પિતા સાથે વાત કરતાં કરતાં મોત:દમણમાં મોપેડ ઉપર બેઠાં બેઠાં હાર્ટ-એટેક આવતાં હોટલ-સંચાલક ઢળી પડ્યા, ઘટના CCTVમાં કેદ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાત સહિત દેશભરમાં અનેક લોકોને અચાનક હાર્ટ-એટેક આવતાં ઘટનાસ્થળે જ તેમનાં મોત નીપજ્યાના બનાવો બન્યા છે. ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. એમાં એક હોટલ-સંચાલકને હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા મોપેડ પર બેઠાં બેઠાં અચાનક હાર્ટ-એટેક આવ્યો અને તેમનું મોત નીપજ્યું હતું. વલસાડ જિલ્લાને અડીને.આવેલા સંઘ પ્રદેશ દમણના દેવકાની પ્રતિષ્ઠિત હોટલના માલિકને અચાનક હાર્ટ-એટેકથી થયેલા મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.

મોપેડ પર બેસીને હોટલ-સંચાલક પિતા સાથે ફોન પર વાત કરતા હતા.
મોપેડ પર બેસીને હોટલ-સંચાલક પિતા સાથે ફોન પર વાત કરતા હતા.

પિતા સાથે ફોનમાં વાત કરતાં કરતાં ઢળી પડ્યા
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં આવેલા દેવકા તાઇવાડમાં રહેતા અને દેવકા વિસ્તારમાં આવેલી હોટલ સનરાઈઝ હોટલના સંચાલક દીપક ભંડારી નામની 52 વર્ષીય વ્યક્તિ ગઈકાલે સવારે 10થી 10:30ના સુમારે તેમની જ હોટલના કમ્પાઉન્ડમાં મોપેડ પર બેસીને તેમના પિતા જોડે વાતો કરતા હતા. ત્યારે અચાનક તેઓ મોપેડ ઉપરથી નીચે ઢળી પડયા હતા. આથી દીપકભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની મરવડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામ આવ્યા હતા, જ્યાં હાજર ડોકટરે દીપકભાઈને મૃત જાહેર કર્યા હતા.

અચાનક હાર્ટ-એટેક આવતાં ઢળી પડ્યા.
અચાનક હાર્ટ-એટેક આવતાં ઢળી પડ્યા.

પરિવારમાં ભારે શોકની લાગણી
હોટલ-માલિકના અચાનક મોતની સમગ્ર ઘટના હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી. 52 વર્ષીય અને શરીરે સ્વસ્થ હોટલ-સંચાલકના અચાનક મૃત્યુથી હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો, મિત્ર વર્તુળ અને તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં છેલ્લા 2 મહિનામાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં હસતાં-રમતાં-ડાન્સ કરતાં, પારિવારિક પ્રસંગમાં બેઠાં-બેઠાં જુવાનજોધ લોકોએ અચાનક જીવ ગુમાવી દીધો હોય અને પાછળ પરિવારનો આક્રંદ અને સેંકડો સવાલ છોડી ગયા છે.

છેલ્લા બે-ત્રણ મહિનાથી આ સ્થિતિ અતિગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ઘણા સમયથી સોશિયલ મીડિયા પર આવી ઘણી ઘટનાઓની તસવીરો અને વીડિયો વાઇરલ થઈ રહી છે, જે જોઈને યુવાનો પણ ચિંતિત બની ગયા છે. ગયા રવિવારે જ રાજકોટના શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા યુવાનને હાર્ટ-એટેક આવતાં ઢળી પડતાં મોત થયું હતું. તો સુરત અને વલસાડમાંથી પણ આવા બનાવો સામે આવ્યા હતા. નીચેના ફકરામાં રાજકોટ, સુરત અને વલસાડના બનાવો વિગતવાર વાંચો....

રાજકોટનો બનાવ
ગયા રવિવારે રાજરોટ શહેરના શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયૂરભાઈ નટવરભાઈ મકવાણા (ઉં.વ.45)ને અચાનક હાર્ટ-એટેક આવતાં ઢળી પડ્યા હતા. સાથી મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. મયૂરભાઈના મોતથી હોસ્પિટલમાં પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડતો નજરે પડ્યો હતો.

