વલસાડ શહેરના ધરમપુર વલસાડ માર્ગે 1 કિમી લાંબી બાઉન્ડરી વોલ બનાવી રેલવે વિભાગે શોર્ટ કટના 4 માર્ગો બંધ કરી દેવાતા તિથલ રોડ અને નજીકના 20 ગામોથી આવતા નોકરિયાતોને સ્ટેશને ટ્રેન પકડવા અને સ્ટેશનેથ પરત થવાની મોટી મુશ્કેલી ઉભી થવા મુદ્દે માત્ર દિવ્ય ભાસ્કર દ્વારા 7 ડિસેમ્બરના રોજ પ્રસિધ્ધ કરેલા અહેવાલને ધ્યાને લઇ ધારાસભ્ય હરકતમાં આવ્યા છે.તેમણે આ બાબત ધ્યાને લઇ રેલવે વિભાગે બંધ કરેલા 4 રસ્તાઓ ખુલ્લા કરી કાર્યવાહી કરવાનો મુદ્દો રેલવે મંત્રી સમક્ષ ઉઠાવ્યો છે.
વલસાડના સ્ટેશન રોડ પાસે રેલવેના મૈત્રી હોલથી આરપીએફ સુધીની 1 કિમી લાંબી બાઉન્ડરી વોલ બનાવવા માટે છેલ્લા 1 માસથી રેલવે વિભાગે કામગીરી શરૂ કરી છે,જેમાં વચ્ચે આવતા 4 શોર્ટ કટ રસ્તા વોલના કારણે બંધ કરી દેવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.એસપી કચેરી સામે,ચર્ચ પાસે અને આરપીએૅફ કચેરી નજીક સહિત 4 જેટલા એવા રસ્તા છે બહારગામથી ટ્રેન મારફતે વલસાડની સરકારી કચેરીઓમાં આવતા જતા અને વાપી,સુરત વાપી ઉમરગામ સુધી નોકરીએ જનારાઓ,રેલવે યાર્ડના કર્મચારી પરિવારજનો મોગરાવાડી અને અબ્રામા ઝોનના નાગરિકો માટે અવરજવર કરવા ખુબ સુવિધાજનક હતા,પરંતું રેલવેએ વોલ ઉભી કરી દેતાં આ ઉપયોગી રસ્તા બંધ કરાતા લોકોમાં ભારે રોષ ફેલાઇ ગયો છે.
4 જેટલા શોર્ટકટ રસ્તાઓ બંધ કરવા બાબતે દિવ્ય ભાસ્કરે 7 ડિસેમ્બરના રોજ વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો.જેને ધ્યાને લઇ ધારાસભ્ય ભરતભાઇ પટેલે રેલ મંત્રી દર્શનાબેન જરદોષ સમક્ષ લેખિતમાં આ જ મુદ્દો ઉઠાવી લોકોમાં ભારે આક્રોશ છે તેવું જણાવી લોકો આંદોલને વળે તે પહેલા રસ્તા બંધ કરવા મામલે કાર્યવાહી કરવા અને રસ્તા બંધ થયેથી દિવાલનું કામ અટકાવવા દાદ માગી છે.
એસપી કચેરીથી સ્ટેશનજતા રસ્તા ખોલવા રેલવેને સૂચના આપો
ધારાસભ્ય ભરતભાઇ પટેલે રેલ મંત્રી દર્શનાબેન જરદોષને જણાવ્યું કે, રેલવેએ બાઉન્ડરી વોલ બનાવવાની કાર્યવાહી વચ્ચે 4 શોર્ટ કટ રસ્તાઓ ખુલ્લાં કરાવવા માગ કરી છે. આ મામલે તેમણે રેલવે તંત્રને સૂચના આપવા જણાવ્યું છે. જેથી નોકરિયાતો, કર્મચારીઓ, રેલવે કર્મીના પરિવારજનો, મોગરાવાડી અબ્રામાના રહીશો માટે રાહત રૂપ થશે તેવી કેફિયત રજૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.