તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વલસાડમાં પુન:ગઠન બેઠકમાં બુથ શિફ્ટનો મુદ્દો ગાજ્યો

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અબ્રામાના ત્રણ મતદાન મથકને અન્ય સ્થળે ખસેડવાની કાર્યવાહીને લઇ બબાલ થતાં સ્થળ નિરીક્ષણ કરાયું

આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચ દ્વારા પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વલસાડ કલેકટર કચેરીમાં રાજકીય પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન મથકોના પુન:ગઠન માટે એક બેઠક બોલવવામાં આવી હતી,જેમાં મતદાન મથકો અંગેનો મુદ્દો ગાજ્યો હતો.વલસાડ શહેરના અબ્રામા વિસ્તારના 3 મતદાન મથકને શિફ્ટ કરવાનો મુદ્દો પણ ઉભો થયો હતો. વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને થોડા મહિના બાકી રહ્યા છે પરંતું તે માટેની સામાન્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

વલસાડ કલેકટર કચેરીમાં કલેકટર ક્ષિપ્રા અગ્રેની અધ્યક્ષતામાં રાજકીય પ્રતિનિધિઓ સાથે બેઠક મળી હતી.જેમાં વલસાડ નગરપાલિકાના અબ્રામા ઝોન કચેરીમાં આવેલા અબ્રામા-3,અબ્રામા-5 અને અબ્રામા-6 મતદાન મથકનો મુદ્દો જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ગીરીશભાઇ દેસાઇએ ઉઠાવ્યો હતો.તેમણે કલેકટર અને ચૂંટણી અધિકારી સમક્ષ મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે,ચૂંટણીઓમાં અબ્રામા ઝોન કચેરીમાં આવેલા આ 3 બુથ એક જ મકાનમાં લગોલગ ઓરડામાં આવેલા છે.અહિં લગભગ 3500થી વધુ મતદારો મતદાન કરવા આવે છે.પરંતુ આ બુથ માત્ર 10x12ની સાંકળી સાઇઝના હોવાથી ભારે ભીડ થતાં મતદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ ઉપરાંત અહિ મતદાનો માટે ટોયલેટ અને સિનિયર મતદારો માટે બેસવાની પણ જગ્યા નથી.જેથી આ 3 બુથને શિફ્ટ કરી અબ્રામા અર્બન હેલ્થ સેન્ટર,પોલીસ હેડ ક્વોર્ટર હોલ અને આંગણવાડીમાં શિફ્ટ કરવામાં આવે તો મતદારોને મોટી રાહત મળી શકે તેવી રજૂઆત કરાઇ હતી. અન્ય રાજકીય પ્રતિનિધિઓમાં જિ.ભાજપ ઉપપ્રમુખ નિખિલ ચોકસી,કંદર્પ દેસાઇ,સંજય ચૌહાણ વિગેરેઓ પણ હાજર રહ્યા હતા.

પ્રાંત અધિકારી ટીમ સાથે અબ્રામા પહોંચ્યા
બેઠક પૂર્ણ થયા બાદ અબ્રામા ઝોનમાં જે 3 બુથ શિફ્ટ કરવા માટે ગીરીશ દેસાઇએ રજૂઆત કરી તેને ચેક કરવા કલેકટર દ્વારા સૂચના અપાઇ હતી.જેના પગલે પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા તેમની ટીમ લઇ અબ્રામા ઝોન કચેરી પહોંચી ગયા હતા.જ્યાં ભાજપ ઉપપ્રમુખ નિખિલ ચોકસી,શહેર પ્રમુખ કંદર્પ દેસાઇ,મોગરાવાડી કાઉન્સિલર સંજય ચૌહાણ પણ હાજર રહ્યા હતા.

પારડીસાંઢપોરના બુથનો મુદ્દો ઉઠ્યો હતો
પારડી સાંઢપોરનું એક બુથ મોગરાવાડી મહાત્માગાંધી હોલમાં જ હતું,પરંતું બુથનું રિનોવેશન થતું હોવાથી ગત ચૂંટણીમાં તેની જગ્યાએ હિન્દી સ્કૂલમાં બુથ લઇ જવાયું હતું.હવે આ હોલનું રિનોવેશન પૂર્ણ થઇ જતાં ફરીથી મહાત્મા ગાંધી હોલમાં મૂકવા ગીરીશભાઇએ મુદ્દો રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...