મયૂરભાઈની પત્ની સાથેની ફાઈલ તસવીર.
મયૂરભાઈની પત્ની સાથેની ફાઈલ તસવીર.

ગભરામણ થતાં મારો ભાણેજ સ્કૂટર પર બેસી ગયો
શાંતિભાઈ પરમારે જણાવ્યું હતું કે મયૂર મારો ભાણેજ થતો હતો. રેગ્યુલર ક્રિકેટ મેચ રમવા જતો હતો. તેને કોઈ જાતની બીમારી કે વ્યસન નહોતું. રવિવારે ક્રિકેટ રમતાં રમતાં તેને થોડી ગભરામણ થઈ પણ કોઈને કહ્યું નહીં. તે સ્કૂટર પર બેસી ગયો હતો. બાદમાં અચાનક ઢળી પડ્યો હતો. તેના મિત્રો દોડી આવ્યા અને 108ને જાણ કરી હતી. જોકે હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

સુરતનો બનાવ
વીસેક દિવસ અગાઉ સુરતના ઓલપાડના નરથાણા ગામમાંથી આવો જ બનાવ સામે આવ્યો હતો. ક્રિકેટ રમવા દરમિયાન નિમેષ આહીર નામના યુવકને હાર્ટ-એટેક આવ્યો હતો અને બેભાન થઈ ગયા બાદ તેનું મોત નીપજ્યું હતું. નિમેષ આહીર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ફિલ્ડિંગ દરમિયાન જ અચાનક તે ગ્રાઉન્ડ ઉપર જ બેભાન થઈ ગયો હતો. બેભાન થઈ ગયા બાદ તેનું મોત નીપજ્યું હતું.

નિમેષ આહીર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે ફિલ્ડિંગ કરી રહ્યો હતો.
નિમેષ આહીર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે ફિલ્ડિંગ કરી રહ્યો હતો.

બેભાન થયા બાદ યુવકનું મોત
ક્રિકેટ રમતી વખતે એકાએક બેભાન થઈ જવા પાછળનું કારણ હાર્ટ-એટેક હોવાનું સામે આવ્યું હતું. યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. હાર્ટ-એટેકને કારણે મોત થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ક્રિકેટ રમતી વખતે તેની તબિયત લથડી હતી અને ત્યાર બાદ તેનું મોત થયું હતું.

વલસાડનો બનાવ
બે મહિના અગાઉ વલસાડની જેપી શ્રોફ આર્ટ્સ કોલેજના કેમ્પસમાં મિત્રો સાથે ચાલીને જઈ રહેલો વિદ્યાર્થી અચાનક ઢળી પડતાં મોત થયું હતું. વિદ્યાર્થીના મોતની સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઈ હતી. હસતા-ખેલતા 19 વર્ષીય યુવકનું અચાનક મોત થતાં પરિવારજનો, મિત્રો અને કોલેજ સ્ટાફ શોકમાં ગરકાવ થયો હતો. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનું મોત હાર્ટ-એટેકને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.

આકાશે મિત્રો સાથે લીધેલી અંતિમ સેલ્ફી.
આકાશે મિત્રો સાથે લીધેલી અંતિમ સેલ્ફી.

આઠ ડગલાં ચાલ્યો ને યુવક ઢળી પડ્યો
વલસાડના મોગરવાડી વિસ્તારમાં રહેતો આકાશ દિનેશભાઈ પટેલ જેપી શ્રોફ આર્ટ્સ કોલેજમાં એસવાય બીએમાં અભ્યાસ કરતો હતો. તે દરરોજની માફક આજે સવારે પોતાની કોલેજ પર પહોંચ્યો હતો. સવારે અગિયાર વાગ્યાના અરસામાં આકાશ તેના મિત્રો સાથે કોલેજ કેમ્પસમાં આવેલા ગાર્ડનમાં વાતચીત કરી રહ્યો હતો. ત્યારે નજીકમાં જ અન્ય મિત્રો બેસેલા હોવાથી તેને મળવા માટે તે જઈ રહ્યો હતો અને અચાનક ઢળી પડ્યો હતો.