આશુતોષ મિશ્રા,વેપારી,એપીએમસી

અન્ય સમાચારો પણ છે...