• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Prime Minister Virtually Inaugurated The 250 bed State of the art Shrimad Rajchandra Hospital In Valsad's Dharampur Taluka.

આરોગ્ય સુવિધા:વલસાડના ધરમપુર તાલુકામાં નિર્માણ પામેલી 250 બેડની અદ્યતન શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું વડાપ્રધાને વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

વલસાડ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ, રાજ્ય નાણાં મંત્રી અને અન્ય મંત્રીઓની ઉપસ્થિત રહ્યા હતા
  • વડાપ્રધાને ધરમપુરની યાદગાર ક્ષણોને વાગોળી હતી

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક અને માનવતાવાદી ગુરુદેવ રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી નિર્મિત શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલનું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં આયોજિત આ કાર્યક્રમમાં ગુરુદેવની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ ગુજરાતના પ્રમુખ અને નવસારીના સંસદસભ્ય અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર હતા. રાજ્યના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષાના મંત્રી, નરેશભાઈ પટેલ, કલ્પસર અને મત્સ્યઉદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ, ગુજરાતના મંત્રી માનનીય જીતુભાઈ ચૌધરી, કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ગુજરાતના માનનીય મંત્રી, મૂકેશભાઈ પટેલ અને વલસાડ તથા ડાંગના ધારસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

200 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરાયું
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા 18 વર્ષોથી કાર્યરત આરોગ્ય સેવા અભિયાનો દ્વારા 18.5 લાખ જીવનને આરોગ્યનો સ્પર્શ મળ્યો છે. સેવાના આ યજ્ઞમાં ક્રાંતિ લાવતાં દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં 11 એકરની વિશાળ જગ્યા પર 200 કરોડના ખર્ચે નિર્મિત, ગ્રામીણ વિસ્તારમાં કવચિત જ જોવા મળે તેવી શહેરો જેવી વૈશ્વિક સ્તરની આધુનિક ટેકનોલોજી, સુવિધાઓ, દરેક રોગના વિશિષ્ટ વિભાગો અને 300 થી વધુ નિષ્ણાત ડૉક્ટરો તથા સ્ટાફ દ્વારા જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર આપતી શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ સ્વાસ્થ્ય, નિવારક, પુનર્વસન અને સંશોધનના એક કેન્દ્ર તરીકે આ વિસ્તાર માટે વરદાનરૂપ બની રહેશે.

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે પોતાના વ્યક્તવ્યમાં કહ્યું હતું કે, ગુરુદેવ રાકેશજીના નેતૃત્વમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં પ્રશંસનીય સેવાકાર્યો કરી રહ્યું છે. સેવાની તેઓની પ્રતિબદ્ધતા આ નવી હૉસ્પિટલથી વધુ મજબૂત થશે. ગ્રામીણ વસ્તીને શ્રેષ્ઠ સારવાર સુલભ કરાવવી એ આઝાદીના આ અમૃતકાળમાં સ્વસ્થ ભારતના દેશના વિઝનને તાકાત આપનારું છે. આ હૉસ્પિટલ બનાવવામાં ગુરુદેવની દૃષ્ટિ છે, પુરુષાર્થ પણ છે અને જીવન પણ છે. આ માટે અને શ્રીમદ્ રાજચંદ્રજીના જ્ઞાન પ્રભાવને જીવંત રાખવા બદલ દેશ તેમનું ઋણી છે.

શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ 16 વિશિષ્ટ વિભાગો
હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, રેડિયોલોજી, ગાયનેકોલોજી, બાળરોગ ચિકિત્સા, ઓર્થ્રોપોડિક્સ, ઑન્કોલોજી, સાયકોલોજી, સંધિવા, ડર્મેટોલોજી, ઈ.એન.ટી., પેથોલોજી, ગેસ્ટ્રોએન્ટોરોલોજી, ડેન્ટીસ્ટ્રી, ફિઝિયોથેરપી દ્વારા આ આદિવાસી વિસ્તારમાં ઘરઆંગણે દરેક રોગની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરાવશે.

ગુરુદેવ રાકેશજીએ આ પ્રસંગે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી કે, 122 વર્ષ પહેલાં શ્રીમદ્ રાજચંદ્રજી ધરમપુર પધાર્યાં હતાં અને અહીંના લોકોએ તેઓશ્રીની સેવાસુશ્રુષા કરી હતી, તે લોકોનું, પવિત્ર ભૂમિનું ઋણ સ્વીકારતાં, શ્રીમદ્જીની કરુણાના પ્રતીકરૂપ આ આરોગ્યધામ દ્વારા અંતરના ભાવ વ્યક્ત કરવાની અને સેવાની તકને અમે વધાવીએ છીએ. પ્રધાનમંત્રીને પોતાનો અમૂલ્ય સમય આ લોકાર્પણ માટે ફાળવવા બદલ આભાર માન્યો હતો.

આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા 70 કરોડના ખર્ચે નિર્માણાધીન, 40 એકરની, 150 વોર્ડની નાના તેમ જ મોટા પ્રાણીઓ માટેની શ્રીમદ્ રાજચંદ્ર એનિમલ હૉસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. આ હૉસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય સાધનોથી સજ્જ ઓપરેશન થિયેટરો, 2-D એકોકાર્ડિઓગ્રાફી, સી. ટી. સ્કેન, હેમોડાયાલિસીસ, બ્લડબેંક, એન્ડોસ્કેપી અને લેપ્રોસ્કોપી, યુરેથ્રોસીસ્ટોસ્કોપી, લેસર થેરેપી, પ્રોસ્થેસિસ, ફીઝીયોથેરપી, ઈલેક્ટ્રોમેગ્નેટીક થેરપી, હાઈડ્રાથેરપી જેવી સર્વગ્રાહી સારવાર પ્રાણીઓ માટે ઉપલબ્ધ હશે.

સાથે જ 40 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ 8 એકરના એક વિશાળ શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વીમેનનું શિલાન્યાસ પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. સેંકડો ગ્રામીણ મહિલાઓનું સશક્તિકરણ તેમ જ રોજગાર આપતાં આ કેન્દ્ર દ્વારા રસોઈ, સીવણકામ, અગરબત્તી, સ્થાનિક હસ્તકલા જેવા કૌશલ્યની તાલીમ, ઉત્પાદન માટેના સાધનો તેમ જ વેચાણ એમ દરેક તબક્કે મહિલાઓને સપોર્ટ આપવામાં આવશે. સાથે જ તેમનામાં કોમ્પ્યુટર કાર્યક્ષમતા, અંગ્રેજી ભાષા તેમ જ નાણાંકીય સાક્ષરતા કેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરતાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર ભારત સરકાર સાથે 75 સમાજ કલ્યાણકારી અભિયાનોમાં જોડાયું છે. આમ સમાજના દરેક વર્ગના ઉત્થાનને વાસ્તવિકતામાં બદલવાના પ્રયાસો દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સમગ્ર સૃષ્ટિમાં સુખ અને ખુશહાલી ફેલાવવા કટિબદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...