વલસાડ જિલ્લામાં ઉમેદવારીપત્રો ભરવાના આજે છેલ્લા દિવસે જિલ્લાની 5 વિધાનસભાની બેઠક ઉપર કેટલા મૂરતિયાં સામે આવ્યા છે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.હવે બાકી રહેલા ઉમેદવારો સોમવારે 14 નવેમ્બરે ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉમેદવારી પત્રો રજૂ કરશે.જેમાં કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો નામાંકન પત્રો ભરશે.આ સાથે ધરમપુરમાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ માજી સાંસદ કિશન પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાતા અલ્પેશ પટેલની ટિકિટ કપાઇ છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 5 નવેમ્બરે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કર્યા બાદ ઉમેદવારીપત્રો સ્વીકારવાની પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી.આ દરમિયાન જિલ્લાની તમામ 5 બેઠક ઉપર મોવડીમંડળ દ્વારા તમામ વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરતાં આ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરી દીધાં હતા.જ્યારે કોંગ્રેસના ઉમરગામ કપરાડા અને પારડીના ઉમેદવારોએ નામાંકન પત્રો ભર્યા હતા.
જો કે ધરમપુરમાં ટિકિટના મુદ્દે મડાગાંઠ સર્જાતા મોવડીમંડળ જાહેરાત કરે તે પહેલા જ કિશન પટેલે ઉમેદવારી પત્ર ભરી દીધું હતું.બીજી તરફ વલસાડ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારો પૈકી રાબડા ગામના યુવાન કમલ પટેલના નામની જાહેરાત કરાતા તેઓ સોમવારે ઉમેદવારીપત્ર ભરશે અને વલસાડના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ પટેલ (રાજૂ મરચાં) પણ નામાંકન પત્ર રજૂ કરશે.
જિલ્લામાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી માટે ત્રણ રાજકીય પક્ષો વચ્ચે જંગ લડાઇ રહ્યો છે. જોકે, આ બધા વચ્ચે પાંચ બેઠક ઉપર કેટલાકએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે. સોમવારે સાંજે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
12 ફોર્મ ભરાયા હતા,આજે બાકીના ઉમેદવારો ફોર્મ ભરશે
વલસાડ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે શુક્રવાર શનિવાર સુધીમાં 72 ફોર્મ ઉપડ્યા હતા.જેમાં ભાજપ,કોંગ્રેસ,આમ આદમીપાર્ટી અ્ને અપક્ષ મળી 12 ફોર્મ ભરાયા હતા.હવે બાકીના ઉમેદવારો કેટલા છે તેનું ચિત્ર સોમવારે સ્પષ્ટ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.