વલસાડ તાલુકાના ડુંગરી ખાતે ઇન્ચાર્જ એસપીના પોલીસ લોકદરબારમાં કાંઠાના ગામોમાંથી બેફામ દોડતી રેતીની ટ્રકો ઉપર લગામ કસવા માગ કરવામાં આવી હતી.આ સાથે રાત્રિ દરમિયાન આસપાસના અંતરિયાળ ગામોમાં ખેતરોમાંથી મોટરો અને વાયરોની છાશવારે થતી ચોરી રોકવા રાત્રિ પેટ્રોલિંગ વધારવા રજૂઆતો થઇ હતી.
વલસાડ નજીક આવેલા ડુંગરી ગામે પોલીસ મથકમાં જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના ઇન્ચાર્જ એસપી વિજયસિંઘ ગુર્જરની અધ્યક્ષતામાં અને ડીવાયએસપી એ.કે.વર્મા તથા પીએસઆઇ અમીરાજસિંહ રાણાની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આસપાસના ગામના સરપંચો,ખેડૂતો સહિત રજૂઆત કર્તાઓ આવ્યા હતા.
લોકદરબારમાં ઉઠેલા પ્રશ્નોમાં રેતીની ટ્રકોની મોટી સમસ્યા ગ્રામજનો માટે માથાનો દુ:ખાવો બની હોવાની રજૂઆતો કરાઇ હતી.નવસાર જિલ્લાની રેતીની આ ટ્રકો ધોલાઇ બંદરેથી રેતી ખનન કરી વલસાડના ડુંગરી નજીકના કાંઠાના ગામોમાંથી બેફામપણે હંકારવામાં આવતા સતત અકસ્માતનો ભય રહે છે.જેને લઇ ગ્રામજનો ભયભીત રહેતા હોય ટ્રકો સામે કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી.
આ સાથે ચોરીના બનાવ ન બને તે માટે સઘન નાઇટ પેટ્રોલિંગ કરવા માટે પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.જેમાં અંતરિયાળ ગામોમાં ખેડૂતોના ખેતરોમાંથી મોટરો,વાયરોની ચોરી રોકવા કારણે પેટ્રોલિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.ઇન્ચાર્જ એસપી વિજયસિંઘ ગુર્જરે ગ્રામજનોને નડતી સમસ્યાઓ અને ફરિયાદોનું નિરાકરણ કરવા ખાત્રી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.