વલસાડના રોલા હાઇવે પર એક બાઇક અચાનક સામેથી આવી જતાં જુનાગઢથી આવતી બસના ડ્રાઇવરે બાઇકચાલકને બચાવવાના પ્રયાસમાં કાબૂ ગુમાવી દેતા બસ પેટ્રોલ પંપ તરફ ધસી ગઇ હતી.જ્યાં ઉભેલી એક કારને ટક્કર લાગી હતી.જ્યારે નજીકની પાળી પર બેઠેલી 2 મહિલાને નાનીમોટી ઇજા પહોંચી હતી.જો કે કોઇ મોટી જાનહાનિ થઇ ન હતી.
વલસાડ તાલુકાના રોલા હાઇવે પરથી સવારે 11.30ના સુમારે ઓલપાડની એક બસ પસાર થઇ રહી હતી ત્યારે સામેથી અચાનક પૂર ઝડપે એક બાઇકચાલક આવી ચઢતાં બસ ચાલકે તેને બચાવવાના પ્રયાસમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં એસટી બસ નજીકના પેટ્રોલ પંપ તરફ ધસી ગઇ હતી.
જ્યાં ઉભેલી એક કારને પાછળથી ટક્કર માર્યા બાદ પાકી પાળી તરફ હંકારી દેતા ત્યાં બેઠેલી 3 મહિલા માલતી સતીષ નાયકા અને વનિતા નાથુ નાયકા,બંન્ને રહે.વલસાડપારડી ટેકરા ફળિયા તથા શીતલ વિનુભાઇ રાઠોડ,રહે.ભદેલીનાઓને સામાન્ય ઇજા પહોંચી હતી.કારચાલક યશ ધીમંત મસરાણી રહે.ડુંગરીનાને પણ થોડી ઇજા અને કારને થોડું નુકસાન થયું હતું.
આ સાથે એસટી બસને પણ નુકસાન પહોંચ્યું હતું.આ મામલે સમાધાનના પ્રયાસો કરાયા હતા,પરંતુ કારચાલકે છેવટે એસટી ચાલક જગદીશ ગોવિંદભાઇ રાઠોડ,રહે.ઓલપાડ એસટી ડેપો સામેના વિરૂધ્ધ નુકસાનીની ફરિયાદ નોંધાવતા ડુંગરી પોલીસે ડ્રાઇવરની અટક કરી હતી.હાઇવે ઉપર પુરપાટ ઝડપે દોડતા વાહનો અકસ્માત નોતરી રહ્યા છે. ખાસ કરીને ઓવરસ્પીડને લઇ ચાલક કાબૂ ગુમાવી બેસતા અકસ્માતો બની રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.