• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Three People, Including A Lawyer, Were Arrested For Extorting Money From Marble Companies By Blackmailing Them In Dadra Nagar Haveli

ધરપકડ:દાદરા નગર હવેલીમાં માર્બલ કંપનીઓન બ્લેકમેઈલ કરી પૈસા પડાવતા વકીલ સહિત ત્રણ ઝડપાયા

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્બલ કંપની પાસેથી રૃા. 5 લાખની ખંડણી સ્વીકારતાં આરોપીને તેના જ ઘરેથી રંગેહાથે ઝડપી, પુત્ર અને વકીલને પણ જેલભેગા કરાયા

વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારમાં આવેલી માર્બલ કંપનીઓને ખેતીની જમીનમાં માર્બલનો કચરો નાંખતા હોવાની નોટિસ ફટકારી રૂપિયા ઉસેડતી પિતા-પુત્ર અને વકીલની ટોળકીને જેલભેગી કરવામાં આવી છે. RTI હેઠળ માહિતી મેળવી માર્બલ કંપનીઓને બ્લેકમેઈલ કરી લાખોની વસુલાત કરતાં હોવાની બુમરાણ માર્બલના વેપારીઓમાં ઉઠી હતી. ઘટના અંગે દાદરા નગર હવેલીના પોલીસ મથકે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે દાદરા નગર હવેલીની ટીમે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. દાદરા નગર હવેલી પોલીસને મળેલી ફરિયાદના આધારે તેઓએ ગોઠવેલા છટકામાં ટોળકી પૈકી પિતા તેના ઘરે જ ફરિયાદી કંપની પાસેથી રૂ. 5 લાખ સ્વીકારતાં ઝડપાઈ ગયો હતો. જેને પગલે પોલીસે તેના પુત્ર તેમજ ખંડણીખોરીમાં સામેલ વકીલને પણ જેલભેગો કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારમાં મોટી સંખ્યામાં માર્બલ ઉદ્યોગ આવેલા છે. આ ઈટાલિયન માર્બલનું કામકાજ કરતા ઉદ્યોગોમાં માર્બલ કટિંગ તેમજ પોલિશિંગ વખતે નીકળતા માર્બલ સ્લરીનો યોગ્ય રીતે નિકાલ કરતાં હોય છે. જોકે ઘણી કંપનીઓ ગમે ત્યાં તેનો નિકાલ કરી દેતી હોય છે. જેનો લાભ અમુક લેભાગુ તત્વો પણ ઉઠાવતાં હોય છે. નરોલી વિસ્તારમાં આવેલી માર્બલ કંપનીઓ પાસેથી રૂપિયા ઉસેડવાનો આ એક મુદ્દો અસામાજિક તત્વોને મળી ગયો હતો. જેને લઈને દાદરા નગર હવેલીના માર્બલ કંપની સંચાલકોને કનડગત કરતા લેભાગુ લોકોથી ત્રસ્ત થઈ ચૂક્યા હતા. નરોલી માર્બલ કંપની સંચાલક અને નરોલીના હવેલી ફળિયામાં રહેતાં પૃથ્વીરાજ અશોકસિંહ રાઠોડ અને અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડે સેલવાસ ખાતે રહેતાં વિશાલ કનૈયાલાલ શ્રીમાળી સાથે મળી માર્બલ કંપનીઓ ખેતીની જમીનમાં માર્બલ સ્લરીનો નિકાલ કરતાં હોવાની કંપનીઓને નોટિસ ફટકારતાં હતા. કંપનીઓને વારંવાર નોટિસ ફટકારી તેઓને પૈસા નહીં ચુકવે તો કાયદાકીય પગલાંનો સામનો કરવા તૈયાર કરવાની ધમકી આપવામાં આવતી હતી.

નરોલી વિસ્તારની જ એક માર્બલ કંપની પાસેથી રૂ.5 લાખની ખંડણી માંગવામાં આવતાં કંપનીના સંચાલક દ્વારા સેલવાસ પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે ગઈકાલે સેલવાસ પોલીસ દ્વારા ઉદ્યોગ સંચાલકોને ખોટી રીતે કનડગત કરીને ખંડણીની માંગણી કરનાર આરોપીઓને ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આરોપી અશોકસિંહ રાઠોડ તેમના જ ઘરે કંપની સંચાલક પાસેથી કાયદાકીય પગલાંનો સામનો નહીં કરવા બદલ રૂ.5 લાખની ખંડણી સ્વીકારતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેની વધુ તપાસમાં બ્લેકમેઈલ કરી પૈસા ઉસેટવાના કાવાદાવામાં તેનો પુત્ર પૃથ્વીરાજ અને વકીલ વિશાલ શ્રીમાળી પણ સંડોવાયેલો હોવાનું બહાર આવતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.

આરોપી અશોકસિંહ રાઠોડ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેની સામે વર્ષ 2007માં પણ આઈપીસી કલમ 451, 323, 504 અને 506 હેઠળ ગુનો નોેંધાઈ ચુક્યો છે. જ્યારે પૃથ્વીરાજ રાઠોડ એલએલબીના ફાયનલ વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જ્યારે વિશાલ શ્રીમાળી વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...