રહીશોમાં રોષ:વલસાડ સરકારી વસાહત પાછળ કચરો ઉઠાવવામાં પાલિકા તંત્રની આળસાઇ

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફાઇ ન થતાં ગંદવાડથી સોસાયટીના રહીશોમાં રોષ

વલસાડમાં તિથલ રોડ જેવા પોશ વિસ્તારમાં આવેલી સરકારી વસાહત પાછળ મોટી સોસાયટી ધરાવતા પંથકમાં ખુલ્લી ગટર પાસે કચરાના ઢગલાં ઉઠાવવામાં પાલિકા તંત્રની આળસાઇ સામે આવી રહી હોવાની ફરિયાદ રહીશોમાં ઉઠી છે.આ સ્થળે ઠેર ઠેર કચરો ફેંદાઇ રહ્યો છે અને તેના નિકાલ માટે કાર્યવાહી થતી ન હોવાનો રોષ રહીશોમાં ફેલાઇ રહ્યો છે.વલસાડ શહેરમાં સફાઇ કામગીરી માટે જંગી સ્ટાફ કામ કરે છે પરંતું સંકલન અને યોગ્ય વ્યવસ્થાના અભાવે ઘણી જગ્યાઓ કે જ્યાં કચરો પડેલો રહે છે તેનો નિકાલ થતો નથી.

રહીશો જ્યાં સુધી ફરિયાદો ન કરે ત્યાંસુધી કોઇ ફરકતું નથી.વલસાડના તિથલ રોડ ઉપર ખુદ સરકારી વસાહતની બાજૂમાંથી પાછળના ભાગે ગરનાળાના વળાંક પાસે રોડની બાજૂમાં જ કચરાના ઢગલાંઓ ઉભરાયા છે.આ જગ્યાએ અનેક મોટી સોસાયટીઓ આવેલી છે છતાં આ વિસ્તારમાં પાલિકા દ્વારા કચરો ઉપાડવા માટે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.પાલિકાના કર્મચારીઓ સવારે કચરો ઉપાડવા ટ્રેકટરો લઇને વિવિધ વોર્ડમાં જાય છે પરંતું એવા પણ વિસ્તારો છે જ્યાં તેઓ પહોંચતાં નથી,જેના પરિણામે કચરો ઉપાડવા દિવસો સુધી કોઇને સુઝતું નથી.

આ ફરિયાદ સ્થાનિક સોસાયટીના રહીશોએ કરી ડસ્ટબીનો મૂકવા અને તેમાંથી દરરોજ નિયમિત કચરો ઉપાડવા માગ કરી રહ્યા છે.પાલિકા શાસકો અને અધિકારીઓ આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરી અહિના કચરાના ઢગલા ઉઠાવી સફાઇ કરે તેવી માગ કરવામાં આવી છે.

કલેકટરને જાણ કરી કાર્યવાહી કરવા માગ
વલસાડ સરકારી વસાહતની પાછળ ગટર અને ગરનાળા પાસે ફેંકાતા કચરાની સફાઇ કરવા એક પ્રબુધ્ધ નાગરિકે કલેકટરને પણ રાવ કરી છે.જેમાં કલેકટર ખુદ અહિં આવી કચરાના સામ્રાજ્યને નિહાળે તેવી માગ કરાઇ છે.ઉપરાંત ડસ્ટબીન કેટલીક જગ્યાએ મૂ્કાયા છે પણ ખાલી કરવામાં આવતા ન હોવાની હૈયાવરાળ કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...