રમતમાં હારજીત સામાન્ય છે. પરંતુ, સંઘપ્રદેશ દમણમાં સ્થાનિક લેવલે આયોજીત થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોડી આવેલી એક ટીમને મેચ રમ્યા વગર જ પરાજિત જાહેર કરી દેવાતા ખેલાડીઓ રોષે ભરાયા હતા. પરાજિત જાહેર કરાયેલી ટીમના એક ખેલાડીએ ટ્રેકટર લાવી ટુર્નામેન્ટ માટે બનાવેલી પીચ ખોદી નાખી હતી.
સંઘપ્રદેશ દમણ ખાતે આવેલા પટવારા ગામમાં એક ખાનગી મેદાનમાં સ્થાનિક ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે અહીં પીચ તૈયાર કરવામાં આવી હતી. રવિવારે અહીં બે ટીમો વચ્ચે એક મેચનું આયોજન કરાયું હતું. દમણની જે ટીમનો રવિવારે મેચ હતો તે સમયસર ગ્રાઉન્ડ પર પહોંચી હતી નહીં. જેના કારણે ટુર્નામેન્ટના આયોજકોએ મેચ રમ્યા વગર જ હરિફ ટીમને વિજેતા જાહેર કરી હતી.
દમણની ટીમ જ્યારે મોડેથી ગ્રાઉન્ડ પર પહોંચી ત્યારે તેને નિર્ણયની જાણ થતા ખેલાડીઓ રોષે ભરાયા હતા. તેમાંનો એક ખેલાડી નજીકમાં આવેલા ઘરમાંથી ટ્રેકટર લાવ્યો હતો અને ટુર્નામેન્ટ માટે તૈયાર કરવામાં આવેલી પીચ ખોદી નાખી હતી. અન્ય ખેલાડીઓ અને આયોજકોએ યુવકને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે માન્યો ન હતો અને પીચ પર ગુસ્સો ઠાલવ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.