પેટાચૂંટણી:વલસાડ પાલિકાની પેટાચૂંટણીનું આજે પરિણામ, BJPને સત્તા માટે 2ની જરૂર

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવાબાઈ સ્કૂલમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, ભાજપને ઓછી બેઠક મળે તો વિપક્ષ વધુ મજબૂતીથી શાસકપક્ષને હંફાવશે

વલસાડ પાલિકાના 4 વોર્ડમાં ખાલી પડેલી 5 બેઠકની પેટાચૂંટણી રવિવારે યોજાઇ ગયા બાદ મંગળવાર 5 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ પેટાચૂંટણીમાં જો ભાજપને ઓછી બેઠક મળે તો વિપક્ષ વધુ મજબૂતીથી શાસકપક્ષને હંફાવશે અને જો વિપક્ષને ઓછી બેઠક મળે તો ભાજપને વાંધો આવે તેમ નથી તેવા તર્ક લગાવાઇ રહ્યા છે. જોકે આ પેટાચૂંટણીમાં કોનો ભવ્ય વિજય થશે તે મુદ્દે ભારે ઉત્સુકતાનો માહોલ સર્જાયો છે.

વલસાડ પાલિકાના ભાજપના 2 અને અપક્ષના 2 સભ્યને ગત માર્ચમાં ગુજરાત મ્યુનિસિપલ કમિશ્નરે શિસ્તભંગના કેસ હેઠળ સભ્યપદેથી દૂર કરી દીધા હતા. આ ઉપરાંત વોર્ડ નં.1માં ભાજપના એક સભ્યનું કોરોનાથી મૃત્યું થયું હતું. આમ વલસાડ નગરપાલિકાની 5 બેઠક ખાલી પડી હતી. પાલિકાની કુલ 44માંથી 5 સભ્યની બેઠક ખાલી પડતાં રાજ્ય ચૂંટણી પંચના કાર્યક્રમ હેઠળ 3 ઓક્ટોબર 2021ના રોજ પેટાચૂંટણી યોજાતાં 50.11 ટકા મતદાન નોંધાયું હતું.

આ પેટાચૂંટણીમાં ભાજપે 5 ઉમેદવાર, કોંગ્રેસે 2 અને 6 અપક્ષ ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. મતદાન બાદ હવે 5 ઓક્ટોબર મંગળવારે શહેરના રિસીવિંગ સેન્ટર બાઇ આવાબાઇ હાઇસ્કુલ ખાતે મતગણતરી યોજાનાર છે. હાલમાં વલસાડ નગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપ અને અપક્ષોને કેટલી બેઠક મળશે તેની ઉત્સુકતા સર્જાઇ રહી છે.

જો ભાજપને ઓછી બેઠક મળે તો વિપક્ષ સામાન્ય સભામાં ભાજપને વધુ હંફાવશે અને પ્રાથમિક સુવિધા સહિતના કામો માટે શાસક પક્ષે વધુ સતર્ક રહેવાની જરૂર પડશે. મંગળવારે બાઇ આવાબાઇ હાઇસ્કુલમાં સવારે 8 વાગ્યાથી મતગણતરીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જે 2 થી 3 કલાકમાં પૂર્ણ થવાની શક્યતાઓ દર્શાવાઇ રહી છે.

વિપક્ષને 4 બેઠક મળે તો 21 બેઠક સાથે મજબૂત સ્થિતિમાં આવી શકે છે
પાલિકાની કુલ 44માંથી 23 સભ્ય શાસકપક્ષને બહુમતિ માટે જરૂરી છે. હાલે ભાજપ પાસે 22 સભ્યો છે અને જો ભાજપને આ 5માંથી ઓછામાં ઓછી બે અથવા ત્રણ બેઠક મળી જાય તો શાસકપક્ષને કોઇ વાંધો આવે તેમ નથી. જ્યારે હાલે કોંગ્રેસના 09 અને અપક્ષના 08 સહિતની 17 સભ્યનું સંખ્યાબળ છે. ઘારો કે વિપક્ષને 4 બેઠક મળે તો તેનું સંખ્યાબળ 17થી વધીને 21 થઇ શકે, જેના કારણે વિપક્ષ મજબૂત સ્થિતિમાં આવી શકે છે.

પેટાચૂંટણી પહેલા પાલિકામાં પક્ષીય સંખ્યાબળ

પક્ષબેઠક
ભાજપ25
કોંગ્રેસ9
અપક્ષ10
કુલ44

હાલમાં ભાજપ, કોંગ્રેસ- અપક્ષની બેઠક સંખ્યા

પક્ષબેઠક
ભાજપ22
કોંગ્રેસ9
અપક્ષ08
કુલ39

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...